નવી દિલ્હીઃ ભારત, ચીન અને રશિયાની ત્રિપુટીથી અમેરિકા અને તેના યુરોપિયન સહયોગી બેચેન છે. આ ત્રણે દેશ મળીને બ્રિક્સપ્લસ મારફતે વૈશ્વિક વેપારની ગતિશિલતા બદલવા સક્ષમ છે. અર્નેસ્ટ એન્ડ યંગ ઇન્ડિયાના મતે વૈશ્વિક વેપારમાં બ્રિક્સપ્લસ ગ્રૂપનો દબદબો વધી રહ્યો છે. જો આમ થયું તો 2026 સુધી આ જૂથ વૈશ્વિક વેપારમાં જી7 દેશથી આગળ નીકળી શકે છે. બ્રિક્સપ્લસ દેશમાં ભારત અને ચીનની ભૂમિકા પ્રમુખ છે. બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને સાઉથ આફ્રિકાથી મળીને બનેલા બ્રિક્સમાં હવે પાંચ વધુ સભ્યો છે. તેમાં ઇજિપ્ત, ઈરાન, ઇથિયોપિયા, સાઉદી અરબ અને યુએઇ સામેલ છે.
વૈશ્વિક આયાત-નિકાસમાં બ્રિક્સપ્લસ દેશોનો હિસ્સો ઝડપથી વધી રહ્યો છે. વૈશ્વિક નિકાસના મોરચે 2026 સુધીમાં બ્રિક્સપ્લસ જૂથનો હિસ્સો જી7 જૂથને પાછળ છોડી શકે છે. આ રીતે ઇકોનોમી વોચની ઓક્ટોબર આવૃત્તિએ વૈશ્વિક વેપારમાં ફેરફારો જાહેર કર્યા છે. બ્રિક્સપ્લસ જૂથ આંતરરાષ્ટ્રીય વેપાર અને રોકાણને સરળ બનાવવા નવું પ્લેટફોર્મ બનાવી રહ્યું છે.