નવી દિલ્હીઃ ભારત સરકારે 2047 સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું સૂત્ર આપ્યું છે. આ જ શ્રુંખલામાં સરકારનું પ્રથમ લક્ષ્ય છે કે 2027 સુધીમાં દેશ વિશ્વની ત્રીજી સૌથી મોટી ઈકોનોમી બની જાય. સરકારના આ લક્ષ્યને હવે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)એ પણ સંભવ ગણાવ્યું છે. IMF 2024-25 માટે ભારતના જીડીપી ગ્રોથનું અનુમાન 6.8 ટકાથી વધારીને 7 ટકા કર્યું છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડનાં ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર ગીતા ગોપીનાથનું કહેવું છે કે ભારત આગામી 2027 સુધીમાં દુનિયાની ત્રીજી સૌથી મોટી ઇકોનોમી બની જશે. ભારત હાલના સમયે દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.
ગીતા ગોપીનાથે કહ્યું કે, ગયા નાણાંવર્ષમાં આપણે આશા વ્યક્ત કરી હતી તેનાથી વધુ સારી પ્રગતિ ભારતીય અર્થતંત્રે દર્શાવી છે. આ જ વાત અમારા અનુમાનને અસર કરી રહી છે. બીજું એ કે ખપત પણ સારી થઈ છે. આ બધી વાતો ઇન્ડિયન ઈકોનોમી માટે સારી છે અને તેનાથી વધુ સારી વૃદ્ધિનું અનુમાન કરાઇ છે. ગીતા ગોપીનાથે ગ્રોથ રેટમાં અપગ્રેડ માટે ઘણા તર્ક રજૂ કર્યા. તેમણે કહ્યું કે ટુ-વ્હિલર્સનું વેચાણ અને FMCG સેક્ટર ફરીથી વૃદ્ધિના માર્ગે જોવાઈ રહ્યાં છે. સાથે જ ચાલુ વર્ષનું ચોમાસું સારું છે.