દિલ્હીમાં ૨૬મી ઓક્ટોબરે ભારત અને આફ્રિકા ખંડના ૫૪ દેશના વરિષ્ઠ અધિકારીઓની બેઠક સાથે ભારત-આફ્રિકા શિખર સંમેલનનો પ્રારંભ થયો હતો. સંમેલનમાં ૪૦ દેશોના પ્રમુખ સહિત ૫૪ દેશના પ્રતિનિધિ હિસ્સો લઈ રહ્યા છે.
ભારતીય અધિકારીઓ અનુસાર, તમામ ૫૪ આફ્રિકન દેશ આ પ્રકારની બેઠક માટે ખંડની બહાર એકઠા થયા હોય તેવું પ્રથમ વખત બન્યું છે. આ શિખર સંમેલન ૨૬મીથી ૨૯મી ઓક્ટોબર સુધી ચાલશે. શિખર સંમેલન સંબંધિત કાર્યક્રમમાં મંગળવારે વિદેશમંત્રીઓ વચ્ચે એક બેઠક યોજાશે અને ૨૯ ઓક્ટોબરના રોજ સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન દ્વિપક્ષીય બેઠકો યોજાશે.
ભારત અને આફ્રિકાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આયોજિત ડિનરમાં બીફ અને પોર્કનો સમાવેશ નથી. આ પ્રસંગે બિનશાકાહારી વાનગીઓમાં માછલી અને ચિકનની ડિશિશ હશે, તો શાકાહારી વાનગી તરીકે ગુજરાતી કઢીનો પણ છે.
પીએમ મોદી શિખર સંમેલન પૂર્વે કહી ચૂક્યા છે કે, ભારત માટે આફ્રિકામાં માનવસંસાધન વિકાસ, પાયારૂપ માળખું, સ્વચ્છ ઊર્જા, કૃષિ, સ્વાસ્થ્ય, શિક્ષણ અને કૌશલ્યવિકાસ કેન્દ્રબિંદુ બની રહેશે.