ભારત સરકારના ગૃહ મંત્રાલયે ભારત – પાકિસ્તાન સરહદે સુરક્ષાના પગલાંના ભાગરૂપે ટૂંક સમયમાં ૪૦ કરતાં વધારે સંવેદનશીલ જગ્યાઓએ લેઝરની દીવાલો ઊભી કરવાનો વિચાર કર્યો છે. જેથી કરીને આતંકવાદીઓની ઘૂસણખોરીને રોકી શકાય. તેમાં મોટા ભાગના વિસ્તારો નદી-નાળાના છે. આ ઉપરાંત એ વિસ્તારોનો પણ આ મિશનમાં સમાવેશ કરાયો છે જ્યાંથી આતંકવાદીઓ ગુરુદાસપુર તેમજ પઠાણકોટમાં ઘૂસ્યા હતા અને એરબેઝ ઉપર હુમલો કર્યો હતો.
ગૃહ મંત્રાલયના એક અધિકારીએ આ બાબતે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સરહદેથી પાકિસ્તાન આધારિત આતંકવાદી જૂથો દ્વારા થતી ઘૂસણખોરીને રોકવાની આ કોશિશ છે. તેને ધ્યાનમાં રાખીને પંજાબની નદી પટ્ટીઓને બીએસએફ દ્વારા લેઝરની દીવાલોથી ટેકનોલોજીથી સજ્જ કરાશે.
લેઝર વોલ એવી વ્યવસ્થા છે કે જેના થકી લેઝર સોર્સ અને ડિટેક્ટર વચ્ચે ‘લાઇન ઓફ સાઇટ’માંથી પસાર થતી વસ્તુ અંગે માહિતી મેળવી શકાય છે. આ અંગે મંત્રાલયે વધુ જણાવતાં કહ્યું કે, હાલમાં લેઝર વોલ અંગે કેટલાક પરીક્ષણો થયા છે. ૪૦ સંવેદનશીલ ક્ષેત્રો પૈકીના ચારથી પાંચ લેઝર વોલથી સજ્જ કરાયાં છે અને લેઝરમાંથી કંઈ પણ પસાર કરતાં જ જોરથી સાયરન વાગે છે.