લંડનઃ ભારતમાંથી બ્રિટનમાં થતાં રોકાણમાં વર્ષ ૨૦૧૫માં ૬૫ ટકાનો વધારો થયો છે. બ્રિટનમાં એફડીઆઇ રોકાણ મોરચે ભારત અમેરિકા અને ફ્રાન્સ પછીના ત્રીજા ક્રમે પહોંચ્યું છે. બ્રિટનમાં આવેલી ભારતીય કંપનીઓની સંખ્યા પણ વર્ષ દરમિયાન ૧૦ ટકાના વધારા સાથે ૩૬થી વધીને ૬૨ થઇ છે.
સીસીઆઇ સાથે મળીને ગ્રાન્ટ થ્રોન્ટોન દ્વારા પ્રકાશિત અહેવાલમાં આ હકીકત પ્રકાશમાં આવી છે. ગયા વર્ષે બંને દેશો વચ્ચેના વેપારમાં પણ ચાર બિલિયન પાઉન્ડનો વધારો થયો હતો. વર્ષ ૨૦૧૪માં ૨૨ બિલિયન પાઉન્ડનો વેપાર ૨૦૧૫માં વધીને ૨૬ બિલિયન પાઉન્ડ થયો હતો.
બ્રિટનમાં સૌથી વધુ રોકાણ કરનારી પાંચ ભારતીય કંપનીમાં ભારતી એરટેલ, એચસીએલ ટેકનોલોજી, એમક્યુર ફાર્મા, એપોલો ટાયર અને વોકહાર્ટનો સમાવેશ થાય છે. સમગ્ર યુરોપમાં ભારતીય કંપનીઓ દ્વારા થયેલા રોકાણના આંકડા કરતાં પણ બ્રિટનમાં વધુ રોકાણ થયું છે.
ભારતીય કંપનીઓ દ્વારા એક લાખ લોકોને રોજગારી
સમીક્ષકોના જણાવ્યા મુજબ ભારતીય કંપનીઓ બ્રિટનમાં ૧,૧૦,૦૦૦ કર્મચારીઓને નોકરી પ્રદાન કરે છે, જેમાં ઓટો સેક્ટર સૌથી વધુ ૩૬ ટકા નોકરીની તકો ઉભી કરે છે. બ્રિટનસ્થિત ૬૨ ભારતીય કંપની પૈકી ૩૦ નાની અને મધ્યમ કદની કંપનીઓ પાંચ મિલિયનથી ૨૫ મિલિયન પાઉન્ડનું ટર્નઓવર ધરાવે છે, જ્યારે ૨૭ કંપનીઓ ૨૫ મિલિયનથી ૨૫૦ મિલિયન પાઉન્ડ સુધીનું ટર્નઓવર ધરાવે છે. પાંચ કોર્પોરેટ કંપનીઓ ૨૫૦ મિલિયન પાઉન્ડ કરતાં ઉચું ટર્નઓવર ધરાવે છે. ભારતીય કંપનીઓ બ્રિટનમાં સંયુક્તપણે ૬૫ મિલિયન પાઉન્ડનો કોર્પોરેટ ટેક્સ ભરે છે. ગયા વર્ષે આ કંપનીઓએ ૫૦ મિલિયન પાઉન્ડનો કોર્પોરેટ વેરો ભર્યો હતો.