નવી દિલ્હી: બ્રિટનને પાછળ રાખીને ભારત વિશ્વનું પાંચમનું સૌથી મોટું અર્થતંત્ર ધરાવતો દેશ બન્યો છે. બ્રિટન છઠ્ઠા ક્રમે સરક્યું છે. જીડીપીના લેટેસ્ટ આંકડાઓના આધારે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (આઇએમએફ)ના રિપોર્ટ અનુસાર ભારતીય અર્થતંત્ર ચાલુ વર્ષે 7 ટકાથી વધુના દરે વૃદ્ધિ પામશે.
આંકડાઓ અનુસાર ભારતના અર્થતંત્રનું કદ 854.7 બિલિયન ડોલર થયું છે જ્યારે બ્રિટનના અર્થતંત્રનું કદ 816 બિલિયન ડોલર છે. આઇએમએફની આગાહી મુજબ ડોલરના મૂલ્યના આધારે ભારતીય અર્થતંત્રએ બ્રિટનને પાછળ રાખી દીધું છે.
આ સાથે અમેરિકા, ચીન, જાપાન અને જર્મની બાદ ભારત સૌથી મોટી આર્થિક મહાસત્તા બની છે. વર્ષ 2021ના છેલ્લા ત્રણ મહિનામાં આર્થિક વૃદ્ધિમાં ભારતે બ્રિટનને પાછળ રાખી દીધું છે. ચાલુ નાણાવર્ષના પ્રથમ ક્વાર્ટરમાં પણ બ્રિટન કરતા ભારતનો વૃદ્ધિદર વધારે રહ્યો હતો.
2030 સુધીમાં ભારત ત્રીજા ક્રમનું અર્થતંત્ર બનશે: તજજ્ઞો
ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે અને આ મુકામ પર પહોંચવા માટે ભારતે બ્રિટનને પાછળ છોડી દીધું છે. અને હવે આર્થિક તજજ્ઞોનું માનવું છે કે વર્ષ 2030 સુધીમાં ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની જશે. હાલમાં ભારત પાંચમા સ્થાન પર છે અને તેની આગળ અમેરિકા, ચીન, જાપાન અને જર્મની છે. જો ભારતીય અર્થતંત્ર ત્રીજા સ્થાન પર આવી જશે તો તેનો અર્થ એવો થશે કે તે જાપાન અને જર્મનીને પણ પાછળ છોડી દેશે. દેશના ભૂતપૂર્વ આર્થિક સલાહકાર અરવિંદ વિરમાણીએ જણાવ્યું હતું કે ભારત આર્થિક મોરચે ઝડપથી આગળ વધી રહ્યું છે અને તેમના 2028-2030 માટે આપવામાં આવેલા પૂર્વાનુમાન અનુસાર દેશ 2030 સુધીમાં વિશ્વનું ત્રીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બની જશે. વિરમાણીનું કહેવું છે કે આર્થિક વિકાસનો ટ્રેન્ડ છે જે મહત્ત્વપૂર્ણ છે અને તે આપણી વિદેશનીતિને પ્રભાવિત કરશે. આગામી 20 વર્ષમાં આપણે જોઇશું કે આપણે ચીનથી થોડા જ પાછળ હોઇશું. તેને પરિણામે લોકોનું આપણા પ્રત્યેનું વલણ બદલાશે.