અમદાવાદઃ વાર્ષિક 60 બિલિયન ડોલરની આવક ધરાવતા આદિત્ય બિરલા જૂથના વડા કુમાર મંગલમ બિરલાને આજે રાષ્ટ્રપતિએ પદ્મભૂષણ એવોર્ડ એનાયત કર્યો હતો. વર્ષ 2022માં વ્યાપાર અને ઉદ્યોગ ક્ષેત્રમાં દેશમાંથી એકમાત્ર બિરલાની ભારત સરકારે દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનમાંથી એક એવા આ એવોર્ડ માટે પસંદ કરી છે. દેશના સૌથી અગ્રણી ઉદ્યોગગૃહમાંથી એક એવા બિરલા કુટુંબમાં કુમાર મંગલમ્ ચોથી વ્યક્તિ છે જેમને પદ્મ એવોર્ડ મળ્યો છે. અગાઉ, તેમના માતા રાજશ્રી બિરલા તથા દાદા બસંત કુમાર બિરલાને પદ્મભૂષણથી જયારે પરદાદા ઘનશ્યામદાસ બિરલાને પદ્મ વિભૂષણ ખિતાબથી ભારત સરકારે નવાજ્યા છે.