નવી દિલ્હીઃ બ્રિટન, પાકિસ્તાન, ચીન સહિતના દેશોમાં અને સંયુક્ત રાષ્ટ્રોમાં નવા ભારતીય હાઇકમિશનરોની નિમણૂક કરવામાં આવી છે. બ્રિટનમાં રંજન મથાઇના સ્થાને ભારતીય હાઇકમિશનરો તરીકે વિદેશ મંત્રાલયમાં સચિવ (પશ્ચિમ) તરીકે સેવારત નવતેજ સરનાની નિમણૂક થઇ છે. પાકિસ્તાનમાં ટીએસએ રાઘવનના સ્થાને ભુટાનમાં ભારતના હાઇકમિશનર તરીકે સેવા બજાવતા ગૌતમ બાંબાવાલેની નિમણૂક થઇ છે. જો કે મધ્ય નવેમ્બરમાં મોદીની બ્રિટનના પ્રવાસ પછી સરના નવું પદ સંભાળે તેવી શક્યતા છે.સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ અશોક મુખરજીનું સ્થાન વિદેશ મંત્રાલયના પૂર્વ હાઇ પ્રોફાઇલ પ્રવક્તા સૈયદ અકબરુદ્દીન લેશે. જર્મનીમાં ભારતીય રાજદૂત વિજય ગોખલે હવે ચીનના હાઇકમિશનર તરીકે સેવા બજાવશે.તેઓ અશોક કંથાનું સ્થાન લેશે. વિદેશ મંત્રાલયના સચિવ(પૂર્વ) અનિલ વાધવા રોમમાં ભારતીય હાઇકમિશનર તરીકે સેવા બજાવશે. જ્યારે પંકજ સરન મોસ્કોમાં પી એસ રાઘવનનું સ્થાન લેશે.
• મોદી બિહાર માટે એનઆરઆઈ સીએમ લેવા ગયા છે: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકાપ્રવાસ અંગે રાષ્ટ્રીય જનતા દળનાના સુપ્રીમો લાલુપ્રસાદ યાદવે કટાક્ષ કર્યો હતો. લાલુપ્રસાદે વ્યંગમાં જણાવ્યું કે, બિહારમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે નરેન્દ્ર મોદી બિહારના મુખ્ય પ્રધાનપદના ઉમેદવારની શોધ માટે ત્યાં ગયા છે. તેઓ આ વખતે બિહાર માટે એનઆરઆઈ સીએમ લેવા ગયા છે. લાલુપ્રસાદે ટ્વિટર પર વડા પ્રધાન પર કટાક્ષ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, બિહારમાં તો ભાજપ પાસે કોઈ યોગ્ય ચહેરો કે ઉમેદવાર છે નહીં તેથી હવે તેઓ વિદેશપ્રવાસ કરીને એનઆરઆઈ સીએમ શોધી રહ્યા છે.
• ચીને UNમાં ભારતનો વિરોધ કર્યોઃ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ભારત સહિત જી-4 દેશોની માગને ફગાવી છે. તેના સ્થાને તેમણે સંયુક્ત રાષ્ટ્રને મજબૂત બનાવવાનો અને તેના અધિકારોની રક્ષા કરવા અનુરોધ કર્યો છે. જી-4માં ભારત, બ્રાઝિલ, જર્મની અને જાપાન સામેલ છે. તાજેતરમાં દેશોની બેઠક મળી હતી. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ, જાપાની વડાપ્રધાન શિન્જો એબે અને બ્રાઝીલના રાષ્ટ્રપ્રમુખ ડિલ્મા રાસેફે ભાગ લીધો હતો. તમામ નેતાઓએ સંયુક્ત રાષ્ટ્રમાં સુધાર તેમજ સુરક્ષા પરિષદના વિસ્તારની માગ કરી હતી. અને પોતાને સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે કાયદેસરના દાવેદાર ગણાવ્યા હતા.
• બિહારમાં નીતિશકુમારને હાર્દિકનું સમર્થનઃ પટેલ નવનિર્માણ સેનાના રાષ્ટ્રીય પ્રમુખ અને ગુજરાતમાં અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે બિહાર વિધાનસભા ચૂંટણીમાં નીતિશકુમારને સમર્થન આપવાની જાહેરાત કરી છે. અત્યાર સુધી કોઈ પાર્ટી અથવા નેતા વિશેષને ટેકો આપવા મુદ્દે ચૂપ રહેનારા હાર્દિકે કહ્યું હતું કે નીતિશ તેમની જાતિના છે તેઓ સારા મુખ્ય પ્રધાન રહ્યા છે. તેથી તેમના પક્ષમાં કામ કરશે. પોતાના રાજકારણ પ્રવેશ મુદ્દે તેણે રાહ જોવાની વાત કહી હતી. તેણે કહ્યું હતું કે હાલ તે પોતાની જ્ઞાતિના યુવાનને રાજકારણમાં આગળ વધારવામાં સહયોગ કરશે. પછી જોશે કે તેણે શું કરવાનું છે.
