મુંબઈ: ભારતનો એપલનો પહેલો સ્ટોર મુંબઈના બીકેસીમાં મંગળવારથી ખુલ્લો મૂકાયો છે. આ પ્રસંગે મુંબઈ આવેલા એપલ કંપનીના સીઈઓ ટીમ કૂકે મુંબઈની એક રેસ્ટોરાંમાં ફિલ્મ અભિનેત્રી માધુરી દીક્ષિત સાથે વડાપાંઉનો ચટાકો માણ્યો હતો. બાદમાં તેઓ એન્ટિલિયા ખાતે રિલાયન્સ ઉદ્યોગ સમૂહના વડા મુકેશ અંબાણી તથા અન્ય પરિવારજનોને પણ મળ્યા હતા. તેમણે ટાટા જૂથના ચેરમેન ચન્દ્રશેખરન્ સાથે પણ મુલાકાત યોજી હતી.
ગુજરાતી રેસ્ટોરાંમાં અલ્પાહાર
મુંબઇમાં રોકાણ દરમિયાન ટીમ કૂક ગુજરાતી સહિત પ્રાદેશિક વાનગીઓને પીરસતી એક જાણીતી રેસ્ટોરાંમાં પહોંચ્યાં હતાં. ત્યાં માધુરીએ તેમને વડાપાંઉ ખવડાવ્યા હતાં. માધુરી દીક્ષિતે પોતાના સોશિયલ મીડિયા પર ટીમ કૂક વડાપાંઉ આરોગી રહ્યા હોય તેવો ફોટો પણ પોસ્ટ કર્યો હતો. સાથે લખ્યું હતું કે મુંબઈમાં વડાપાંઉથી વધારે વધારે શાનદાર સ્વાગત બીજું કશું હોઈ જ ન શકે.
માધુરીની આ પોસ્ટને શેર કરતાં ટીમ કૂકે લખ્યું હતું કે મને વડાપાંઉંનો ટેસ્ટ કરાવવા બદલ હું માધુરીનો આભાર માનું છું એ ખરેખર બહુ સ્વાદિષ્ટ હતાં. માધુરીની આ પોસ્ટને અસંખ્ય લોકોએ લાઈક કરી હતી. લોકોએ માધુરીને ટીમ કૂકને મુંબઈની સેર કરાવવા અને જુદાં જુદાં સ્ટ્રીટ ફૂડનો પરિચય કરાવવાના સૂચનો પણ આપ્યાં હતાં.
અંબાણી પરિવાર સાથે મુલાકાત
ટીમ કૂક મુંબઈની મુલાકાત દરમિયાન સોમવારે રિલાયન્સ ઉદ્યોગ સમૂહના વડા મુકેશ અંબાણીને મળવા એન્ટિલિયા ખાતેના તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ સમયે રિલાયન્સ જિઓના ચેરમેન આકાશ અંબાણી તથા રિલાયન્સ રિટેલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઈશા અંબાણી પણ હાજર રહ્યાં હતાં. બાદમાં ટીમ કૂક ટાટા સન્સના ચેરમેન એન. ચન્દ્રશેખરનને પણ મળ્યા હતા.
કુક એપલ સ્ટોરમાં પસંદગીના ગ્રાહકોને આવકારશે
ટીમ કૂક મંગળવારે બાન્દ્રા ઈસ્ટમાં બીકેસી ખાતે એપલના ભારત ખાતેના પહેલા સ્ટોરને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે તેમણે ચુનંદા ગ્રાહકોનું જાતે સ્વાગત કર્યું હતું. આ પછી તેઓ 20મી એપ્રિલે દિલ્હીમાં એપલના ભારત ખાતેના બીજા સ્ટોરના ઉદ્ધઘાટનમાં હાજરી આપશે.
એપલ ચીનમાંથી બેઝ ખસેડી ભારત લાવશે
દિલ્હીમાં રોકાણ દરમિયાન તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની શુભેચ્છા મુલાકાત લે તેમજ એપલનાં ભારતના મૂડીરોકાણો અંગે ચર્ચા કરે તેવી પણ સંભાવના છે. ટીમ કૂક આઈફોનના પ્રોડક્શન પ્લાન્ટનો બેઝ ચીનથી ખસેડી ભારતમાં સ્થાપવાનો ઈરાદો સેવી રહ્યા છે. આ સંદર્ભમાં તેઓ વડા પ્રધાન મોદી ઉપરાંત ઈલેક્ટ્રોનિક્સ મંત્રાલયના પ્રધાન રાજીવ ચન્દ્રશેખરને પણ મળે તેવી સંભાવના છે.
એપલ 25 વર્ષથી ભારતમાં
ભારત પ્રવાસના પ્રારંભ વેળા ટીમ કૂકે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જણાવ્યું હતું કે એપલ ભારતના બજારમાં પચ્ચીસ વર્ષથી હાજરી ધરાવે છે, પરંતુ હવે અમે અમારા પ્રથમ સ્ટોરનાં ઉદ્ધઘાટન માટે ભારે રોમાંચ અનુભવીએ છીએ. તેમણે ભારતને સુંદર સંસ્કૃતિ અને અકલ્પનીય ઊર્જા ધરાવતો દેશ ગણાવ્યો હતો.