નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે પાટનગરમાં પત્રકાર પરિષદ યોજીને ભારપૂર્વક દાવો કર્યો હતો કે બહુમતી સાથે ફરી વખત સરકારની રચના કરશું. વડા પ્રધાન તરીકેના પાંચ વર્ષના કાર્યકાળમાં નરેન્દ્ર મોદીની આ પહેલી પત્રકાર પરિષદ હતી, જેમાં તેમણે ૧૨ મિનિટ સંબોધન કર્યું હતું. મોદીને ત્રણ પ્રશ્નો કરવામાં આવ્યા હતા, પરંતુ તેના જવાબ પક્ષપ્રમુખ અમિત શાહે જ આપ્યા હતા. અલબત્ત, આ પત્રકાર પરિષદ તો અમિત શાહે જ યોજી હતી, પરંતુ નરેન્દ્ર મોદી અચાનક જ પહોંચી ગયા હતા.
પત્રકારોને સંબોધતા અમિત શાહે જણાવ્યું, અત્યાર સુધી થયેલા ચૂંટણી પ્રચારને આધાર બનાવીને કહી શકું છું કે દેશમાં ફરીથી નરેન્દ્ર મોદી સરકાર બનવા માટે જઈ રહી છે. પાછલા પાંચ વર્ષોમાં જેટલી પણ મોટી ચૂંટણી થઇ તેમાં અમને સફળતા મળી છે. આ ચૂંટણી આઝાદી પછી ભાજપ માટે આ સૌથી વધુ મહેનતવાળું અને સૌથી વ્યાપક ચૂંટણી અભિયાન રહ્યું છે.
ભાજપને ૩૦૦ બેઠક નક્કી
પક્ષને કેટલી બેઠક મળશે અને જરૂર પડ્યે કોનો કોનો ટેકો લેવાશે તેવા સવાલના જવાબમાં અમિત શાહે કહ્યું હતું કે બેઠક ઘટવાનો કે ગયા વખત કરતા ઓછી થવાનો કોઈ સવાલ નથી. લોકોનો જે પ્રેમ મળે છે તે અને આખા દેશમાંથી ફિડબેક મળે છે, તેના આધારે હું કહું છું કે એકલા ભાજપને ૩૦૦ બેઠક આવશે. અમારુ સંગઠન એનડીએ છે, માટે સરકાર એનડીએની બનશે. એ પછી પણ કોઈ પક્ષને અમારી સાથે જોડાવવું હોય તો અમે તેમને આવકારશું. આથી કોઈ પાસે ટેકો માંગવા જવું પડે એવો પ્રશ્ન આવશે નહીં. તો વળી વિપક્ષના સંગઠનો વિશે કહ્યું હતુ કે હવે એવો સમય નથી કે બે નેતા દિલ્હીની ડ્રોઈંગ રૂમમાં હાથ મિલાવે અને મતદારે ધરાર તેમની સરકાર સહન કરવી પડે.
શાહે અમે આ ચૂંટણીના અનુભવ પરથી એવું કહી શકીએ છીએ કે જનતા અમારા કરતાં આગળ રહી છે. મોદી સરકાર ફરીથી બનાવવાનો ઉત્સાહ જનતામાં દેખાઈ રહ્યો છે. ભાજપ જનસંઘના સમયથી લઈને અત્યાર સુધી સંગઠનાત્મક રીતે કામ કરનારો પક્ષ છે. સંગઠન અમારા દરેક કાર્યોમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
અમિત શાહે જણાવ્યું, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ વિકાસ કરી રહ્યો છે. વડા પ્રધાને વિદેશમાં દેશનું માન વધાર્યું છે. મોદી સરકારમાં અર્થવ્યવસ્થા મજબૂત થઇ છે. મોદી સરકારની યોજનાઓનો લાંબા દરેક વર્ગને મળ્યો છે. અમિત શાહે જણાવ્યું, ‘મૈં ભી ચોકીદાર’ અભિયાન સફળ રહ્યું છે. આ સૂત્ર વોલિનિટીયર્સે જ આપ્યું હતું. મોદી હૈ તો મુમકીન હૈ... આ સૂત્ર પણ વોલિન્ટીયર્સએ જ આપ્યું હતું. અમારા તરફથી ચૂંટણી પ્રચારમાં ‘હર બાર મોદી સરકાર’ સૂત્ર જાહેર કરાયું હતું.
