ભારત-ચીન બેઠકની ફળશ્રુતિઃ સરહદી ક્ષેત્રમાં લશ્કરી દળોની સંખ્યા નહીં વધારવા સંમતિ

Wednesday 23rd September 2020 07:26 EDT
 
 

નવી દિલ્હી: પૂર્વ લદાખમાં ચાર મહિનાથી યથાવત્ તણાવગ્રસ્ત સ્થિતિને લઈને ભારત-ચીનના કોર કમાન્ડરોએ છઠ્ઠી વાર યોજેલી બેઠકમાં બન્ને દેશો હવે સરહદી ક્ષેત્રમાં વધુ લશ્કરી દળો ન ગોઠવવા સંમત થયા છે. સોમવારથી ચાલતી આ બેઠકમાં ભારતના ૧૪મી કોર કમાન્ડરના લેફ્ટનન્ટ જનરલ હરિન્દર સિંહ અને લેફ્ટનન્ટ જનરલ પીજીકે મેનને ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જોકે ખાસ વાત એ છે કે આ બેઠકમાં પહેલી વાર વિદેશ મંત્રાલયના ઈસ્ટ એશિયા મામલાના સંયુક્ત સચિવ નવીન શ્રીવાસ્તવ પણ સામેલ થયા હતા.
બીજી તરફ, ચીન તરફથી દક્ષિણ જિનજિયાંગ સૈન્ય ક્ષેત્રના કમાન્ડર મેજર જનરલ લિયુ લિને ભારતીય સૈન્ય અધિકારીઓ સાથે વાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠક એલએસી નજીક ચીન સરહદના મોલ્ડો ક્ષેત્રમાં યોજાઈ હતી. આ બેઠકમાં એ પાંચ પોઈન્ટ પર અમલ કરવાની વાત થઈ હતી, જેમાં ભારત-ચીનના વિદેશ પ્રધાનોએ રશિયાના મોસ્કોમાં આયોજિત બેઠકમાં સંમતિ આપી હતી.
ભારતીય સેનાની મદદે લદ્દાખી લોકો
લદાખનાં અંતરિયાળ ગામોના લોકો લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર તહેનાત ભારતીય જવાનોને ભોજન પહોંચાડવામાં મદદરૂપ થઇ રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી અહીં રહેતા નામગ્યાલ ફૂંસુંગે કહ્યું હતું કે એલએસીની આસપાસનાં ગામો જવાનો માટે ભોજન સામગ્રી એકત્ર કરી રહ્યા છે, જેમાં મોટા ભાગે સૂકા નાસ્તા, જરદાળુ જેવાં ડ્રાય ફ્રૂટ્સ અને અન્ય પરંપરાગત ચીજો સામેલ છે.

ઊંચાં શિખરો પર કબજો કરવા હોડ

સૂત્રોના જણાવ્યા મુજબ ૨૯ ઓગસ્ટ પછી ભારતીય અને ચીની સેના વચ્ચે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલની સાથોસાથ ઊંચાં શિખર પર કબજો કરવાનો સંઘર્ષ શરૂ થયો હતો. તે વખતે ચીને પેંગોંગ સરોવરની દક્ષિણે થાકુંગ વિસ્તારમાં ઊંચા વિસ્તારો પર કબજો કરવાની શરૂઆત કરતાં આ હોડ શરૂ થઇ હતી. ચીની સેનાને શિખરો પર કબજો કરતી રોકવા પેંગોંગ સરોવરના ઉત્તર કાંઠાથી માંડીને દક્ષિણ કિનારા સુધી ત્રણ સ્થાને ભારતીય સેનાને હવાઇ ગોળીબાર કરવાની ફરજ પડી હતી.

શું ચીન સરહદે કંઇ મોટું થશે? - મનાલી-લેહ હાઇવે પર સેંકડોની સંખ્યામાં સૈન્યનાં વાહનોનો કાફલો ચીનની સરહદ તરફ જઈ રહ્યો છે. લદાખમાં ચીનને જડબાતોડ જવાબ આપવા માટે ભારતે પણ સરહદે જવાનો તહેનાત કર્યા છે. શિયાળાને ધ્યાનમાં લઈ જવાનો માટે રેશન, હિટર, ગરમ કપડાં વગેરે પહોંચાડવા દિવસ-રાત વાહનો જઈ રહ્યાં છે. એવું મનાય છે કે ચીન સરહદે કંઈ મોટું થવા જઈ રહ્યું છે. અલબત્ત, આર્મી તરફથી આ અંગે ચુપકીદી સેવાઈ રહી છે. સ્થાનિક લોકો પણ પહેલી વાર આટલા મોટા પ્રમાણમાં લશ્કરી વાહનોનો કાફલો સરહદ તરફ જતો જોઈ રહ્યા છે. સ્થાનિકો પણ એવું કહે છે કે નજીકના ભવિષ્યમાં કંઈક મોટું થાય તો નવાઈ લાગવી જોઈએ નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter