બ્રસેલ્સઃ બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં ભારતીય સમુદાયને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને શાબ્દિક ચાબખા મારતા જણાવ્યું હતું કે કેટલાક પાડોશી દેશો સમજતા નથી કે મંત્રણા દ્વારા કોઇ પણ મુદ્દાનો ઉકેલ લાવી શકાય છે. મોદીએ આ સંદર્ભમાં બાંગ્લાદેશનું ઉદાહરણ ટાંકતા કહ્યું હતું કે મંત્રણા દ્વારા બાંગ્લાદેશ સાથેનો દાયકાઓ જૂનો સરહદનો વિવાદ ઉકેલાઇ ગયો છે.
બાંગ્લાદેશ સાથે ઉકેલી નાખવામાં આવેલા સરહદી વિવાદનો ઉલ્લેખ કરતા વડા પ્રધાન કહ્યું હતું કે બાંગ્લાદેશ સાથે વિવાદ ઉકેલીને આપણે વિશ્વને બતાવી દીધું છે કે પાડોશી દેશો દ્વારા કઇ રીતે મંત્રણા દ્વારા વર્ષો જૂના વિવાદોનો ઉકેલ લાવી શકાય છે. જોકે કમનસીબી એ છે કે કેટલાક પાડોશી દેશો આ વાતને સમજતા નથી. આપણે અમારા પાડોશીઓને કઇ રીતે બદલી શકીએ? આપણે આશા રાખીએ કે એક દિવસ આવશે જ્યારે આવા પાડોશી દેશોને પણ સમજ પડશે અને તેઓ પણ મંત્રણા દ્વારા વર્ષોજૂના વિવાદોને ઉકેલશે.
વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે તમને જાણીને આનંદ થશે કે અમારી સરકાર આવ્યા પછી એક પણ ગોળી છોડયા વગર કોઇ પણ જાતની લડાઇ વગર માત્ર મંત્રણા દ્વારા જ અમને બાંગ્લાદેશ સાથેનો સરહદ વિવાદ ઉકેલવામાં સફળતા મળી છે.
સંબોધન દરમિયાન મોદીએ પોતાની સરકારના ૨૨ મહિનાના શાસનકાળની સિદ્ધિઓનું વર્ણન કર્યુ હતું. તેણે કહ્યું હતું કે સમગ્ર વિશ્વ કારમી મંદીનો સામનો કરી રહ્યું છે ત્યારે પણ ભારત ઉગતો તારો છે તેવું આઇએમએફનું માનવુ છે.
‘યુએન આતંકવાદને પરિભાષિત કરી શક્યું નથી’
આતંકવાદી હુમલાનો તાજેતરમાં જ ભોગ બનેલા બ્રસેલ્સની મુલાકાત દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, યુનાઇટેડ નેશન્સ (યુએન) જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વૈશ્વિક આતંકવાદને નાથવા નક્કર પગલાં લેવા જોઈએ. આટલી વિશાળ સંસ્થા આતંકવાદને અત્યારસુધી પરિભાષિત ન કરી શકે તે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. જો ખરેખર તેવું ન થાય તો આ વૈશ્વિક સંસ્થા અપ્રાસંગિક પૂરવાર થશે.
તેમણે ભારતીય સમુદાયને સંબોધન દરમિયાન જણાવ્યું કે, યુએન જેવી સંસ્થા અત્યાર સુધી આતંકવાદને પરિભાષિત ન કરી શકે તે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. તેના કરતાં પણ વધારે કમનસીબીએ છે કે, આતંકવાદને પોષનારા અને શરણ આપનારા દેશો સામે કામગીરી કરતા દેશો સામે પગલાં લેવાનો કાયદો લાવવાની વાત કરનારા પ્રસ્તાવ પર પણ કોઈ કામગીરી કરવામાં આવી રહી નથી.
તેમણે વધુમાં જણાવ્યું કે, આતંકવાદને ધર્મથી અલગ કરીને જોવાની જરૂર છે. આ એવી વૈશ્વિક સમસ્યા છે જેણે સમગ્ર માનવજાત સામે મોટો પડકાર ઉભો કર્યો છે. વિશ્વ આતંકવાદના ખતરાને માત્ર અનુભવી રહ્યું છે જ્યારે ભારત છેલ્લાં ૪૦ વર્ષથી વધુ સમયથી આતંકવાદનો ભોગ બનેલો છે. ૯/૧૧ થયા પહેલા વિશ્વની મહાસત્તાઓને ખ્યાલ જ નહોતો કે આતંકવાદ શું છે.