નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારથી ત્રણ દેશોનો પ્રવાસ શરૂ કર્યો છે. ચીન ઉપરાંત તેઓ મોંગોલિયા અને સાઉથ કોરિયાની પણ મુલાકાત લેશે. સમગ્ર દુનિયાની નજર વડા પ્રધાનના ચીનપ્રવાસ પર છે. વડા પ્રધાન મોદીએ ચીન પ્રવાસના પ્રારંભ પૂર્વે ચીનના અખબારોને આપેલી મુલાકાતમાં આશાવાદ દર્શાવ્યો હતો કે તેમનો ચીન પ્રવાસ બન્ને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે.
આજે, ગુરુવારે સવારે તેઓ એક શિખર સંમેલન માટે રાષ્ટ્રપતિ શી જિનપિંગનાં વતન અને પ્રાચીન શહેર જિયાન પહોંચ્યા હતા. અહીં શી જિનપિંગ સાથે તેમની મુલાકાત યોજાશે. ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાનના ચીનમાં રોકાણના ત્રણ દિવસ દરમિયાન તેઓ ૨૨ જેટલા કાર્યક્રમોમાં ભાગ લેવાના છે.
ભારત-ચીન દ્વિપક્ષીય સંબંધો માટે મોદીની મુલાકાત ઘણી મહત્ત્વની ગણાઈ રહી છે. મોદીએ ચીનની ત્રણ દિવસીય મુલાકાત પૂર્વે બુધવારે ચીની મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેમનો આ પ્રવાસ વિકાસશીલ દેશો માટે વિકાસની નવી દિશાઓ ખોલી આપશે. એશિયાને બુદ્ધની ધરતી ગણાવતાં વડા પ્રધાને કહ્યું હતું કે, 'ચીન અને ભારતે સાથે મળીને વિશ્વમાં શાંતિ અને વિકાસને આગળ લઈ જવાના છે. આ પ્રવાસથી ભારત અને ચીનના સંબંધો વધુ મજબૂત બનશે. હું ચીનપ્રવાસની લાંબા સમયથી રાહ જોઈ રહ્યો હતો. ૨૧મી સદી એશિયાની જ હશે. ભારત અને ચીનના દ્વિપક્ષીય સંબંધોમાં હાલનાં વર્ષોમાં ઘણી પ્રગતિ થઈ છે. બંને દેશોએ મતભેદોને ધૈર્ય અને પરિપક્વતાપૂર્વક ઉકેલ્યા છે.'