બોલિવૂડ સ્ટાર અને રાજકારણ વચ્ચેના સંબંધો ખૂબ જૂના છે. ફિલ્મસ્ટાર્સ રાજકારણમાં જોડાઇને ચૂંટણી જીત્યા છે અને મહત્ત્વના પદ પણ સંભાળ્યાં છે. શત્રુઘ્ન સિંહા, સુનીલ દત્ત, વિનોદ ખન્ના અને સ્મૃતિ ઈરાની જેવાં ફિલ્મસ્ટાર્સ તો કેન્દ્રીય પ્રધાન પદ સંભાળી ચૂક્યાં છે. કિરણ ખેર, સની દેઓલ અને પરેશ રાવલ ભાજપમાં જોડાઈને સંસદમાં પહોંચ્યા હતા તો રાજ બબ્બર એક તબક્કે ઉત્તર પ્રદેશ કોંગ્રેસનું નેતૃત્વ કરી ચૂક્યા છે. અમિતાભ બચ્ચન 1984થી 1986 દરમિયાન કોંગ્રેસના સાંસદ અને રાજીવ ગાંધીના સહાયક હતા. તો રાજેશ ખન્ના, ગોવિંદા, જયા બચ્ચન, જયા પ્રદા, ધર્મેન્દ્ર, હેમામાલિની પણ કેન્દ્રીય રાજકારણમાં પોતાની છાપ છોડી ચૂક્યા છે.
કંગના રનૌત ચૂંટણી જંગમાં ઝંપલાવી ચૂકેલી છેલ્લી ફિલ્મસ્ટાર છે. હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પર તેમણે ભાજપના ઉમેદવાર તરીકે ઝંપલાવ્યું છે. કંગનાએ રાજકારણમાં પ્રવેશ કરતાં બોલિવૂડના કેટલાક સ્ટાર્સને લાગી રહ્યું છે કે તેમના ધંધાપાણી અને અન્ય હિતો જોખમાશે.
આ દરમિયાન ગોવિંદા અને શત્રુઘ્ન સિંહા પોતાની રાજકીય વફાદારીઓ એક પક્ષ તરફથી બીજા પક્ષ તરફ બદલી ચૂક્યા છે. તો કિરણ ખેર ચંડીગઢ લોકસભા બેઠક પરથી ભાજપ તેને ફરી ઉમેદવાર જાહેર કરે તેની રાહમાં છે. ફિલ્મજગત અને રાજકારણ વચ્ચે સંબંધોની સાઠગાંઠની અનેક કથાઓ છે. પરંતુ એટલું જરૂર કહી શકાય કે વર્ષ 2014 પછી ફિલ્મસ્ટાર્સ તેમના વલણને લઇને તેમને પસંદ રાજનેતાની તરફદારી કરવા તત્પર થવા લાગ્યા છે. તેને કારણે જ કેટલાક ફિલ્મસ્ટાર્સ વડાપ્રધાન મોદીના સમર્થનમાં ખુલ્લેઆમ આવ્યા છે. તેઓ રાષ્ટ્રવાદ,
ધર્મ અને અસંતોષની વાતો પણ કરવા લાગ્યા છે.
નરગિસ અને સુનીલ દત્તની જોડીએ સૌથી વધુ રાજકીય સન્માન મેળવ્યું હતું. નરગિસ રાજ્યસભાના સભ્ય હતાં તો સુનીલ દત્ત લોકસભાના સભ્ય બનીને પ્રધાનપદ પણ સંભાળ્યું હતું. નરગિસનું મૃત્યુ થયાના ત્રણ વર્ષ પછી 1984માં રાજીવ ગાંધીએ સુનીલ દત્તને મુંબઈમાં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડવા કહ્યું હતું. સુનીલ દત્ત જંગી સરસાઈથી જીતી ગયા હતા. શાંતિ અને કોમી સંવાદિતા, કેન્સર અને એચઆઈવી દર્દીઓ માટે તેમણે અભિયાન ચલાવ્યા હતા. બે દાયકા સુધી તેમનો રાજકીય દબદબો રહ્યો હતો.