નવી દિલ્હીઃ રેમોન મેગ્સેસે એવોર્ડ ફાઉન્ડેશન દ્વારા ૨૯ જુલાઇએ એશિયાના પ્રતિષ્ઠિત રેમોન મેગ્સેસે એવોર્ડની જાહેરાત થઈ હતી. વર્ષ ૨૦૧૫ માટેના પાંચ એવોર્ડ વિજેતાઓમાં ભારતના વ્હિસલ બ્લોઅર સંજીવ ચતુર્વેદી અને સામાજિક કાર્યકર અંશુ ગુપ્તાનો સમાવેશ થાય છે, આ ઉપરાંત લાઓસની એક્ટિવિસ્ટ કોમ્માલી ચાન્તાવોંગ, મ્યાનમારના અભિનેતા ક્યાવ થુ અને ફિલિપીન્સની નૃત્યાંગના લિગાયા ફર્નાન્ડો એમિલબાંગ્સાને પણ આ પ્રતિષ્ઠિત એવોર્ડ જાહેર થયો છે.
અગાઉ મહિલા આઈપીએસ કિરણ બેદી, ગાયિકા એમ. એસ. સુબ્બુલક્ષ્મી, ભારતમાં શ્વેતક્રાંતિના પ્રણેતા વર્ગીસ કુરિયન, સામાજિક કાર્યકર બાબા આમ્ટે, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સહિતના ભારતીયોને આ સન્માન મળ્યું છે.
કોણ છે સંજીવ ચતુર્વેદી ?
સંજીવ ચતુર્વેદી દિલ્હીની ઓલ ઇન્ડિયા મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ (એઈમ્સ) ખાતે ચીફ વિજિલન્સ કમિશનર હતા. ઓગષ્ટ ૨૦૧૪માં તેમને આ હોદ્દા પરથી હટાવાયા હતા. તેમનો આક્ષેપ હતો કે દેશની અગ્રણી આરોગ્ય સંસ્થામાં થઇ રહેલી ગેરરીતિઓને તેઓ ઉઘાડી પાડતા હોવાથી તેમને આ હોદ્દા પરથી દૂર કરાયા છે. મેગ્સેસે ફાઉન્ડેશને જણાવ્યું કે ભ્રષ્ટાચારની તપાસમાં અદમ્ય સાહસ અને હિંમત દર્શાવવા માટે સંજીવ ચતુર્વેદીને આ સન્માન આપવામાં આવી રહ્યું છે.
અંશુ ગુપ્તા સંસ્થા ચલાવે છે
અંશુ ગુપ્તા ‘ગુંજ’ નામની સ્વૈચ્છિક સંસ્થાના વડા છે. તેમની સંસ્થા અત્યંત ગરીબોને કપડાં આપે છે. મેગ્સેસે ફાઉન્ડેશને અંશુ ગુપ્તાની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે અંશુ ગુપ્તા ભારતમાં દાન આપવાની સંસ્કૃતિમાં સુધારો કરવાનો રચનાત્મક દ્રષ્ટિકોણ ધરાવે છે.