પટણાઃ બિહારમાં ભીષણ ગરમી દરમિયાન આગ લાગવાની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે. અહીં છેલ્લા બે અઠવાડિયા દરમિયાન ૬૬ લોકો અને ૧૨૦૦ પશુઓનાં મોત થયાં છે. જોકે, રાજ્ય સરકારે આગની ઘટનાઓ પર કાબૂ મેળવવા માટે એક તઘલઘી નિયમ લાગુ કર્યો છે. સરકારે ગરમીઓના દિવસો ચાલી રહ્યા છે ત્યાં સુધી સવારે ૯ વાગ્યાથી માંડીને સાંજે ૬ વાગ્યા સુધી ચૂલો સળગાવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. જો કોઈ આ નિયમ તોડશે તો તેને બે વર્ષની જેલની સજાની પણ જોગવાઈ છે.
આ નિયમ પાછળ નીતીશ સરકારનો તર્ક છે કે, તેજ હવાઓ ચાલવાને કારણે આગની જ્વાળાઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાય છે. આ સાથે જ સરકારે ધાર્મિક સમારોહમાં હવન જેવા પારંપરિક રિવાજો પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.
પ. બંગાળનાં ગામે આવો નિર્ણય લીધો હતો
પશ્ચિમ ચંપારણ જિલ્લાના બગહા ગામના લોકોએ દિવસે ખાવાનું નહીં બનાવવાનો સ્વેચ્છાએ નિર્ણય લીધો હતો. ગામના લોકોએ ડમરું વગાડીને એલાન કર્યું હતું કે, જે કોઈ પણ દિવસ દરમિયાન ચૂલો સળગાવશે તેને ૧ હજાર રૂપિયાનો દંડ લાગશે અને જૂતા પણ મારવામાં આવશે.