• લાલબહાદુર શાસ્ત્રીને રશિયામાં ઝેર અપાયાની શંકા: દેશવિદેશમાં નેતાજી સુભાષચંદ્ર બોઝનાં રહસ્ય મૃત્યુ અંગે ફરીથી ચર્ચા શરૂ થઈ છે ત્યારે દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનાં મૃત્યુ અંગે તેમના પુત્ર અનિલ શાસ્ત્રીએ સવાલો ઉઠાવ્યા છે. અનિલ શાસ્ત્રીએ તેમના પિતાની ફાઈલો જાહેર કરવાની માગણી કરી છે. કોંગ્રેસના સભ્ય એવા અનિલ શાસ્ત્રીએ શાસ્ત્રીજીના મૃત્યુની તપાસ કરવા અને રહસ્યો ખોલવા એનડીએ સરકારને અનુરોધ કર્યો છે. અનિલ શાસ્ત્રીએ દાવો કર્યો છે કે મારા પિતાનું મૃત્યુ કુદરતી રીતે થયું નથી. તેમનાં અવસાન પછી તેમનો મૃતદેહ બ્લૂ અને કાળો પડી ગયો હતો. રશિયાની જે હોટેલમાં તેઓ ઊતર્યા હતા ત્યાંથી તેમની ડાયરી ગુમ થઈ હતી. તેમણે દાવો કર્યો હતો કે મારા માતા પણ એવું માને છે કે તેમના પતિનું મૃત્યુ કુદરતી રીતે થયું નથી. તેમનું થર્મોસ પણ ગુમ હતું. તેમને થર્મોસમાં રહેલાં પીણામાં કંઈક આપીને તેમની હત્યા કરાઈ હોવાની શંકા અનિલ શાસ્ત્રીએ દર્શાવી હતી.
• રાહુલ વૃદ્ધ પાર્ટીના ‘મિસ્ટર ઇન્ડિયા’: બિહાર વિધાનસભાની ચૂંટણી મુખ્ય રાજકીય પક્ષો માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની છે. આ સમયે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વિદેશ પ્રવાસે છે. રાહુલ ગાંધીનાં આ પગલાની આરએસએસ દ્વારા આકરી ટીકા થઇ છે અને ગાયબ થયેલા રાહુલની મજાક ઉડાવીને તેમને ‘મિસ્ટર ઇન્ડિયા’ ગણાવ્યા છે. સંઘનાં મુખપત્ર પંચજન્યમાં લખ્યું છે કે, અખાડેબાજના સાથી ‘સરદાર’ મુકાબલો જામે તે પહેલાં જ કોંગ્રેસની નાવ કિનારે છોડીને ક્યાંક ગાયબ થઈ ગયા છે. સંઘે આ લેખમાં રાહુલ ગાંધીને ‘મિસ્ટર ઇન્ડિયા’ ગણાવ્યા છે. એક હિન્દી ફિલ્મમાં ‘મિસ્ટર ઇન્ડિયા’નું પાત્ર અદૃશ્ય બનીને તેનાં કાર્યો કરે છે તે પાત્ર સાથે રાહુલની તુલના કરી છે.
• વીરભદ્ર સિંહને ત્યાં લગ્ન ટાણે જ CBIની રેડઃ હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન વીરભદ્રસિંહને ત્યાં માંગલિક પ્રસંગ યોજાયો હતો ત્યારે જ સીબીઆઈ અને ઇડીએ દરોડા પાડીને રંગમાં ભંગ પાડ્યો હતો. આવક કરતા વધુ સંપત્તિ ધરાવવાના કેસમાં કેટલાક વખતથી વીરભદ્ર સામે કાર્યવાહી ચાલી રહી છે. તેમની પહેલી પત્નીની ચોથી દીકરી મીનાક્ષીના અહીં શનિવારે મંદિરમાં લગ્ન હતાં. દરોડા વખતે તેઓ લગ્નમાં આવ્યા હતા. સિમલા સહિત દેશભરમાં ૧૧ ઠેકાણાં ઉપર દરોડા પડ્યા હતાં.
• પાકિસ્તાની માગ ફગાવીઃ ભારતે પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફની જમ્મુ-કાશ્મીમાં જનમત સંગ્રહ કરાવવાની માગણી ફગાવી દીધી છે. રાજ્યકક્ષાના કેન્દ્રીય ગૃહ પ્રધાન કિરણ રિજિજુએ સોમવારે જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે.