નવી દિલ્હી: નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટમાં રેલવેને મોટી સોગાત આપી છે. રેલવેના બજેટમાં જંગી વધારો કરાયો છે. નાણાપ્રધાને બજેટમાં રેલવેને કુલ 2.4 લાખ કરોડ રૂપિયા ફાળવતા કહ્યું કે, આ વર્ષે સૌથી વધુ બજેટ રેલવેને ફાળવાયું છે. રેલવેનું આ અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ છે. તેનાથી રેલવેની તમામ યોજનાઓ પર કામ થશે. ઘણી નવી યોજનાઓ પણ શરૂ થશે. રેલવેનું આ બજેટ 2013-14ની સરખામણીમાં નવ ગણું વધુ છે.
આવનારા દિવસોમાં રેલવેની નવી 100 યોજનાઓ શરૂ થશે. નવી યોજનાઓ માટે 75,000 કરોડ રૂપિયાનું ફંડ અપાશે. ખાનગી ક્ષેત્રની મદદથી 100 યોજનાની ઓળખ કરાઈ છે. સરકારે રેલવેના ક્ષેત્રમાં વિકાસ માટે આ યોજનાઓ તૈયાર કરી છે, જેમને અમલી બનાવાશે. સરકારે ગત બજેટમાં રેલવે મંત્રાલયને 1,40,367.13 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. ત્યારે પણ રેલવે બજેટમાં 20 હજાર કરોડ રૂપિયાનો વધારો કરાયો હતો.
નાણાપ્રધાને કહ્યું કે, આગામી ત્રણ વર્ષમાં અદ્યતન ટેક્નોલોજી અને સુવિધાઓથી સજ્જ 400 વંદે ભારત ટ્રેન શરૂ કરાશે. બજેટમાં તેમણે રાષ્ટ્રીય રેલ યોજના 2030ની પણ જાહેરાત કરી. જે અંતર્ગત રેલવેના વિકાસ માટેનો પ્લાન તૈયાર કરાયો છે. ડિસેમ્બર, 2023 સુધીમાં રેલવેમાં 100 ટકા વિદ્યુતીકરણ કરાશે.