બેંગાલૂરુઃ નવજાત શિશુનું વજન જન્મ સમયે અઢીથી ત્રણ કિલો જેટલું હોય છે, પણ બેંગલૂરુમાં એક ૧૯ વર્ષીય યુવતીએ ૬.૮૨ કિલોગ્રામની બાળકીને જન્મ આપીને વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે.
કર્ણાટકના હાસન જિલ્લામાં બેલુર તાલુકાની વતની નંદિની દોહિહાલી ગામની વતની છે અને તેને ૨૩મીએ સાંજે ૩-૧૫ કલાકે હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. ડોક્ટરોએ માતા-સંતાનની સ્થિતિ જોતાં તાત્કાલિક સિઝેરિયનનો નિર્ણય કર્યો હતો તેમ હાસન ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સિસના ડો કે. શંકરે કહ્યું હતું.
નંદિનીનું તાત્કાલિક સિઝેરિયન કરીને બાળકીને જન્મ આપી દેવાયો હતો. બાળકી અનન્ય વજન ધરાવતી હતી. ડો. શંકરે કહ્યું હતું કે આ બાળકી વિશ્વની સૌથી 'વજનદાર' બાળકી છે. કેમ કે અત્યાર સુધીનો રેકોર્ડ કોઈક સ્થળે ૫.૮ કિ.ગ્રા.ના બાળકનો હતો. આ બાળકી તેનાથી આશરે એક કિલો કરતા વધુ વજન ધરાવે છે.
ડો. શંકરે ઉમેર્યું હતું કે, માતા-પુત્રી બંનેની તબિયત સારી હોવા છતાં અમે બન્નેને હોસ્પિટલમાં નિરીક્ષણ હેઠળ રાખ્યા છે કેમ કે આ એક અસામાન્ય કેસ છે. ડોક્ટરો તેના અસામાન્ય વજન અંગે તપાસ કરી રહ્યા છે. અમે તેમના પેટનું સ્કેનિંગ કર્યું છે, થોડા સમયમાં તેનો બ્લડ ટેસ્ટ પણ કરવામાં આવશે.