નવી દિલ્હીઃ ભારતીય જનતા પક્ષને જમ્મુ અને કાશ્મીરમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) સાથે મળીને સહિયારી સરકાર રચવાનો નિર્ણય ભારે પડી રહ્યો છે. રાજ્યમાં યુતિ સરકાર રચાયાને પખવાડિયું પણ નથી વીત્યું ત્યાં મુખ્ય પ્રધાન મુફ્તી મોહમ્મદ સઇદે અલગતાવાદની તરફેણમાં એવા નિવેદનો કે નિર્ણયો કર્યા છે કે ભાજપની નેતાગીરી માટે બચાવ કરવાનું મુશ્કેલ થઇ પડ્યું છે.
મુખ્ય પ્રધાન મુફ્તીના નિવેદન-નિર્ણયોએ સમગ્ર દેશમાં એવો હોબાળો સર્જયો છે કે નારાજ ભાજપે યુતિ સરકારના નિર્ણય અંગે ફેરવિચારણા કરવાની ચીમકી ઉચ્ચારવી પડી છે. ભાજપના નેતૃત્વે સ્પષ્ટ કર્યું છે કે મુખ્ય પ્રધાન મુફ્તી મહોમ્મદ સઇદના નિર્ણય સાથે તે સંમત નથી અને જરૂર પડ્યે તે ટેકો પાછો ખેંચતા પણ ખચકાશે નહીં.
૯ દિવસ, ૩ વિવાદ
મુફ્તી મહોમ્મદ સઇદે પહેલી માર્ચે મુખ્ય પ્રધાન પદના શપથ લીધા ત્યારથી એક પછી એક વિવાદ છેડી રહ્યા છે. તેમણે શપથવિધિ સમારંભના મંચ પરથી જ જમ્મુ-કાશ્મીરમાં શાંતિપૂર્ણ ચૂંટણી માટે પાકિસ્તાન સરકાર, અલગતાવાદીઓ અને આતંકવાદીઓનો આભાર માન્યો. જ્યારે વાસ્તવિક્તા એ છે કે રાજ્યમાં અશાંતિના માહોલ છતાં ચૂંટણી પંચની નમૂનેદાર કામગીરી અને સુરક્ષા દળોએ કાયદો-વ્યવસ્થા જાળવવા માટે ઉઠાવેલી જહેમતના પરિણામે આ શક્ય બન્યું હતું. જમ્મુ-કાશ્મીરના પ્રજાજનો ચૂંટણીથી દૂર રહેવાની આતંકવાદીઓની ધમકી તાબે થયા વગર મતદાન-મથકે પહોંચ્યા હતા. પ્રજાએ વિક્રમજનક સંખ્યામાં મતદાન કરીને તેમની હિંમતનો પરચો આપ્યો હતો.
ભાજપે બીજા દિવસે મુખ્ય પ્રધાન મુફ્તીના આ નિવેદન સાથે અસંમતી દર્શાવીને આ વાતના પડઘા હજુ શમ્યા નહોતા ત્યાં પીડીપીના વિધાનસભ્યોએ દિલ્હીની તિહાર જેલમાં ફાંસીના માંચડે લટકાવી દેવાયેલા આતંકવાદી અફઝલ ગુરુના અસ્થિ તેના પરિવારને સોંપવાની માગણી કરી. પીડીપીની નેતાગીરીએ સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે સંસદ પર આતંકવાદી હુમલાના ષડયંત્ર માટે દોષિત ઠરાવાયેલા અફઝલ ગુરુ સાથે અન્યાય થયો છે. ફરી એક વખત દેશમાં હોબાળો મચ્યો. ભાજપ સામે આંગળી ચીંધાઇ એટલે પક્ષની નેતાગીરીએ ફરી સ્પષ્ટતા કરવી પડી કે અફઝલ ગુરુ સાથે જે કંઇ થયું છે કાયદા અનુસાર થયું છે. આમાં કોઇ વિવાદને સ્થાન નથી.
વાત વિવાદાસ્પદ નિવેદનો સુધી પૂરતી ન રહી. મુખ્ય પ્રધાન મુફ્તીના આદેશથી બારામુલા જેલમાં ચાર વર્ષથી કેદ કટ્ટરવાદી મસરત આલમને મુક્ત કરી દેવામાં આવ્યો. મસરત સામે જમ્મુ અને કાશ્મીરને ૨૦૧૦માં હિંસાની આગમાં હોમી દેવાનો આરોપ છે. આ હિંસામાં ૧૨૫ કરતાં વધુ લોકો માર્યા ગયા હતા.
ફરી એક વખત દેશમાં દેકારો થયો અને સંસદમાં વિરોધ પક્ષોએ સરકારને ભીંસમાં લીધી. આખરે ગૃહ પ્રધાન રાજનાથ સિંહે નિવેદન કરવું પડ્યું કે મુખ્ય પ્રધાન મુફ્તીનો આ નિર્ણય ભારત સરકારની જાણ બહાર લેવાયો છે. આમ છતાં વિરોધ પક્ષ શાંત ન પડ્યો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત સરકારના બચાવમાં આગળ આવવું પડ્યું.
