લંડનઃ ભારતમાં ૧૨મી સદીના દાર્શનિક અને સમાજસુધારક બસવેશ્વરાની ૮૮૨મી જન્મતિથિની બ્રિટિશ ભૂમિ પર સૌપ્રથમ સત્તાવાર ઉજવણી લંડનમાં સાતમી મે એ કરવામાં આવશે. આ ઉજવણીમાં ધ બસવેશ્વરા ફાઉન્ડેશન યુકે દ્વારા વડા પ્રધાન મોદીના યોગગુરુ ડો. એચ. આર. નાગેન્દ્રને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ પ્રસંગે ભારતીય હાઇકમિશનર નવતેજ સરના, વોક્સોલ કેટ હોયના સાંસદ કિથ વાઝ, ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના પ્રકાશક અને તંત્રી સી.બી. પટેલ તથા લાંબેથના પૂર્વ મેયર ડો. નીરજ પાટીલ ખાસ હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે ભારતમાં યોગ અને સંશોધનના ક્ષેત્રે પ્રદાન બદલ ડો. એચ.આર. નાગેન્દ્રને તાજેતરમાં જ પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાયો છે.
બસવેશ્વરાની પ્રતિમા લંડનમાં થેમ્સ નદીના નજીક સ્થાપિત કરવામાં આવી છે. બ્રિટિશ પાર્લામેન્ટની પાછળની તરફ આવેલી આ પ્રતિમાનું ઉદ્ઘાટન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૪ નવેમ્બર ૨૦૧૫ના રોજ કર્યું હતું. બ્રિટિશ સરકાર દ્વારા ભારતીય ફિલોસોફરની પ્રતિમા સ્થાપવા સૌપ્રથમ વખત બહાલી અપાઈ હતી. લોકશાહીના આદર્શોને આગળ વધારવામાં, લૈગિંક સમાનતા અને જ્ઞાતિ ભેદભાવ વિરુદ્ધ અભિયાનની ભૂમિકા બદલ બસવેશ્વરાની પ્રતિમાને સ્થાપવાની મંજૂરી અપાઈ હતી.
વડા પ્રધાન મોદી કર્ણાટક અને ભારતમાં દુકાળની પ્રવર્તમાનની પરિસ્થિતિથી ચિંતિત હોવાના કારણે તેમજ આ પ્રસંગે ભવ્ય ખર્ચની વિરુદ્ધ હોવાથી સમગ્ર કાર્યક્રમ પાછળ માત્ર ૧ પાઉન્ડનું બજેટ રાખવામાં આવ્યું છે જે પ્રતિમાને હાર પહેરાવવા માટે ખર્ચાશે.