બંગાળમાં ૭૨ વર્ષની નન પર ગેંગરેપઃ

Wednesday 18th March 2015 08:26 EDT
 

પશ્ચિમ બંગાળમાં ૭૨ વર્ષની ખ્રિસ્તી સાધ્વી-નન પર ગેંગરેપ થતાં લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. નાદિયા જિલ્લાનાં ગંગનાપુર ગામમાં આવેલી કોન્વેન્ટ સ્કૂલમાં ગત શનિવારે વહેલી સવારે આ ઘટના બની હતી. સ્કૂલમાં લૂંટના ઈરાદે આવેલા પાંચ-સાત લોકોએ નનને બંધક બનાવીને તેમની સાથે દુષ્કર્મ આચર્યું હતું. મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ આ ઘટનાની સીઆઈડી તપાસ કરવાના આદેશ આપ્યા છે. ઘટનાથી ગુસ્સે ભરાયેલાં લોકોએ રેલવે રોકો આંદોલન કર્યું હતું અને ચક્કાજામ કરીને હાઈવે પરના ટ્રાફિકને જામ કર્યો હતો.

સ્મૃતિ, હું જાણું છું તમે શું છો: દક્ષિણ ભારતીય મહિલાઓ પર વાંધાજનક ટિપ્પણી બાદ બેફામ બનેલા જનતાદળ(યુ)ના અધ્યક્ષ શરદ યાદવે રાજ્યસભામાં કેન્દ્રીય માનવસંસાધન પ્રધાન સ્મૃતિ ઇરાની અંગે નિમ્ન કક્ષાની ભાષાનો ઉપયોગ કરીને મોટો વિવાદ સર્જ્યો હતો. રાજ્યસભામાં ચાલી રહેલા હંગામા દરમિયાન યાદવે સ્મૃતિ ઇરાની પર સીધો હુમલો કરતાં જણાવ્યું હતું કે, ‘હું જાણું છું કે તમે શું છો.’ યાદવનાં આ નિવેદનને પગલે સમગ્ર ગૃહમાં સન્નાટો પ્રસરી ગયો હતો. સોમવારે રાજ્યસભામાં કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે શરદ યાદવની દક્ષિણ ભારતીય મહિલાઓનાં રૂપ-રંગની ટિપ્પણીનો મુદ્દો ઉઠાવી યાદવ ટિપ્પણી પાછી ખેંચી માફી માગે તેવી માગ કરી હતી, પરંતુ શરદ યાદવે જણાવ્યું હતું કે ભલે ધરતી ફાટી જાય પરંતુ હું મારાં નિવેદન પર અડગ છું. શરદ યાદવે વીમા ખરડાની ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે આપણા ભગવાન રવિશંકર પ્રસાદ જેવા શ્યામ છે પરંતુ આપણી લગ્નની જાહેરાતોમાં ગોરી વહુ પર ભાર મુકાય છે. દક્ષિણ ભારતીય મહિલાઓનો રંગ શ્યામ હોય છે પરંતુ તેઓ તેમનાં શરીર જેટલી જ સુંદર હોય છે, તેઓ સારી નૃત્યાંગના પણ હોય છે.

સંસદમાં રાહુલ ગાંધી જાસૂસીકાંડ ગાજ્યોઃ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની કથિત જાસૂસી મામલે સોમવારે લોકસભા અને રાજ્યસભામાં કોંગ્રેસે ભારે હોબાળો મચાવ્યો. કોંગ્રેસના સાંસદોએ બંને ગૃહોમાં આ મુદ્દો ઉઠાવી સરકાર પર જાસૂસીનો આરોપ મૂકીને રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યો હતો. સમાજવાદી પાર્ટી અને જેડી(યુ)એ પણ સરકાર પર પ્રાઇવસીના ભંગનો આરોપ લગાવ્યો હતો, જોકે સરકારે કોંગ્રેસના આ બળાપાને નાહકનો ગણાવી તેમના પર લગાવેલા તમામ આરોપો ફગાવ્યા હતા.

ગોવા સરકારે ગાંધી જયંતીની રજાને રદ કરીઃ ગોવા સરકારની રાજ્યમાં રાખવાની આવતી જાહેર રજાઓની યાદીમાંથી બીજી ઓક્ટોબરની ગાંધી જયંતીની બાદબાકી થતાં મોટો વિવાદ ઊભો થયો હતો. જોકે, મુખ્ય પ્રધાન લક્ષ્મીકાંત પારસેકરે કહ્યું હતું કે આ તો કોઈની શરારત અથવા તો ટાઈપિંગની ભૂલ હોઈ શકે છે. કોંગ્રેસે તો આ હરકતને ‘રાષ્ટ્ર વિરોધ’ ગણાવી હતી.

NRI વરરાજા ડોલર-પાઉન્ડની માળા પહેરે છેઃ ઉત્તર ભારતનાં લગ્નોની ધૂમ હવે વિદેશમાં મચી રહી છે. વરરાજાના ગળામાં ચલણી નોટોનો હાર પહેરવાની પ્રથા હવે વિદેશની ધરતી પર પણ જોવા મળે છે. સામાન્ય રીતે જોઈએ તો ભારતના કેટલાક વિસ્તારમાં લગ્ન કરતી વખતે વરરાજાના ગળામાં ૧૦, ૧૦૦ કે ૧,૦૦૦ રૂપિયાની નોટોનો હાર-માળા પહેરેલ જોવા મળે છે, ખાસ વાત એ છે કે એનઆરઆઈઓએ પણ હવે આ કલ્ચરને અપનાવી લીધું છે, જેમાં ફરક એટલો છે કે તેમાં નોટોની જગ્યાએ ડોલર જોવા મળે છે. દિલ્હીમાં અનેક દુકાનો પર એનઆરઆઈ ગ્રાહકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે જેઓ ડોલર આપીને નોટોની માગણી કરી રહ્યા છે. વિક્રેતાઓનું માનવું છે કે આ પ્રકારની માગણી હવે લગ્નમાં એક સ્ટેટસ બની ગયું છે. કેટલાક ગ્રાહકો એવા છે જે પાઉન્ડની માળા બનાવડાવે છે.

ઉત્તર ભારતમાં માવઠાથી ૧૪નાં મોત, પાકને પણ નુકસાનઃ ઉત્તર ભારતમાં ગત સપ્તાહે પડેલા કમોસમી વરસાદને કારણે અત્યાર સુધીમાં ૧૪ લોકોનાં મોત થયાં છે તેમ જ ખેતરોમાં વાવેલા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ઉપરાંત ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે બે લોકોનાં મોત નિપજ્યાં છે. દિલ્હીમાં વાતાવરણ પલટાતા ઠંડીની અસર અનુભવાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter