નવી દિલ્હીઃ પાકિસ્તાનની અવળચંડાઇ વધુ એક વખત ભારત-પાકિસ્તાન શાંતિપ્રક્રિયાને ખોરંભે પાડે તેવી શક્યતા છે. ૨૩-૨૪ ઓગસ્ટે નવી દિલ્હીમાં બન્ને દેશના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) વચ્ચે મંત્રણા યોજાવાની છે. દ્વિપક્ષીય સંબંધો માટે અતિ મહત્ત્વની આ મંત્રણા પૂર્વે જ ગુરુવારે દિલ્હીસ્થિત પાકિસ્તાની હાઇ કમિશને કાશ્મીરના અલગતાવાદી નેતાઓને મંત્રણા કરવા, દાવતમાં સામેલ થવા આમંત્રણ આપતાં ભારતે તીવ્ર નારાજગી વ્યક્ત કરી છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે અમે મંત્રણામાંથી પીછેહઠ નહીં કરીએ, પણ પડોશી દેશ અલગતાવાદીઓ સાથે બેઠક યોજશે તો યોગ્ય જવાબ અવશ્ય આપશું.
પાકિસ્તાને ફોન કરીને હુર્રિયત નેતા સૈયદ અલી શાહ ગિલાની, મીર વાઇઝ, યાસીન મલિક સહિત અન્ય અલગતાવાદીઓને નેશનલ સિક્યુરિટી એડવાઇઝર સરતાઝ અઝીઝ સાથે મંત્રણા અને ડીનર માટે નવી દિલ્હી આમંત્ર્યા છે. ગિલાની સહિતના નેતાઓએ આ વાતનું સમર્થન પણ કર્યું છે. એક અહેવાલ અનુસાર, પાકિસ્તાન સરકારે લશ્કરી વડા રાહેલ શરીફ અને આઇએસઆઇના વડા રિઝવાન અખ્તરના દબાણને વશ થઇને આ પગલું લીધું છે. વડા પ્રધાન નવાઝ શરીફે આમની સાથે ચર્ચા કરીને ચર્ચાનો એજન્ડા નક્કી કર્યો છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જુલાઇમાં બન્ને દેશો વચ્ચે વિદેશ સચિવ સ્તરની મંત્રણા યોજાઇ હતી. આના થોડાક જ સમય પૂર્વે પાકિસ્તાને હુર્રિયત નેતાઓ સાથે મંત્રણા કરતાં ભારતે સચિવ સ્તરની આ બેઠક રદ કરી નાખી હતી.
ભારતના સતત ઇનકાર છતાં પાકિસ્તાને બન્ને દેશના એનએસએની બેઠકમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાનો સંકેત આપ્યો હતો. પાકિસ્તાનના હાઇ કમિશનર બાસિતે જણાવ્યું હતું કે, આ મંત્રણા કાશ્મીર એજન્ડા માટે પણ હશે. બીજી બાજુ, ભારત સરકારનાં સૂત્રોએ જણાવ્યું છે કે પાકિસ્તાની એનએસએ સરતાજ અઝીઝ કાશ્મીરના અલગતાવાદીઓ સાથે મુલાકાત કરશે તો ભારત સરકાર યોગ્ય જવાબ આપશે. કાશ્મીરના અલગતાવાદીઓને અપાયેલું આમંત્રણ ઉશ્કેરણીજનક કૃત્ય છે. ભારત સરકાર તમામ વિકલ્પો ખુલ્લા રાખીને બેઠી છે. જોકે પાકિસ્તાને આમંત્રણ ઉચિત ગણાવતાં જણાવ્યું કે અમે કાશ્મીરી અલગતાવાદીઓની સાથે મંત્રણા કરવાના છીએ તેમાં કશું આશ્ચર્યજનક નથી.
અલગતાવાદીઓની અટકાયત-મુક્તિ
પાકિસ્તાની હાઇ કમિશને કાશ્મીરના અલગતાવાદી નેતાઓને મંત્રણા માટે આમંત્રણ આપ્યું હોવાના અહેવાલો આવતાં આ નેતાઓને નજરકેદ કરાયા હતા. જોકે થોડાક કલાકો બાદ તમામને મુક્ત કરવામાં આવ્યા હતા. હુર્રિયત નેતાઓએ એવો હુંકાર કર્યો હતો કે અમને આમંત્રણ આપવામાં આવ્યું છે, અમે (સરતાઝ અઝીઝ સાથે) મુલાકાત કરશું જ.
