નોઇડાસ્થિત દિલ્હીના સૌથી મોટા ડિસ્કો થેક અને બિયર બારના સંચાલક સચિન દત્તા ઉર્ફે સચ્ચિદાનંદ ગીરીને સંતોની નગરી અલ્લાહાબાદમાં મહામંડલેશ્વરની પદવી આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશના કેબિનેટ પ્રધાન શિવપાલ યાદવ અને ઓમપ્રકાશ સિંહની હાજરીમાં તેમનો પદાભિષેક થયો હતો. પરંતુ થોડા જ કલાકોમાં તેમની નિયુક્તિ વિવાદમાં પડી હતી. સચ્ચિદાનંદ ગીરી મહારાજ પર બિયર બાર અને ડિસ્કો સંચાલનની સાથે સાથે રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા હોવાની વિગતો જાહેર થતાં અખાડા પરિષદે તેમની સામે તપાસ કરવાનો નિર્ણય લીધો છે. જો આ આરોપો સાચા ઠરશે તો તેમનું મહામંડલેશ્વરનું પદ પાછું લેવાશે.
• પાઠ્યપુસ્તકમાં આરોપી આસારામને મહાન સંત બનાવાયા!ઃ બળાત્કારના આરોપમાં ૨૩ મહિનાથી જોધપુરની જેલમાં કેદ આસારામને દિલ્હીનાં એક પબ્લિકેશન હાઉસે નૈતિક શિક્ષણનાં પાઠયપુસ્તકમાં મહાન સંત દર્શાવતાં ભારે વિવાદ થયો છે. એનસીઈઆરટી દ્વારા માન્ય આ પાઠયપુસ્તકમાંથી રાજસ્થાનની ૮૦થી વધુ શાળાઓમાં ધોરણ ત્રણના વિદ્યાર્થીઓને નૈતિકતાના પાઠ ભણાવવામાં આવે છે.