લોકસભાની ચૂંટણી બાદ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં અમિત શાહનાં નેતૃત્વમાં ભાજપે જ્વલંત વિજય મેળવ્યો હોવાથી દિલ્હીની ચૂંટણી શાહ માટે અગ્નિપરીક્ષા સમાન બની રહેવાની છે. તાજેતરમાં ભાજપે કરાવેલા આંતરિક સર્વેમાં ‘આપ’નું પલ્લું ભારે જણાતાં અમિત શાહ થોડા ચિંતિત બન્યા હતા અને નવી વ્યૂહરચના પર કામ શરૂ કર્યું હતું.
કિરણ બેદીએ જણાવ્યું હતું કે તેઓ અરવિંદ કેજરીવાલને સીધો પડકાર આપવા માગે છે. ‘આ મારી જિંદગીની સૌથી મોટી લડાઇ છે, પરંતુ હું હારથી ડરતી નથી.’ મુખ્ય પ્રધાન પદના દાવેદાર અંગેના સવાલમાં બેદીએ જણાવ્યું હતું કે તેનો નિર્ણય પાર્ટીએ કરવાનો છે, કોઇ પણ નિર્ણય મને સ્વીકાર્ય હશે.
શાહની વ્યૂહરચના
ભાજપના આંતરિક સર્વેમાં ‘આપ’નું પલ્લું ભારે જોવા મળતાં અને મોદીની જાહેરસભામાં ઓછી ભીડ આવતાં ભાજપની ચિંતા વધી ગઇ હતી. પરિણામે અમિત શાહને નવી રણનીતિ ઘડવાની ફરજ પડી હતી. ભાજપે ત્રણ સર્વે કરાવ્યા હતા જેમાં ડિસેમ્બરના પ્રારંભે કરેલા સર્વેમાં જીતના સંકેતો પ્રાપ્ત થયા હતા, પરંતુ બીજા અને ત્રીજા સર્વેમાં ભાજપની બેઠકોમાં ઘટાડો થયો હતો. દિલ્હીમાં આજે પણ મુખ્ય પ્રધાનપદ માટે કેજરીવાલ લોકોની પહેલી પસંદ હોવાથી અમિત શાહે સમીકરણોમાં બદલાવ કરવાની ફરજ પડી છે. શાહે નવી રણનીતિ પર કામ શરૂ કરી દીધું છે.