મુંબઈઃ જાહેર ક્ષેત્રની ભારતીય ધીરાણકાર બેન્ક ઓફ બરોડાએ Basel III ની આવશ્યકતાઓ પરિપૂર્ણ કરવા ખાનગી પ્લેસમેન્ટના ધોરણે ૨,૦૦૦ કરોડ રૂપિયા ( અંદાજે ૨૪૬.૧૪ મિલિયન પાઉન્ડ) એકત્ર કરવાની જાહેરાત કરી છે. અગાઉ, કેનેરા બેન્કે પણ આ જ પ્રકારના ૨,૫૦૦ કરોડ રૂપિયા (૩૦૦ મિલિયન પાઉન્ડ)ના બોન્ડ તબક્કાવાર ઈસ્યુ કરવાની જાણ સ્ટોક એક્સચેન્જીઝને કરી હતી.
બેન્ક ઓફ બરોડાએ બીએસઈ સમક્ષ ફાઈલિંગમાં જણાવ્યું હતું કે,‘બેન્કે Basel III કોમ્પ્લાયન્ટ AT-I (એડિશનલ ટીઅર- I કેપિટલ) બોન્ડ્સ દ્વારા ભંડોળ એકત્ર કરવાની પ્રક્રિયા આરંભી છે. જેમાં ૧,૦૦૦ કરોડ રૂપિયાના પર્પેચ્યુઅલ ડેટ ઈન્સ્ટ્રુમેન્ટની સાથે ૧,૦૦૦ કરોડ રૂપિયાના ગ્રીન શુ ઓપ્શન (કુલ ભંડોળ ૨,૦૦૦ કરોડ રૂપિયાથી વધશે નહિ) ખાનગી પ્લેસમેન્ટના ધોરણે જારી કરવાનો સમાવેશ થાય છે.’
ઉલ્લેખનીય છે કે જાહેર ક્ષેત્રની જ કેનેરા બેન્કે પણ દેશનાં સ્ટોક એક્સચેન્જીઝને Basel III કોમ્પ્લાયન્ટ બોન્ડ જારી કરીને ૨,૫૦૦ કરોડ રૂપિયાનું ભંડોળ એક જ અથવા વધુ તબક્કામાં એકત્ર કરવાની જાણ કરી છે. ભારતીય બેન્કો તેમની કેપિટલ પ્લાનિંગ પ્રક્રિયાઓને સુધારવા અને મજબૂત બનાવવા માર્ચ ૨૦૧૯ સુધીમાં Basel III માપદંડોને સંપૂર્ણ અમલી બનાવે તેવી ધારણા છે. બેન્કોની એસેટ્સ ગુણવત્તા પરના સંભવિત દબાણો તેમજ તેના પરિણામ સ્વરૂપે બેન્કોના પરફોર્મન્સ અને નફાકારકતા પર તેની અસરો અંગેની ચિંતાને હળવી બનાવવાં આ માપદંડોનો અમલ કરવામાં આવી રહ્યો છે.