મુંબઇઃ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વે કેન્દ્રીય નાણાં પ્રધાન યશવંત સિંહાએ વડા પ્રધાને કેબિનેટમાં સમાવેશ માટે ૭૫ વર્ષની વયમર્યાદાના અપનાવેલા માપદંડ સામે વિરોધ કરતાં જણાવ્યું હતું કે, ૨૬ મે ૨૦૧૪ના રોજ ૭૫થી વધુ વર્ષની વય ધરાવનારાઓને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા.
અટલ બિહારી વાજપેયી અને ચંદ્રશેખર સરકારોમાં નાણાં અને વિદેશ મંત્રાલય સંભાળી ચૂકેલા સિંહાને નરેન્દ્ર મોદી અને મનમોહનસિંઘ વચ્ચેના તફાવત વિષે પૂછાતાં તેમણે વર્તમાનમાં ભાજપના ઉંમરલાયક નેતાઓની થઇ રહેલી અવગણના વિષે વાત કરતાં આવું નિવેદન આપ્યું હતું. તેઓ ઉદ્યોગજગતના એક કાર્યક્રમમાં ભાગ લેવા મુંબઇ આવ્યા હતા.
મોદીના મેક ઇન્ડિયા કાર્યક્રમ પર નિશાન સાધતાં સિંહાએ જણાવ્યું હતું કે, પહેલાં ભારત તો બનાવો બધું તેની પાછળ આવશે. સિંહાએ ધારદાર ટિપ્પણી આપતાં જણાવ્યું હતું કે, મારો સમાવેશ બ્રેઇન ડેડમાં થાય છે. સિંહાના પુત્ર જયંત મોદી સરકારમાં રાજ્યકક્ષાના નાણા પ્રધાનછે. સિંહાનો સમાવેશ પક્ષના લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી જેવા નેતાઓમાં થાય છે. તેમને મોદી કેબિનેટમાં સમાવાયા નથી. અડવાણી અને જોશીને ભાજપ માર્ગદર્શક મંડળના સભ્ય બનાવવામાં આવ્યા છે. જોશીએ તાજેતરમાં મોદીની ‘નમામિ ગંગે’ યોજના સામે પ્રશ્ન ઊભા કર્યા હતા.