અમદાવાદઃ ગુજરાતમાં પાટીદારોના અનામત આંદોલનને વેગ આપીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે તેનું ફળ પણ મેળવી લીધું છે એવું રાજનીતિજ્ઞોનું માનવું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર દબાણ લાવીને તેઓએ ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે પોતાના જ માણસને મુકાવવામાં સફળતા મેળવી લીધી છે. તેઓ હવે નવી દિલ્હીમાં બેઠા બેઠા જ ગુજરાત પર શાસન કરશે. નવા પક્ષપ્રમુખ હવે ગમે ત્યારે જાહેર થઈ શકે છે. અમિત શાહે છેલ્લા મોદીની સ્ટાઇલથી જ રાજકારણના પાસા નાંખ્યા હતા. તેઓએ આનંદીબહેન પટેલની સરકાર સંપૂર્ણ નિષ્ફળ તેમજ તેઓ પોતે નબળા હોવાનું મોદી સમક્ષ પુરવાર કરી દીધું હતું જેથી મોદી પણ મુખ્યપ્રધાનનો બચાવ કરી શક્યા નહોતા. અંતે મોદીએ અમિત શાહને એવું કહ્યું હતું કે તમે આનંદીબહેન સાથે મળીને નામ નક્કી કરી લો જેને લઈને આખરે ગુજરાતના ક્ષત્રિય નેતા અને શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાના નામ પર સહમતિ સાધી લેવાઈ છે.