મુંબઇઃ ગયા વર્ષથી બંધ પડેલી ગો ફર્સ્ટ એરલાઈન્સને ખરીદવા માટે બોલીની રકમ વધારીને રૂ. 1,800 કરોડ કરાઇ છે. સ્પાઇસજેટના પ્રમોટર અજય સિંહ અને બિઝી બી એરવેઝથી જોડાયેલા નિશાંત પિટ્ટીના કંન્સોર્ટિયમે બિડની રકમ રૂ. 200 કરોડ વધારી છે. અગાઉ બોલીની રકમ 1,600 કરોડ રૂપિયા હતી. આ સાથે જ કન્સોર્ટિયમે અગાઉથી ચૂકવણીની રકમ 290 કરોડથી વધારી રૂ. 500 કરોડ કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. ગો ફર્સ્ટને ખરીદવા બીજી બોલી મીરચંદાનીની માલિકીની સ્કાય વન એરવેઝે લગાવી છે.
ગો ફર્સ્ટ ખરીદવામાં રસ કેમ?
ગો ફર્સ્ટ પાસે અંદાજે રૂ. 8,000 કરોડની લેન્ડ પ્રોપર્ટી છે. તેને ખરીદનારી કંપની કે ઉદ્યોગપતિ તેને વેચી સરળતાથી ગો ફર્સ્ટ પર રહેલા રૂ. 6,521 કરોડનું દેવું ચૂકવી શકે છે. વાડિયા ગ્રુપે ગો ફર્સ્ટ તરફથી કોર્પોરેટ ગેરંટી આપી છે. બાકીની વસૂલાત માટે તેને રીડિમ કરી શકાય છે.