મુંબઇ સ્થિત ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેન્કની રૂ. 18 કરોડની લોન માંડવાળ કરી દેવાઇ હોવાના બેબૂનિયાદ અહેવાલોથી પ્રીટી ઝિન્ટા ભારે નારાજ થઈ ગઈ છે. તેણે આ સમાચાર આપનારાં પોર્ટલ ઉપરાંત આ સમાચાર ફેલાવનારાં કોંગ્રેસ પાર્ટીનાં સોશિયલ મીડિયા હેન્ડલ સહિત અન્યો પર ભારે ગુસ્સો ઠાલવ્યો છે. મુંબઈની ન્યૂ ઈન્ડિયા બેન્ક હાલ માંદી પડી છે અને ભારતીય રિઝર્વ બેન્કે તેના પર પ્રતિબંધો લાદી દીધા છે. બેન્કમાં રૂ. 122 કરોડની ઉચાપત બહાર આવતાં તેના ટોચના અધિકારીઓ જેલ ભેગા થઈ ગયા છે. આ દરમિયાન એક પોર્ટલના અહેવાલમાં દાવો કરાયો હતો કે પ્રિટીએ બેન્કમાંથી 18 કરોડની લોન લીધી હતી જે બારોબાર યોગ્ય પ્રક્રિયા વિના માંડવાળ કરી દેવાઇ છે. આ દાવાને નકારતાં પ્રિટીએ સ્ટેટમેન્ટ જારી કરતાં જણાવ્યું હતું કે પોતે આ લોન દસ વર્ષ પહેલાં જ ભરપાઈ કરી ચૂકી છે અને તેનું લોન એકાઉન્ટ ઓલરેડી ક્લોઝ થઇ ગયું છે. તેણે કહ્યું હતું કે આજે હું કારકિર્દીમાં જે સ્થાને પહોંચી છું તેની પાછળ બહુ શ્રમ કર્યો છે અને અનેક ભોગ આપ્યા છે. આટલા સંઘર્ષ પછી કમાયેલી પ્રતિષ્ઠાને હું ધૂળધાણી નહીં થવા દઉં. તેણે લોકોને આ ફેક ન્યૂઝ નહિ માનવા અને તે નહિ ફેલાવવા માટે અપીલ કરી હતી.