મુંબઇઃ ભારત વર્ષ 2029 સુધીમાં વિશ્વનું ત્રીજુ સૌથી મોટું અર્થતંત્ર બનશે તેવો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આશાવાદ વ્યક્ત કર્યા બાદ દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇંડિયા (SBI)ના અર્થશાસ્ત્રીઓએ અંદાજ સુધારતા જણાવ્યું છે કે ભારત વર્ષ 2027 સુધીમાં જ વિશ્વના ત્રીજા સૌથી મોટા અર્થતંત્રનો ખિતાબ હાંસલ કરી લેશે.
SBIના અર્થશાસ્ત્રીઓના મતે ભારતનો જીડીપી ગ્રોથ નાણાકીય વર્ષ 2024 દરમિયાન 6.5 ટકા રહેશે. વર્ષ 2014થી ભારત દ્વારા જે રસ્તો અપનાવાયો હતો તેમજ માર્ચ 2023 આધારિત જીડીપીના વાસ્તવિક ડેટાને ધ્યાનમાં રાખતા ભારતનું અર્થતંત્ર વર્ષ 2027 સુધીમાં જ ત્રીજા નંબરના સૌથી મોટા અર્થતંત્રનું બિરુદ મેળવી લેશે. તેમાં વર્ષ 2014થી સાત ક્રમનો સુધારો કરાયો છે જ્યારે ભારત 10મા ક્રમે હતું અને તેમાં વર્ષ 2029થી વર્ષને 2027 કરાયું છે. રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયાએ ભારત 6.5 ટકાના દરે વૃદ્ધિ નોંધાવે તેવું અનુમાન વ્યક્ત કર્યું છે, જે અત્યાર સુધીનું સર્વાધિક અનુમાન કહી શકાય.
મોદીની વિદેશ યાત્રા ફળશે
SBIના રિપોર્ટમાં એવું પણ જણાવાયું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની ફ્રાન્સ અને યુએસની મુલાકાત ખાસ કરીને ભારત માટે ચીપના ઉત્પાદન, સંરક્ષણ સંબંધો, આબોહવા પરિવર્તન અને ક્લાઇમેટ ફાઇનાન્સ, વેપાર અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના નિર્માણ જેવા ક્ષેત્રોમાં લાભદાયી નિવડશે.