ચેન્નઈઃ તામિલનાડુની ૨૫ વર્ષીય એલ બેનો જેફાઈન દેશની પહેલી પ્રજ્ઞાચક્ષુ આઈએફએસ (ઇંડિયન ફોરેન સર્વિસ) અધિકારી બની છે. તેણે કહ્યું હતું કે તે દુનિયામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે ખૂબ ઉત્સુક છે.
ગયા સપ્તાહે જેફાઈનને ભારત સરકાર તરફથી નિમણૂક ઓર્ડર મળ્યો છે. તેને ૬૦ દિવસમાં રિપોર્ટ તૈયાર કરવા કહેવાયું છે. એલ બેનોએ ૨૦૧૪માં પરીક્ષા આપી હતી. સાહિત્યમાં ગ્રેજ્યુએટ જેફાઈને કહ્યું હતું કે, ‘હું મારી જવાબદારી સંભાળવા માટે શક્ય હોય એટલી જલદી દિલ્હી જવા માગું છું. શાળામાં અભ્યાસ કરતી હતી ત્યારે રોજબરોજના પ્રશ્નો પર મને ઘણી ચિંતા રહેતી હતી. મારું આ જ વલણ મને યુપીએસસીની પરીક્ષામાં ઘણું ઉપયોગી બન્યું હતું.’ જેફાઈને કહ્યું હતું કે, ‘મને કહેવાયું છે કે મારી નિયુક્તિમાં વધુ વિલંબ નહીં થાય. હું આઈએફએસ માટે યોગ્ય હતી, પરંતુ સંપૂર્ણ દૃષ્ટિહીન વ્યક્તિને અગાઉ આ હોદ્દો ક્યારેય અપાયો ન હોવાથી થોડોક વિલંબ થયો છે.’