પાકિસ્તાનની ત્રણ અવળચંડાઇ
૧) અલગતાવાદીઓને આમંત્રણઃ ઓગસ્ટ ૨૦૧૪માં વિદેશ સચિવ સ્તરની મંત્રણા અગાઉ પાકિસ્તાને કાશ્મીરી અલગતાવાદીઓ સાથે દિલ્હીમાં બેઠક યોજી હતી. આથી નારાજ થયેલાં ભારતે વિદેશ સચિવ સ્તરની મંત્રણા રદ કરી હતી. હવે ફરી વાર પાકિસ્તાને અલગતાવાદીઓને આમંત્રણ આપી ઉશ્કેરણી કરી છે.
૨) સરહદ પર સતત ફાયરિંગઃ મંત્રણા પહેલાં ૧૧ દિવસથી પાકિસ્તાની સેના એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને ભારતીય સેનાની ચોકીઓ અને નાગરિકવિસ્તારોને લક્ષ્યાંક બનાવી રહી છે. ભારતીય નાગરિકો અને સૈનિકોના જાનમાલની મોટી ખુવારી થઈ છે.
૩) યુએનમાં ફરી કાશ્મીર રાગઃ પાકિસ્તાને ફરી એક વાર યુનાઇટેડ નેશન્સ (યુએન)માં કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો હતો. પાકિસ્તાનના પ્રતિનિધિ મલિહા લોધીએ જણાવ્યું કે યુએનમાં પેલેસ્ટાઇન અને મિડલ ઇસ્ટની જેમ કાશ્મીર મુદ્દો ઉકેલવાની ક્ષમતા છે, તેમાં ઇસ્લામિક દેશોનાં જૂથ ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન (ઓઆઇસી)ની મદદ લઇ શકાય.
પાકિસ્તાન ક્યા મુદ્દા ઉઠાવશે?
• પાકિસ્તાન આંતરિક સુરક્ષા અંગેના મુદ્દા ઉઠાવશે.
• હંમેશની જેમ સમજૌતા વિસ્ફોટ બલૂચ આતંકનું ગાણું ગાશે
• સરહદ પર ફાયરિંગ મુદ્દે રજૂઆત કરશે.
• બંને દેશો વચ્ચે વિદેશ સચિવસ્તરની મંત્રણા શરૂ કરવાનો પ્રસ્તાવ આપશે.
• પેશાવર હુમલામાં ભારતનો હાથ હોવાનો આરોપ મૂકશે.
• યુદ્ધવિરામનાં ઉલ્લંઘન માટે ભારતને જવાબદાર ઠેરવશે.
ભારત ક્યા મુદ્દા ઉઠાવશે?
• આતંકી કેમ્પોનાં સરનામા અને પુરાવા અપાશે.
• ૫૦ આતંકીઓની વિગતો પાકિસ્તાનને આપશે.
• દાઉદ-હાફિઝ અંગેની નવી માહિતી અપાશે.
• મુંબઇ હુમલા કેસના આરોપી લખવી વિરુદ્ધના પુરાવા અંગેની મહત્ત્વની નોંધ પાકિસ્તાનને અપાશે.
• ગુરદાસપુરમાં મરેલા આતંકીઓ પાસેથી મળેલા જીપીએસ સાથે સંકળાયેલા પુરાવા અપાશે.
• પંજાબમાં હુમલો કરનાર આતંકીઓ પાસેથી મળેલા પાકિસ્તાની સામાનના પુરાવા અપાશે.
• પૂછપરછ દરમિયાન નાવેદ પાસેથી મળેલી જાણકારી સૌથી મહત્ત્વના પુરાવા તરીકે અપાશે.
• નાવેદને તાલીમ આપનાર આઇએસઆઇના અધિકારીઓના પુરાવા અપાશે.
મંત્રણા અંગે આઘાત-પ્રત્યાઘાત
• પાકિસ્તાન ભારતનું વલણ જાણે છે: ભાજપ
• આડોડાઇ કરતા પાકિસ્તાન સાથે મંત્રણાની જરૂર શું છે?: કોંગ્રેસ
• ભારત સરકાર પાકિસ્તાન સામે મક્કમ વલણ અપનાવે: સીપીએમ
• ભારત અને પાકિસ્તાન વચ્ચે મંત્રણા અર્થવિહીન: ભાજપ નેતા યશવંત સિંહા
• ભાજપ સરકાર પાસે મંત્રણા માટે ન તો રોડમેપ છે ન તો દૂરંદેશીઃ કોંગ્રેસ નેતા આનંદ શર્મા