મુંબઇ: જાપાન અને બ્રિટનમાં હવે મંદીના પગરણ થયા છે. જાપાનનો આર્થિક વૃદ્ધિદર સતત બીજા ક્વાર્ટરમાં નેગેટિવ રહ્યો છે. વર્ષ 2023ના છેલ્લા ત્રણ મહિનામાં તે -0.4 ટકા રહ્યો હતો. જ્યારે આ પહેલાંના ક્વાર્ટરમાં -3.3 ટકા હતો. તેનાથી તે મંદીની લપેટમાં આવી ગયું છે અને જાપાનનું અર્થતંત્ર ચોથા ક્રમાંકે પહોંચી ગયું છે. બીજી તરફ યુકેમાં પણ જીડીપીમાં સતત ઘટાડાને કારણે ત્યાં પણ મંદીના અણસાર જોવા મળી રહ્યા છે. જેનો લાભ જર્મનીને મળતાં તે ત્રીજા સ્થાને પહોંચી ચૂક્યું છે.
જાપાનની જીડીપી ઘટીને 4.19 ટ્રિલિયન ડોલર પર પહોંચી ચૂકી છે. જાપાનમાં મંદીને કારણે ભારત માટે ચોથી સૌથી મોટી ઇકોનોમી બનવાની તક સર્જાઇ છે.
ક્રિસિલના મુખ્ય અર્થશાસ્ત્રી ડી.કે. જોશી અનુસાર જાપાનના જીડીપીમાં ઘટાડાથી ભારતની જીડીપીમાં વૃદ્ધિ થઇ છે. વર્ષ 2022માં તે 3,389 બિલિયન ડોલર (રૂ. 283.15 લાખ કરોડ) હતી જે હવે વધીને 4 બિલિયન યુએસ ડોલર (રૂ. 334.20 લાખ કરોડ)ને પાર થઈ ચૂકી છે. જાપાન અત્યારે વૃદ્ધોની વધતી વસતી. કામદારોની અછત જેવી સમસ્યા સામે ઝઝૂમી રહ્યું છે.