નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિ અને પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પૂર્વ ચેરમેન માર્કન્ડેય કાત્જુએ વધુ એક વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. આ વખતે તેમણે લંડનમાં ગાંધીજીની પ્રતિમાના અનાવરણ સંદર્ભે ટિપ્પણી કરી છે. તેમણે ટ્વિટર પર લંડનમાં ગાંધીજીની પ્રતિમાના અનાવરણ અંગે લખ્યું છે કે બ્રિટિશરોએ લંડનમાં પોતાના વફાદાર એજન્ટ ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું છે.
કાત્જુએ ગાંધીજીને અંગ્રેજોના વફાદાર એજન્ટ ગણાવતા પૂછ્યું છે કે તે લોકો તેમની સામે વાસ્તવમાં જંગ લડનારા લોકોની પ્રતિમાઓ કેમ નથી લગાવતા? બ્રિટનના લંડનમાં, ભગત સિંહ, આઝાદ, રાજગુરુ કે બિસ્મિલની પ્રતિમાઓ કેમ નથી સ્થાપવામાં આવતી? આ લોકોએ જ અંગ્રેજો સામે સાચો જંગ ખેલ્યો હતો.’
કાત્જુએ ઇતિહાસકારો અંગે સવાલ ઉઠાવતા લખ્યું છે કે આઝાદીના સાચા લડવૈયાઓનો ઉલ્લેખ ઇતિહાસમાં ભાગ્યે જ મળે છે. તેમના કાર્યો ટુકડા સ્વરૂપે મળે છે. ઉલ્લેખનીય છે કે કાત્જૂએ તાજેતરમાં જ ગાંધીજીને અંગ્રેજોના અને નેતાજી સુભાષચંદ્ર બોઝને જાપાનના એજન્ટ ગણાવ્યા હતા. આ મુદ્દે ભારે વિવાદ થયો હતો. સાંસદોએ તેમના લેખની આકરા શબ્દોમાં ટીકા કરી હતી તો રાજ્યસભામાં આ મુદ્દે નિંદા-પ્રસ્તાવ પણ પસાર કરાયો હતો.