ભાજપ લોકશાહીની હત્યા કરી રહ્યો છે: સોનિયા ગાંધી

Saturday 07th May 2016 08:17 EDT
 
 

નવી દિલ્હીઃ ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર સોદામાં લાંચના મુદ્દે ઘેરાયેલી કોંગ્રેસે છઠ્ઠી મેએ કેન્દ્ર સરકાર સામે રસ્તા પર મોરચો માંડ્યો હતો. કોંગ્રેસે અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનાં નેતૃત્વમાં દિલ્હીના જંતરમંતરથી સંસદ સુધી લોકશાહી કૂચનું આયોજન કર્યું હતું. સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, જેના ઇશારે મોદીસરકાર ચાલે છે તે નાગપુરમાં બેઠેલા લોકો પણ અમારો સંદેશો ધ્યાનથી સાંભળી લે. મોદીસરકાર કોંગ્રેસને નબળી સમજવાની ભૂલ ન કરે. સત્તાભૂખ્યો ભાજપ લોકશાહીની હત્યા કરી રહ્યો છે, પરંતુ અમે તેવું થવા નહીં દઈએ. કોંગ્રેસના આ પગલે પોલીસે સોનિયા, રાહુલ, પૂર્વ પીએમ મનમોહનસિંહ સહિતના તમામ કોંગ્રેસી નેતાઓની અટકાયત કરી હતી અને થોડા સમય પછી તેમને મુક્ત કરાયા હતા.

મનમોહને શાયરી લલકારીને સરકારને પડકારી

સામાન્ય રીતે મનમોહનસિંહ હિન્દીમાં બહુ ઓછું બોલે છે. છઠ્ઠીએ તેમણે રેલીને હિન્દીમાં સંબોધન કરી શાયર ઇકબાલની શાયરી લલકારીને સરકારને પડકારી હતી. મનમોહને જણાવ્યું હતું કે, યુનાનો-મિસ્ર-ઓ-રુમા, સબ મિટ ગયે જહાંસે. અબ તક મગર હૈ બાકી, નામ-ઓ-નિશાન હમારા. કુછ બાત હૈ કી હસ્તી, મિટતી નહીં હમારી.

મોદી સરકાર પર આકરા પ્રહારો

  • અમને બદનામ કરવાના ગમે તેટલા પ્રયાસ કરશો તો પણ અમે ઝૂકવાના નથી.
  • કોંગ્રેસને રસ્તામાંથી હટાવવી સરળ નથી, તમે જાણતા નથી અમે કઈ માટીના બનેલા છીએ.
  • જિંદગીમાં મેં ઘણા સંઘર્ષ કર્યા છે, તેમાંથી હું ઘણું શીખી છું. જરૂર પડયે અમે બલિદાન આપવા તૈયાર છીએ.
  • કોંગ્રેસે ૬૦ વર્ષ લોકશાહી મજબૂત કરી, બે વર્ષમાં મોદી સરકારે બધું બરબાદ કરી દીધું.
  • ભાજપે ખોટાં સ્વપ્ન બતાવી સત્તા હાંસલ કરી છે, હવે મની અને મસલ પાવરથી આ પક્ષ કોંગ્રેસની સરકારોને ઊથલાવી રહ્યો છે.
  • ભાજપ મહિલા, દલિત, પછાત અને આદિવાસીઓને ચૂંટણીના અધિકારથી વંચિત કરવા માગે છે.
  • ભાજપ સમાજને ખોરાકના આધારે વિભાજિત કરી રહ્યો છે, વિદ્યાર્થીઓ પર જુલમ થઈ રહ્યા છે.

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter