બિહારમાં સત્તા માટે નીતિશ-માંઝી વચ્ચે ધમાસાણઃ

Tuesday 10th February 2015 12:36 EST
 

બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નીતીશકુમારે સોમવારે રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠી સમક્ષ સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો અને ૧૩૦ વિધાનસભ્યોનો તેમને ટેકો હોવાના પત્રો રજૂ કર્યા હતા. પરંતુ તેમને રાજ્યપાલ તરફથી કોઇ પ્રત્યુત્તર ન મળતા તેઓ મંગળવારે સાંજે પોતાના સમર્થક ૧૩૦ ધારાસભ્યો સાથે દિલ્હી પહોંચ્યા છે. જ્યાં બુધવારે બપોરે રાષ્ટ્રપતિ સમક્ષ તેઓ તમામ ધારાસભ્યોની ઓળખ પરેડ કરાવશે. કુમારે અગાઉ કહ્યું હતું કે, ‘મને જો સરકાર રચવાની તક આપવાનો ઈનકાર થશે અથવા આ અંગે કોઈ જાતની વિલંબ થશે તો અમે દિલ્હીમાં રાષ્ટ્રપતિ સમક્ષ ૧૩૦ વિધાનસભ્યોની પરેડ યોજીશું. જેડી(યુ), આરજેડી, કોગ્રેસ અને સામ્યવાદી પક્ષના સભ્યો અને એક અપક્ષ સભ્યનો અમને ટેકો છે.’ બીજી તરફ બિહારના મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપવાનો ઇન્કાર કરનાર જિતનરામ માંઝીને સોમવારે ગેરશિસ્ત અંગે પક્ષમાંથી હાંકી કઢાયા હતા. માંઝીએ પણ પોતાને ગૃહમાં બહુમતી સાબિત કરવાનો દાવો કર્યો છે.

નીતિપંચની મહત્ત્વની બેઠક યોજાઇઃ આયોજન પંચનું જેણે સ્થાન લીધું છે તે નીતિ (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા) પંચનાં મુસદ્દા પર ચર્ચા કરવા ગત સપ્તાહે દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યોના મુખ્ય પ્રધાનો વચ્ચે મહત્ત્વની બેઠક યોજાઇ હતી. જેમાં કેન્દ્ર સરકારની મુખ્ય યોજનાઓ પર ચર્ચા બાદ વડા પ્રધાને કેટલીક મહત્ત્વની જાહેરાતો પણ કરી હતી. તેમણે પ્રધાનમંત્રી જનધન યોજનાની સફળતા માટે રાજ્યોનાં યોગદાનને બિરદાવ્યું હતું, ઉપરાંત તમામ રાજ્યોએ વડા પ્રધાન દ્વારા શરૂ કરાયેલા સ્વચ્છ ભારત અભિયાનને અપનાવવાની ખાતરી આપી હતી. વડા પ્રધાન મોદીએ બેઠકમાં મહત્ત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે નીતિપંચમાં મુખ્ય પ્રધાનોની ત્રણ પેટા સમિતિ રહેશે.

દલિત મહિલાએ લંડનમાં આંબેડકર હાઉસ બચાવ્યુંઃ મહારાષ્ટ્ર સરકારે લંડનનું આંબેડકર હાઉસ ખરીદવા પહેલ કરી હતી. પરંતુ ડો. ભીમરાવ આંબેડકર જ્યાં રહેતા હતા એ લંડન ખાતેના બિલ્ડીંગ માટે મહારાષ્ટ્ર સરકાર ક્યારેય બિડ કરી શકી નહોતી. જોકે, એક દલિત ઉદ્યોગસાહસિક કલ્પના સરોજ તે માટે બીડું હતું. સરોજ કામાની ટ્યુબ્સના ચેરપર્સન છે અને તેમને ૨૦૧૩માં પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે.

અફઝલને ફાંસી આપીને ભૂલ કરી હતીઃ જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ લેખિતમાં કબૂલ્યું છે કે કોંગ્રેસના નેતૃત્ત્વમાં યુપીએ સરકારે સંસદ પર હુમલાના દોષિત અફઝલ ગુરુને જે રીતે ફાંસીએ લટકાવી દીધો હતો તે એક ‘ભૂલ’ હતી. પક્ષના નેતા ગુલામ નબી આઝાદને રાજ્યસભામાં મોકલવા માટે આ કબૂલાત કોંગ્રેસના આ ધારાસભ્યો માટે જરૂરી હતી કેમ કે એક મતથી આઝાદ રાજ્યચસભાની ‘બસ’ ચૂકી જાય તેમ હતા. કોંગ્રેસના આ ધારાસભ્યોને આ નિવેદન કરાવવા માટે દબાણ કરનારા આ અપક્ષ ધારાસભ્યનું નામ એન્જિનિયર રશિદ છે. રશિદે ગુલામ નબી આઝાદ માટે મત આપતા પહેલાં કોંગ્રેસના પાંચ ધારાસભ્યો પાસેથી આવું લેખિત નિવેદન લીધું હતું અને નિવેદનમાં જણાવાયું છે કે ‘અફઝલ ગુરુની દયાની અરજી વાજબી હતી અને તેને ફાંસી અપાયા પછી તેનો મૃતદેહ તેના પરિવારને સોંપી દેવો જોઈતો હતો. ગુરુના પરિવારના સભ્યોને અંતિમ સમયે તેને મળવા ન દેવાયો તે પણ એક ભૂલ હતી. લોકો પાસે આ મેસેજ જવો જોઈએ કે અફઝલને ફાંસી આપનારી કોંગ્રેસ આજે કબૂલ કરી રહી છે કે તેણે અન્યાય કર્યો હતો.’ પીડીપીએ આ અંગે જણાવ્યું હતું કે, કોંગ્રેસની આ એક તકવાદી રાજનીતિ છે.

વિહિપ દરેક ગામમાં પંચવટી બનાવશેઃ વિશ્વ હિન્દુ પરિષદના શરદ શર્માએ જણાવ્યું છે કે, એક આદર્શ ઘરના સિધ્ધાંત પર આધારિત ઘરની યોજના મુજબ દરેક હિન્દુ ઘરે તુલસીના છોડ દાનમાં આપશે. એટલું જ નહીં પણ દરેક ગામમાં રામાયણની પંચવટીની જેમ એક પંચવટી વિકસાવાશે.

જમ્મુ-કાશ્મીરમાંથી ભાજપને પ્રથમ વખત રાજ્યસભાની સીટ મળીઃ જમ્મુ-કાશ્મીરમાં ભાજપને ૬૬ વર્ષમાં પ્રથમ વખત રાજ્યસભાની બેઠક મળી છે. પ્રદેશ અધ્યક્ષ રહેલા શમશેર સિંહ મન્હાસનો રાજ્યસભાની સીટ પર વિજય થયો છે. ભાજપના નેતા ચંદ્રમોહન શર્માની કોંગ્રેસના ગુલામનબી આઝાદ સામે હાર થઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter