પટણા/નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બિહારના સીએમ નીતીશકુમાર માટે પ્રતિષ્ઠાનો જંગ બની ચૂકેલી બિહાર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો ૮મી નવેમ્બર, ૨૦૧૫ના રોજ જાહેર થયાં હતાં. બિહારનો ચૂંટણી જંગ રસાકસીભર્યો બની રહેશે તેવા તમામ એક્ઝિટ પોલના દાવાઓને ખોટા પાડતાં બિહારની જનતાએ વધુ એક વાર નીતીશકુમારની આગેવાની હેઠળના મહાગઠબંધનને શિરે સત્તાનો તાજ પહેરાવ્યો હતો અને ૨૦મી નવેમ્બરે નીતીશકુમાર બિહારના મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે.
આઠમી નવેમ્બરે સવારે ૮ વાગ્યાથી બિહાર વિધાનસભાની ૨૪૩ બેઠકો માટે મતગણતરી હાથ ધરાઇ હતી. પ્રારંભિક મતગણતરીમાં એનડીએના ઉમેદવારો આગળ હોવાના અહેવાલોએ ભાજપમાં ખુશીની લહેર દોડાવી હતી, પરંતુ બે કલાક બાદ ભાજપની ખુશીઓ પર પાણી ફરી વળ્યું હતું. નીતીશકુમારની આગેવાનીમાં જદયુ-રાજદ-કોંગ્રેસના ગઠબંધનને ૨૪૩માંથી ૧૭૮ બેઠકો પર વિજય મળ્યો હતો. ભાજપનાં નેતૃત્વ હેઠળના એનડીએ ગઠબંધનને માંડ ૫૮ બેઠકો મળતાં ભાજપમાં સોપો પડી ગયો હતો. મહાગઠબંધનમાં લાલુ યાદવના રાજદને સૌથી વધુ ૮૦ બેઠકો પર વિજય મળતાં તે બિહાર વિધાનસભામાં સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ઊભરી આવી હતી. જદયુને ૭૧ સામે કોંગ્રેસને ૨૭ બેઠકો મળી હતી.
ભાજપના એનડીએ ગઠબંધનની કારમી હારમાં સાથી પક્ષોનો મહાફાળો રહ્યો હતો. ભાજપ માંડ અડધી સદીને પાર કરી શક્યો અને તેના ૫૩ ઉમેદવારોએ જીત મેળવી હતી. જ્યારે લોજપા, આરએલએસપી અને હિંદુસ્તાન અવામ મોરચાની કુલ બેઠકો બે આંકડાને પણ પાર કરી શકી નહોતી. ચૂંટણીના પરિણામો આવતાં જ બિહારમાં જદયુ, રાજદ સાથે ગઠબંધનથી કોંગ્રેસને લાભની વાતો ચર્ચામાં હતી. પરિણામો અને ટ્રેન્ડ મુજબ કોંગ્રેસે ૨૭ બેઠકો પર વિજય મેળવ્યો હતો. કોંગ્રેસે આ વખતે માત્ર ૪૧ બેઠકો પર જ પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે ૨૦૧૦ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર ચાર બેઠકો મળી હતી. કોંગ્રેસે આ વખતે માત્ર ૪૧ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હોવાથી તેને પ્રાપ્ત મતોની ટકાવારી ઘટીને ૬.૭ ટકા થઇ. જે ૨૦૧૦માં ૮.૩૭ હતી. મતદાનની ટકાવારીની દૃષ્ટિએ પણ કોંગ્રેસના ચોથા ક્રમે રહી. ભાજપને ૨૪.૮ ટકા મતો રાજદને ૧૮.૫ ટકા અને જદયુને ૧૬.૭ ટકા મતો મળ્યા. અપક્ષને ૯.૭ ટકા મતો મળ્યા. ૨૦૧૪ની લોકસભા ચૂંટણી પછી કોંગ્રેસનો આ સૌથી સારો દેખાવ રહ્યો. આ ચૂંટણીની સરખામણી કરીએ તો મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ, દિલ્હી અને જમ્મુ-કાશ્મીરની ચૂંટણીમાં કોંગ્રેસનો દેખાવ કંગાળ રહ્યો હતો.
આ ચૂંટણીના પરિણામો બાદ નીતીશકુમારની આગેવાનીનું મહાગઠબંધનની જીતનો શ્રેય રાહુલ ગાંધીને આપવાનો પ્રયાસ કેટલાક કોંગ્રેસી નેતાઓએ કરતા કહ્યું કે, બિહાર ચૂંટણીના વિજયી ગઠબંધનના ઘડવૈયા રાહુલ ગાંધી છે. આ મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું છે કે, બિહાર ચૂંટણીમાં ભાજપ અને સંઘના ભાગલાવાદી રાજકારણની હાર થઈ છે. હું મોદીને સતત વિદેશ પ્રવાસો બંધ કરવાનું કહીને ખેડૂતો, મજૂરો અને યુવાનોની મુલાકાત લેવાનું સૂચન કરું છું, જેમને તેમણે રોજગારી આપવાનું વચન આપ્યું હતું.