પક્ષ પ્રમુખ જ બોલશે
પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં અમિત શાહે એનડીએ સરકારની પાંચ વર્ષની સિદ્ધિઓ તથા ચૂંટણી પ્રચાર દરમિયાન કરેલી મહેનત અને લોકોની ભાજપ તરફની લાગણી અંગે વાત કરી હતી. અમિત શાહે કહ્યું હતું કે સરકાર એમ રાતોરાત નથી બની જતી. એ માટે પક્ષે અત્યંત બારીકાઈપૂર્વકનું આયોજન કર્યું છે.
જ્યારે વડા પ્રધાનને સંબોધીને સવાલ આવ્યા ત્યારે તેમણે કહ્યું હતુ કે પક્ષ પ્રમુખ હાજર હોય ત્યાં સુધી મારે કશું કહેવાનું રહેતું નથી. અમારો પક્ષ શિસ્તબદ્ધ છે, માટે પ્રમુખ અમિત શાહ જ જવાબો આપશે. હું પક્ષનો શિસ્તબદ્ધ સૈનિક છું, પક્ષથી મોટું મારા માટે કંઈ નથી.
પૂર્ણ બહુમતીનો વિક્રમ સર્જાશે
પ્રારંભે પત્રકારોને સંબોધતા વડા પ્રધાને કહ્યું હતું આ ચૂંટણી સકારાત્મક વાતાવરણમાં યોજાઈ છે અને મને તેનો શાનદાર અનુભવ થયો છે. આથી પૂર્ણ બહુમતી સાથે અમારી જ સરકાર બનશે એમાં કોઈ શંકા નથી. એક વખત પૂર્ણ બહુમતી સાથેની સરકારે પાંચ વર્ષ પૂર્ણ કર્યા હોય અને ફરીથી એ જ સરકાર પૂર્ણ બહુમતી સાથે આવશે. દેશમાં સક્ષમ સરકાર હોય છે તો રમઝાન પણ થાય છે, આઇપીએલ થાય છે અને ચૂંટણીઓ પણ થાય છે. આ દરેક વાત કોઈ ઉપ્લબ્ધિઓ તરીકે નથી કહી રહ્યો. હું માની રહ્યો છું કે ઘણી વાતો એવી છે કે જે અમે દુનિયા સામે ગર્વથી કહી શકીએ છીએ. આ દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે. લોકતંત્રની તાકાત દુનિયા સામે લાવવી એ દરેક ભારતીયોનો હક છે. આપણે વિશ્વને પ્રભાવિત કરવું જોઈએ કે આપણો દેશ કેટકેટલી વિવિધતાથી ભરેલો છે.
વડા પ્રધાન મોદીએ જણાવ્યું, ચૂંટણીનો પ્રચાર શાનદાર રહ્યો, સકારાત્મકભાવથી ચૂંટણીઓ થઇ. પૂર્ણ બહુમત વાળી સરકાર પાંચ વર્ષ પૂરા કરીને ફરીથી દેશમાં આવે અને આ દેશમાં બહુ લાંબા સમય પછી થઇ રહ્યું છે તે સૌથી મોટી વાત છે.
૧૮૫૭ની ક્રાંતિનો ઉપયોગ
વડા પ્રધાને કહ્યું હતુ કે મેં પ્રચારની શરૂઆત મેરઠથી કરી હતી, જે ૧૮૫૭ની ક્રાંતિનું એપી સેન્ટર હતું. તો આજે છેલ્લી સભા મધ્ય પ્રદેશમાં કરી હતી. એ ક્રાંતિનો એક હીરો ભીમા નાયક હતો, જે મધ્ય પ્રદેશનો હતો. એ રીતે મારો પ્રચાર ક્રાંતિ સાથે જોડાયેલો રહ્યો છે. વળી આખા પ્રચારમાં મારી એક પણ સભા કેન્સલ નથી થઈ. ક્યારેક હેલિકોપ્ટર ખોટકાઈ જાય તો એક હેલિકોપ્ટરમાં વધારે લોકો બેસાડવા પડતા હતા, પરંતુ બીજી કોઈ મુશ્કેલી નથી આવી.