વાત અહીં અટકી જાય છે તેવું પણ નથી. મુફ્તી સરકાર વધુ આઠ જેટલા અલગતાવાદી નેતાઓને જેલમાંથી છોડવાની ફિરાકમાં છે. આવા નેતાઓમાં આશિક હુસેન ફક્તુનું નામ પણ સામેલ છે. રાજ્યમાં અશાંતિ ફેલાવવા સહિતના અનેક આરોપનો સામનો કરતો આશિક હુસેન છેલ્લાં ૨૨ વર્ષોથી જેલમાં છે.
વડા પ્રધાનનો બચાવ
સંસદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મસરતની મુક્તિ મામલે વિપક્ષોના આક્રોશને વ્યાજબી ઠેરવ્યો અને પોતે પણ આ નિર્ણયનો વિરોધ કરતા હોવાનું જણાવ્યું હતું. વડા પ્રધાને મોદીએ લોકસભામાં જણાવ્યું કે, 'વિપક્ષને ટીકા કરવાનો હક છે અને દેશમાં જે આક્રોશ છે તેમાં મારો પણ એક સૂર છે. આ પ્રકારની કોઈ હરકત પર આક્રોશ વ્યક્ત કરવો યોગ્ય છે.'
સોમવારે વિપક્ષના સભ્યોએ મસરત આલમની મુક્તિને મામલે વડા પ્રધાનનાં નિવેદનની માગણી કરી હોબાળો મચાવ્યો હતો. જેના પર આખરે વડા પ્રધાને ઊભા થઈ જણાવ્યું હતું કે, ‘મસરત આલમને જેલમાંથી છોડતાં પહેલાં જમ્મુ-કાશ્મીર સરકારે કેન્દ્ર સરકારની કોઈ સલાહ લીધી નહોતી. એમ કહેવામાં આવે છે કે, મોદીજી ચૂપ કેમ છે, એવું કોઈ કારણ નથી કે અમારે આ મુદ્દે ચૂપ રહેવું પડે, અમે કાશ્મીર માટે શ્યામાપ્રસાદ મુખરજીનું બલિદાન આપ્યું છે, માટે વિપક્ષો અમને દેશભક્તિ ન શીખવાડે. દેશની એકતા અને અખંડિતતા માટે જે કંઈ જરૂરી હશે તે કરવામાં આવશે.'
ગૃહ પ્રધાન રાજનાથ સિંહે જમ્મુ-કાશ્મીરના ગૃહવિભાગ દ્વારા મસરત આલમની મુક્તિ અંગેના કેન્દ્રને સોંપાયેલા રિપોર્ટ અંગે જણાવ્યું હતું, કે, 'કેન્દ્ર સરકાર આ રિપોર્ટથી જરા પણ સંતુષ્ટ નથી. સરકારે આ મામલે તેમની પાસે વિસ્તૃત રિપોર્ટ અને કેટલાક મુદ્દે સ્પષ્ટીકરણ માગ્યું છે. પીડીપી અને ભાજપની વિચારધારા અલગ-અલગ છે અને અમારી વચ્ચે ઘણા મુદ્દે મતભેદ છે.'
પીડીપી વલણ પર મક્કમ
વડા પ્રધાન મોદીએ આપેલા આક્રોશપૂર્ણ નિવેદન છતાં પીડીપીએ પોતાનું વલણ યથાવત્ રાખ્યું છે. પીડીપીના નેતા નઇમ અખ્તરે જણાવ્યું હતું કે, ‘અમે લોકશાહીનો હિસ્સો છીએ અને અમને તેનો ગર્વ છે. અમે લોકોને ગેરકાયદે આજીવન જેલમાં બંધ રાખી શકીએ નહીં. મસરત આલમને ભૂતકાળમાં હાઈ કોર્ટ દ્વારા છ વખત છોડવામાં આવ્યો હતો પરંતુ તેના પર નવા ચાર્જ લગાવીને ફરીથી પકડવામાં આવતો હતો, તેની મુક્તિ કાયદાકીય પ્રક્રિયા હેઠળ થઈ છે. મુખ્ય પ્રધાન મુફ્તીના દીકરી અને પીડીપી નેતા મહેબૂબા મુફ્તીએ જણાવ્યું હતું કે, કાશ્મીરમાં કોઈ રાજકીય કેદીની મુક્તિની વાત નવી નથી. તેને મુદ્દો બનાવવાની જરૂર નથી.
