બિહારમાં જનતા દળ (યુ) અને રાજદ ૧૦૦-૧૦૦ બેઠકો પર લડશે

Thursday 13th August 2015 02:47 EDT
 
 

પટનાઃ બિહારમાં વિધાનસભા ચૂંટણીનો તખતો ગોઠવાઇ રહ્યો છે. વર્ષના આખરમાં યોજાનારી ચૂંટણીઓ માટે નીતિશ કુમાર અને લાલુ પ્રસાદ વચ્ચે મહા ગઠબંધનની સમજૂતીને આખરી ઓપ અપાયો છે. જનતા દળ (યુ) અને રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)ના આ બન્ને મોવડીઓએ બુધવારે બેઠકોની ફાળવણીની ફોર્મ્યુલા જાહેર કરી છે. જે અનુસાર, બન્ને પક્ષો ૧૦૦-૧૦૦ બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે કોંગ્રેસને ૪૦ બેઠકો ફાળવાઇ છે.
બુધવારે યોજાયેલી પત્રકાર પરિષદમાં કોંગ્રેસના સી. પી. જોશી પણ હાજર રહ્યા હતા. શરદ પવારની એનસીપીને ૩ સીટો ફાળવાય તેવી શક્યતા છે, જોકે આની જાહેરાત કરાઈ નથી. બિહારમાં નીતિશ કુમાર, લાલુ પ્રસાદ, કોંગ્રેસ અને એનસીપી દ્વારા ચૂંટણીપ્રચાર સાથે મળીને કરાશે. નીતિશે કહ્યું કે અમે સાથે મળીને તમામ કાર્યક્રમો નક્કી કરીશું. પહેલો સામૂહિક રોડ શો પટનામાં ૩૦ ઓગસ્ટે ગાંધી મેદાન ખાતે યોજાશે જ્યાં બિહાર સ્વાભિમાન રેલી યોજાશે.
લાલુનો હાથ ઉપર રહ્યો?
રાજદના નેતા લાલુ પ્રસાદ પહેલેથી જ જનતા દળ (યુ) જેટલી બેઠકો તેમના પક્ષને મળે તેવો આગ્રહ રાખતા હતા. જનતા દળ (યુ) રાજ્યમાં છેલ્લાં ૧૦ વર્ષથી સત્તા પર રહેવા છતાં બેઠકોની ફાળવણીમાં લાલુ પ્રસાદનો હાથ ઊંચો રહ્યો હોય તેવું લાગે છે. ભાજપ અને મોદીની વિજયકૂચને રોકવા માટે નીતિશ કુમારે સત્તા પર હોવા છતાં લાલુ પ્રસાદની મનમાનીને સહન કરવી પડી છે. એનડીએ માટે બિહારમાં ચૂંટણી જીતવાનું કપરાં ચડાણ જેવું છે.
જનતા દળ (યુ)-ભાજપના ગઠબંધન વખતે જનતા દળ (યુ) ૧૪૧ અને ભાજપ ૧૦૨ બેઠકો પર ચૂંટણી લડયા હતા. આ વખતે નીતિશ કુમાર લાલુને ૧૦૦ બેઠકો આપી ઘૂંટણિયે પડયા છે. જોકે કોંગ્રેસને ૪૦ સીટો ફાળવી તેમણે સંતોષ માન્યો છે.
ભાજપ-સંઘને હંફાવશું: રાજદ
રાજદ પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે વડા પ્રધાન મોદી અને ભાજપ પર પ્રહારો કરતાં કહ્યું કે અમે ભાજપ અને આરએસએસને તમામ સ્તરે હંફાવીશું. ૩૦ ઓગસ્ટે અમે ગાંધી મેદાનમાં વડા પ્રધાન મોદીને જડબાતોડ જવાબ આપશું. મોદીએ ડીએનએવાળું નિવેદન કરીને બિહાર અને બિહારની જનતાનું અપમાન કર્યું છે. બિહારની પ્રજા તેમને પાઠ ભણાવશે. સંઘના ગાળો બોલતા અને અભદ્ર વર્તન કરતાં લોકોને અમે નાગપુર મોકલી દઈશું. ભાજપ કહેતો હતો કે અમારા ગઠબંધનમાં તિરાડ છે. અમે બેઠકોની ફાળવણી નહીં કરી શકીએ, પણ અમે એક છીએ અને એક રહીશું.
જો અને તો...
ચૂંટણીમાં જો કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળે અને ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ સર્જાય તો ચૂંટણી પછીનાં સમીકરણો બદલાઈ શકેય આ સંજોગોમાં ચૂંટણીની ચોપાટ રમવામાં માહેર લાલુ પ્રસાદ જીતનરામ માંઝીને સાથે રાખીને સરકાર રચી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter