નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ સ્વાતંત્ર્ય દિનની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોધનમાં સ્વાતંત્ર્ય સેનાનીઓને નમન કરતા જણાવ્યું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ દેશને એક કરવાનું કામ કર્યું છે. રાષ્ટ્રપતિએ ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ અને સુખદેવ જેવા શહીદ સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનોને પણ યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે ભારત દેશ સંપૂર્ણ ગૌરવ પ્રાપ્ત કરશે. સ્વાતંત્ર્ય દિને લાલ કિલ્લા પર, રાજ્યોના પાટનગરોમાં કે આપણી આસપાસ તિરંગો લહેરાતો જોઈને આપણું હૃદય ઉત્સાહથી ભરાઈ જાય છે. આજે 14 ઓગસ્ટે દેશ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવી રહ્યો છે. આ વિભાજનની ભયાવહતાને યાદ કરવાનો દિવસ છે. આપણું મહાન રાષ્ટ્ર વિભાજિત થયું ત્યારે લાખો લોકો ભાગવા માટે મજબૂર થયા, અસંખ્ય લોકોએ જીવ ગુમાવ્યા, ગંભીર અવરોધો આવ્યા.
આપણે ન્યાય, સમાનતા, સ્વતંત્રતા અને ભાઈચારાના બંધારણીય આદર્શો પર મક્કમ રહીને આપણે એ અભિયાન સાથે આગળ વધી રહ્યા છીએ કે ભારત વૈશ્વિક ફલક પર પોતાનું ગૌરવશાળી સ્થાન ફરી પ્રાપ્ત કરે. આ વર્ષે આપણા દેશમાં લોકસભા ચૂંટણી યોજાઈ. કુલ મતદારોની સંખ્યા લગભગ 97 કરોડ હતી, જે એક ઐતિહાસિક વિક્રમ છે. માનવ સમુદાય ઇતિહાસની સૌથી મોટી ચૂંટણીપ્રક્રિયાનો સાક્ષી બન્યો. આવા વિરાટ આયોજનનું સૂપેરે અને કોઈ પણ ખામી વગર સંચાલન કરવા બદલ ભારતનું ચૂંટણી પંચ પ્રશંસાને પાત્ર છે. આટલી મોટી સંખ્યામાં લોકો દ્વારા મતાધિકારનો ઉપયોગ કરવો એ લોકશાહીની વિચારધારાને પ્રબળ સમર્થન છે.
પ્રવાસી ભારતીયો પણ પરિવારનો હિસ્સો, તમે અમને ગૌરવ અપાવ્યું
રાષ્ટ્રપતિ મૂર્મુએ કહ્યું હતું કે હું સૈન્યના એ વીર જવાનોને વિશેષ શુભેચ્છા પાઠવું છું કે જેઓ પોતાના જીવના જોખમે આપણી સ્વતંત્રતાનું રક્ષણ કરે છે. હું પોલીસ અને સુરક્ષાદળના જવાનોને પણ શુભેચ્છા પાઠવું છું કે જેઓ દેશમાં સતર્કતા જાળવે છે. હું ન્યાયતંત્ર અને સિવિલ સેવાઓના સભ્યોની સાથોસાથ વિદેશોમાં નિયુક્ત આપણા દૂતાવાસોના કર્મચારીઓને પણ મારી શુભેચ્છા પાઠવું છું. આપણા પ્રવાસી સમુદાયને પણ મારી શુભેચ્છાઓ... આપ સૌ અમારા પરિવારનો હિસ્સો છો, તમે તમારી સિદ્ધિઓથી અમને ગૌરવ અપાવ્યું છે.