પીડીપી સમજૂતીનું પાલન કરે
જમ્મુ અને કાશ્મીર ભાજપના પ્રદેશ અધ્યક્ષ જુગલકિશોર શર્માએ જણાવ્યું કે, 'અમે કોમન મિનિમમ પ્રોગ્રામ (સીએમપી)થી ચલિત થઈને બોલવામાં આવેલું કોઈ પણ નિવેદન કે પગલું સાંખી લઈશું નહીં. અમે અમારા વિરોધ અંગે અમારા સહયોગી પક્ષને જણાવી ચૂક્યા છીએે કે, ભવિષ્યમાં આ પ્રકારનું પુનરાવર્તન થવું જોઈએ નહીં. મસરત આલમની મુક્તિ અંગે અમને પૂછવામાં આવ્યું નહોતું, જો તેમણે આ અંગે અમને પૂછયું હોત તો અમે તેની મંજૂરી આપી ન હોત.' મસરતના વિરોધમાં ભાજપના કાર્યકર્તાઓએ વિરોધ કરી આંદોલનની ચીમકી આપી છે. ભાજપનાં નેતા હીના ભટે કહ્યું હતું કે, વિરોધ છતાં પીડીપીએ આ પગલું લીધું છે.
સરકાર પર સંકટનાં વાદળો
જમ્મુ અને કાશ્મીરમાં પહેલી માર્ચે રચાયેલી પીડીપી-ભાજપની ગઠબંધન સરકાર પર સંકટનાં વાદળો ઘેરાઈ ગયાં છે. હુર્રિયતના નેતા મસરત આલમની મુક્તિ પર બંને પાર્ટીઓ વચ્ચે ઘમાસાણ શરૂ થઇ ગયું છે. જમ્મુ-કાશ્મીરના નાયબ મુખ્ય પ્રધાન નિર્મલ સિંહે જણાવ્યું હતું કે પીડીપી સાથે ગઠબંધન મુદ્દે અંતિમ નિર્ણય ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કરશે. ભાજપે સઇદના એકપક્ષીય નિર્ણયોને વખોડી કાઢી જણાવ્યું હતું કે આલમની મુક્તિ સામાન્ય લઘુતમ કાર્યક્રમનો હિસ્સો નથી. રવિવારે જમ્મુમાં ભાજપ દ્વારા આલમની મુક્તિના વિરોધમાં દેખાવો કરાયા હતા.
રાજ્યના ભાજપપ્રમુખ જુગલકિશોરે જણાવ્યું હતું કે પાર્ટી સરકારના આ નિર્ણયથી ખુશ નથી. અમને આ નિર્ણયની જાણકારી નહોતી. અમારી પાર્ટીને સત્તાની કોઇ લાલચ નથી. પાર્ટી મસરતની મુક્તિ સાથે સહમત નથી.
બીજી તરફ, પીડીપીએ જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં શાંતિની સ્થાપના માટે દરેક પક્ષકારોને શાંતિપ્રક્રિયામાં સાંકળવાની સમજૂતી બંને પાર્ટીઓ વચ્ચેના સામાન્ય લઘુતમ કાર્યક્રમમાં થઇ છે. જો તમે અલગતાવાદી નેતાઓ સહિતના દરેક પક્ષકાર સાથે મંત્રણા કરવા માગો છો તો તમે તેમને જેલમાં ગોંધી રાખી શકો નહીં. અદાલતે કેટલાક નેતાઓની અટકાયતમાં હસ્તક્ષેપ કરીને મુક્ત કરવાના આદેશ આપેલા છે.
મસરત આલમનો હુંકાર
જેલમાંથી મુક્ત થયેલા અલગતાવાદી નેતા મસરત આલમે રવિવારે જણાવ્યું હતું કે મને મુક્ત કરીને પીડીપી-ભાજપ સરકારે મારા પર કોઈ ઉપકાર કર્યો નથી, મારી મુક્તિ કોઈ મોટી વાત નથી, હું પહેલાં ત્રણ વાર જામીન પર મુક્ત થઇ ચૂક્યો છું, મારી ફરી ધરપકડ કરાશે તો કોઇ મોટી વાત નથી, અત્યારે તો હું મારા પરિવાર સાથે આરામમાં સમય વિતાવી રહ્યો છું.
ઉલ્લેખનીય છે કે ૪૨ વર્ષીય મસરત આલમ બારામુલ્લા જેલમાં રાજકીય કેદી તરીકે બંધ હતો. તેને ૪ વર્ષથી પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ કેદ કરવામાં આવ્યો હતો. જોકે, તેની વિરુદ્ધ કોઈ ફોજદારી ગુનો નથી. આલમ સાયન્સનો ગ્રેજ્યુએટ છે અને ઇન્ટરનેટ પર સારી પકડ ધરાવે છે. તેને હુર્રિયત નેતા સૈયદ અલી શાહ ગિલાનીનો ઉત્તરાધિકારી માનવામાં આવે છે. કાશ્મીર સાથે પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં પણ તેનું સારું પ્રભુત્ત્વ છે. વર્ષ ૨૦૧૦માં ભારતવિરોધી પ્રદર્શન દરમિયાન તે ચર્ચામાં આવ્યો હતો. જોકે, ત્યારે ચાર મહિનાની શોધખોળ બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યારે તેની માહિતી આપનારાને ૧૦ લાખનું ઇનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.
છેડો ફાડ્યો.