નવી દિલ્હી: ભારતની જીડીપીએ પહેલી વાર 4 ટ્રિલિયન ડોલરનાં મેજિક આંકડાને પાર કરીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ભારતે હવે વિશ્વમાં ચોથા ક્રમની મજબૂત ઈકોનોમી તરીકે સ્થાન મેળવ્યું છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)નાં આંકડાઓ મુજબ ભારતે 19 નવેમ્બરે આ સિદ્ધિ નોંધાવી હતી. તેણે યુકે અને જર્મનીને પછાડીને જીડીપીનાં સંદર્ભમાં ચોથો ક્રમ મેળવ્યો છે. ભારત 2025 સુધીમાં 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનવાનાં તેનાં લક્ષ્યાંકની વધુ નજીક પહોંચી ગયું છે અને ત્રીજી મોટી ઈકોનોમી બનવા તરફ આગેકૂચ કરી છે. આર્થિક પૂર્વાનુમાન એવી સર્વસંમતિ દર્શાવે છે કે બીજા કવાર્ટરમાં ભારતનો જીડીપી ગ્રોથ રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયા (આરબીઆઇ)નાં અંદાજ મુજબ 6.5 ટકા કરતા વધુ રહેશે.
રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે આશાવાદ વ્યક્ત કર્યો છે કે ભારતની ઈકોનોમી ચાલુ નાણાકીય વર્ષનાં પહેલા 3 મહિનામાં 7.8 ટકાનાં દરે વિકાસ પામી હતી અને ઈકોનોમી વિકાસનાં સંદર્ભમાં હરણફાળ ભરી હતી. જે રીતે દેશમાં આર્થિક પ્રવૃત્તિઓ અને ગતિવિધિઓએ વેગ પકડયો છે તેને ધ્યાનમાં લઈએ તો નવેમ્બરનાં અંતમાં બીજા ક્વાર્ટર માટે જીડીપીનાં જાહેર થનારા આંકડા પ્રોત્સાહક રહેશે. કંપનીઓનાં સપ્ટેમ્બર ક્વાર્ટરનાં જાહેર થયેલા પરિણામોને આધારે ભારતનો વાસ્તવિક જીડીપી ગ્રોથ 6.5 ટકા કરતા વધુ ઊંચો રહી શકે છે.
ભારત હાલ વિશ્વની પાંચમા ક્રમની સૌથી મોટી ઈકોનોમી છે. પહેલા ક્રમે અમેરિકા, બીજા ક્રમે ચીન, ત્રીજા ક્રમે જર્મની અને ચોથા ક્રમે જાપાન છે.
અનોખું સીમાચિહ્ન હાંસલ કર્યું
નાઈટ ફ્રેંક ઈન્ડિયાના નેશનલ ડિરેકટર વિવેક રાઠીએ જણાવ્યું હતું કે ભારતે 4 ટ્રિલિયન ડોલરની જીડીપીનું અનોખું સીમાચિહ્ન હાંસલ કરીને એક આર્થિક શક્તિ તરીકે વિશ્વમાં ઊભરી આવ્યું છે. દેશની આર્થિક વૃદ્ધિ અને વિકાસને કારણે દેશમાં લોકોનું જીવનધોરણ ઊંચું આવ્યું છે અને ગરીબી ઘટાડવાનો માર્ગ ખુલ્યો છે. ભારતનો આર્થિક વિકાસ તેની સ્થિતિસ્થાપકતા તેમજ વચનોનાં પાલનને આભારી છે.
દેશમાં ડિજિટલ સેકટરમાં પરિવર્તનને અપનાવવામાં આવ્યું છે. નાણાકીય તેમજ સમાવેશી આર્થિક વિકાસને મહત્વ આપવામાં આવ્યું છે. આવશ્યક સેવાઓ લોકો સુધી પહોંચાડવામાં આવી છે. વહીવટમાં પારદર્શકતા અપનાવાઈ છે. મહિલા સશક્તિકરણને વેગ આપવામાં આવ્યો છે. આધુનિક ટેકનોલોજીને કારણે આર્થિક વિકાસ શક્ય બન્યો છે.