કોંગ્રેસના પ્રધાન શકીલ અહેમદે કહ્યું હતું કે, બિહારમાં આ પ્રકારનું મહાગઠબંધન શક્ય જ નહોતું, પણ કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ ભજવેલી અસરકારક ભૂમિકાને પગલે તે શક્ય બન્યું હતું. નીતીશકુમાર અને લાલુને એક મંચ પર લાવવામાં કોંગ્રેસની ખૂબ જ મહત્ત્વની ભૂમિકા હતી. કોંગ્રેસના નેતાઓનો સૂર હતો કે, રાહુલ ગાંધીને કોંગ્રેસના વડા તરીકે આરુઢ કરવા બિહાર ચૂંટણીની જીત એ જ સૌથી યોગ્ય સમય છે. બીજી તરફ બિહારમાં હારનો સામનો કરતાં રાજ્યસભામાં પોતાનું સંખ્યાબળ વધારવાનું ભાજપનું સ્વપ્ન રોળાઈ ગયું. હાલ રાજ્યસભામાં ભાજપના સાંસદોની સંખ્યા ૪૮ છે. રાજ્યસભામાં બહુમતીના અભાવે મોદી સરકાર જીએસટી, જમીન સંપાદન ખરડો સહિતના આર્થિક સુધારાના ખરડા બહુમતીના અભાવે રાજ્યસભામાં અટવાઇ પડયાં છે. ભાજપને આશા હતી કે જો બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટી સારો દેખાવ કરી શકે તો રાજ્યસભામાં ટ્રેઝરી બેન્ચનું સંખ્યાબળ વધશે, પરંતુ બિહારના પરિણામોએ ભાજપની આશાઓ પર પાણી ફેરવી દીધું. રાજ્યસભામાં બિહારના કુલ ૧૬ સાંસદો હોય છે. જેમાંના પાંચ સાંસદો આવતા વર્ષે નિવૃત્ત થઇ રહ્યાં છે. હવે ભાજપનો ફક્ત એક જ સાંસદ આગામી વર્ષે બિહાર ક્વોટામાં રાજ્યસભામાં ચુંટાઇ શકશે.
મોદી સરકારને દેશમાંથી ફેંકીશું: લાલુપ્રસાદ યાદવ
બિહારમાં જીત બાદ લાલુ યાદવે નીતીશકુમારની સાથે ૮મી નવેમ્બરે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ કોન્ફરન્સમાં બિહારી લઢણમાં લાલુએ કહ્યું હતું કે, હું પૂરા દેશમાં ફરીશ. રેલીઓ-સભાઓ-પદયાત્રાઓ કરીશ. અમે મોદી સરકારની વિરુદ્ધ આંદોલન છેડીશું. હું લાલટેન લઇને બનારસ જઇશ અને જોઇશ કે મોદીએ ત્યાં શું વિકાસ કર્યો છે? લાલુએ જોશમાં કહ્યું હતું કે, ફાસિસ્ટ મોદી સરકાર બિલકુલ ધરાશાયી થઇ જશે. બિહારના પરિણામો જોતાં હવે ભારતીય જનતા પક્ષની હાર સાથે બંગાળ, કેરળ, ઉત્તર પ્રદેશ અને તામિલનાડુમાં પણ એક નવા ગઠબંધનની શક્યતા છે.
બિહારમાં ભાજપની હારના કારણ ચારઃ ભાગવત, દાદરી, દલિત અને દાળ
ભાજપ સરકારની બિહારની વિધાનસભાની ચૂંટણીમાં કારમી હારના રાજનીતિજ્ઞોએ આમ તો ઘણા કારણો અને તારણો આપ્યાં છે જેમકે, સુશાસક બાબુની છબિ ધરાવતા નીતીશકુમાર સામે ભાજપ પક્ષ સીએમ પદ માટે સબળ ઉમેદવાર ન લાવી શક્યો. મોદીએ નીતીશને રાજકીય દગાબાજ ગણાવ્યા અને નીતીશે પ્રચારમાં એનો બાહરી વર્સિસ બિહારીની લડાઈ તરીકે ઉપયોગ કર્યો. આ સાથે ભાજપની હાર માટે ચાર મહત્ત્વના મુદ્દા રહ્યા ભાગવત, દલિત હત્યાકાંડ, દાદરીકાંડ અને દાળનો ભાવવધારો.
ભાગવતનું નિવેદનઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે તાજેતરમાં એવું સૂચન કર્યું હતું કે, અનામત નીતિ પર સમિતિ રચાય. આ નિવેદનને કારણે પછાત વર્ગોએ એનડીએ વિરુદ્ધ મતદાન કર્યું હતું એવું કેટલાક ભાજપના અગ્રણી નેતાઓનું નિવેદન હતું.
દાદરી અને દલિત હત્યાકાંડઃ રાજનીતિજ્ઞોના કહેવા મુજબ, દાદરી કાંડ અને દલિત હત્યાકાંડ પર ભાજપ નેતાઓની ઉશ્કેરણીજનક નિવેદનબાજીના પગલે દેશના વિદ્વાનોનો પુરસ્કારો પરત કરવાનો સિલસિલો ભાજપને નડ્યો છે. અસહિષ્ણુતા દ્વારા કોમી ધ્રુવીકરણ કરવાની ભાજપની વ્યૂહરચના સદંતર નિષ્ફળ ગઈ.
દાળે લીધો દાવઃ દાળની કિંમતો રૂ. ૨૦૦ પ્રતિ કિલોને પાર કરી જતાં એનડીએની ગાડીમાં પંચર પડી ગયું હતું. જેના પરિણામે એનડીએને ઘેરવાની મહાગઠબંધનના નેતાઓને તક મળી ગઈ હતી. મહાગઠબંધન જનતામાં એવું ઠસવી શક્યા હતા કે મોંઘવારી માટે મોદી સરકાર જવાબદાર છે.