મુંબઈઃ ભારે ઝાકમઝોળથી ૧૩થી ૧૮ ફેબ્રુઆરી દરમિયાન આરંભાયેલા ‘મેઈક ઈન ઈન્ડિયા’ સપ્તાહ દેશના રાજકારણનો હિસ્સો બની ગયેલા કાદવઉછાળ અને કર્કશ વિવાદના પરિણામે અર્ધવચ્ચે જ નિરાશાજનક પરિસ્થિતિમાં આવી ગયું હતું. જોકે, વિવાદી પ્રદુષણની હવા વિખરાશે ત્યારે ભારતની પ્રજા ન્યુ યોર્કસ્થિત ૯૩ વર્ષ જૂના ટાઈમ મેગેઝિન દ્વારા ઉત્પાદન શ્રેષ્ઠતા માટે ભારતીય કંપનીઓને સૌપ્રથમ વખત અપાયેલા એવોર્ડ્ઝનું મહત્ત્વ સમજાશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય મેનેજમેન્ટ પેઢી મેકકિન્સે એન્ડ કંપનીના સહયોગ ધરાવતા આ એવોર્ડ વિજેતાઓને અર્પણ કર્યા હતા.
ટાઈમ ઈન્ક.ના એક્ઝીક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ અને ચીફ કન્ટેન્ટ ઓફિસર નોર્મન પર્લસ્ટીને કહ્યું હતું કે, ‘વડા પ્રધાને આંતરરાષ્ટ્રીય વેપાર, વિદેશી ઈન્વેસ્ટમેન્ટને આકર્ષવામાં અને વૈશ્વિક સ્પર્ધામાં સામેલ થઈ નશકે તેવી ભારતીય કંપનીઓના સર્જનમાં ભારે રસ દર્શાવ્યો છે. અમને ‘મેઈડ ઈન ઈન્ડિયા’ સપ્તાહમાં ભાગ લેવાનો આનંદ છે. ટાઈમ્સના ઈતિહાસમાં સૌપ્રથમ વખત અમે આવો એવોર્ડ સ્થાપ્યો છે તે જોગાનુજોગ નથી. ટાઈમના અન્ય કોઈ એવોર્ડ નથી.’ તેમણે ઉમેર્યું હતું કે, ‘સમસ્યાઓ તો રહેશે જ, પરંતુ આ સમસ્યાઓ એક વર્ષમાં સર્જાયેલી નથી અને એક વર્ષમાં તેને ઉકેલી પણ નહિ શકાય. મેઈક ઈન ઈન્ડિયા એક પ્રેરણા છે, જે સ્પષ્ટ કરે છે કે ભારત મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.’
૨૦૦ મલ્ટિનેશનલ્સ સહિત ૩,૦૦૦ કંપનીઓની યાદીમાંથી વિજેતાઓની પસંદગી કરાઈ હતી. પ્રથમ તબક્કામાં ઉત્પાદકીય શ્રેષ્ઠતા માટે ૧૫૦ કંપની શોર્ટલિસ્ટ કરાઈ હતી, જેમાંથી નવ ફાઈનલિસ્ટ પસંદ કરાયા હતા. જાન્યુઆરીમાં સ્વીટ્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં તેની જાહેરાત થઈ હતી. આ કંપનીઓમાં હિન્દુસ્તાન લીવર, શાહી એક્સપોર્ટ્સ લિમિટેડ અને તાતા સ્ટીલને બેસ્ટ ઈન ક્લાસ મેન્યુફેક્ચરિંગ કેટેગરીમાં સ્થાન મળ્યું હતું. મેન્યુફેક્ચરિંગ ઈનોવેટર ઓફ ધ યર કેટેગરીમાં હીરો મોટરકોર્પોરેશન, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને સેમસંગ ઈન્ડિયાને સ્થાન મળ્યું હતું, જ્યારે ટાઈમ ઈન્ડિયા યંગ મેકર ઓફ ધ યર કેટેગરીમાં અજન્ટા ફાર્માના યોગેશ અને રાજેશ અગ્રવાલ, સીએટના અનંત વર્ધન ગોએન્કા અને હેવેલ્સના અનિલ રાય ગુપ્તા બાજી મારી ગયા હતા.
વૈશ્વિક નિર્ણાયકગણમાં રેનોલ્ટ-નિસાનના ચેરમેન અને સીઈઓ કાર્લોસ ઘોસ્ન; ICICIબેન્કના સીઈઓ અને એમડી ચંદા કોચર; જનરલ ઈલેક્ટ્રિકના વાઈસ ચેરમેન જ્હોન રાઈસ; મેકકિન્સે એન્ડ કંપનીના ચેરમેન (એશિયા) કેવિન સ્નીડર; ઈન્ફોસિસ લિમિટેડના સ્થાપક એનઆર નારાયણ મુર્તિ; અને ટાઈમ મેગેઝિનના પર્લસ્ટીન ઉપરાંત, આસિસ્ટન્ટ મેનેજિંગ એડિટર રાણા ફોરુહર હતા.
મેકકિન્સે એન્ડ કંપનીના ડિરેક્ટર રજત ધવને કહ્યું હતું કે,‘મેઈક ઈન ઈન્ડિયા જેવા ઈવેન્ટ્સ ભારત સ્પર્ધામાં હોવાની તથા વૈશ્વિક રોકાણકારો અને મલ્ટિનેશનલ્સે ભારત તરફ ધ્યાન રાખવું પડે તેવી ઘોષણા વૈશ્વિક તખ્તા પર કરશે. તેનાથી ભારતીય ઉત્પાદક સેક્ટરનું પ્રોફાઈલ વિશ્વ સમક્ષ ઊંચુ આવશે. લાંબી યાત્રાનો આરંભ નાના પગલાથી થાય છે અને ભારતના કેસમાં તો આ નિશ્ચિતપણે હરણફાળ છે.’