ભારતની લાઇફલાઇન ભારતીય રેલઃ પેસેન્જર ટ્રાન્સપોર્ટેશનમાં વિશ્વમાં સૌથી મોખરે

Thursday 25th February 2016 03:55 EST
 
 

મુંબઇઃ પ્રવાસીઓ તેમજ માલસામાનના પરિવહનમાં ભારતની લાઇફલાઇન ગણાતી ભારતીય રેલ દેશમાં ૬પ૮૦૮ કિલોમીટરનું નેટવર્ક ધરાવે છે, દરરોજ સરેરાશ ૧૯ હજાર ટ્રેન દોડે છે અને પ્રતિ દિન સરેરાશ ૨.૫ કરોડ મુસાફરો પ્રવાસ કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો, ન્યૂ ઝિલેન્ડની વસ્તી કરતાં ત્રણ ગણા પ્રવાસીઓ રોજ ભારતીય રેલની સેવાનો લાભ લે છે. ભારતીય રેલમાં વર્ષેદહાડે ૪.૭૫ બિલિયન મુસાફરો પ્રવાસ કરે છે. રેલવે નેટવર્કના આધારે મૂલવવામાં આવે તો વિશ્વમાં ચોથા નંબરનું સ્થાન અને પ્રવાસીઓની સંખ્યાના આધારે સરખામણી કરવામાં આવે તો વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવતી ભારતીય રેલવેનું આજે બજેટ રજૂ થઇ રહ્યું છે ત્યારે આ મહાકાય તંત્રની રસપ્રદ બાબતો પર નજર ફેરવવા જેવી છે.
ભારતીય રેલ દરરોજ ૧ર હજાર પેસેન્જર ટ્રેન અને ૭ હજાર ગુડ્ઝ ટ્રેન દોડાવે છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકા, ચીન અને રશિયામાં રેલ નેટવર્ક વિકસાવવામાં સરકારની સાથે ખાનગી કંપનીઓનો ફાળો પણ ખુબ મોટો છે, જ્યારે ભારતમાં એકલા હાથે સરકાર દ્વારા આટલા મોટા નેટવર્કનો પ્રતિ દિન વિકાસ અને સંચાલન કરવામાં આવી રહ્યું છે. રેલવેનાં વિકાસ અંગેની અનેક પરિયોજનાઓમાં મક્કમ પગલે આગળ ધપાવાય રહી છે. જેમાં રેલવેનાં નેટવર્કનું વિસ્તરણ પણ સામેલ થાય છે. વર્ષ ર૦૧૭ સુધીમાં ભારતમાં વધુ ૪૦૦૦ કિલોમીટરનાં નેટવર્કનો ઉમેરો થશે તેવું સૂત્રો જણાવે છે.

ભારત એક માત્ર એવો દેશ જ્યાં રેલવે માટે બજેટ

ભારત એવો એક માત્ર દેશ છે જ્યાં એક મંત્રાલય માટે અલગથી બજેટ રજૂ કરાય છે. રેલવેના માળખાની પુનઃ રચનાના પરિણામે ૯૦ વર્ષ પહેલા રેલવેનું પ્રથમ બજેટ રજૂ કરાયું હતું. ૧૯૨૦ના બ્રિટિશ રાજના સમયમાં રેલવે દેશની બહુ કિંમતી સંપત્તિ ગણાતી હતી. દેશના કુલ બજેટમાં ૭૫ ટકા ફાળવણી માત્ર રેલવેમાં કરાતી હતી. ૧૯૨૦માં વિલિયમ એકવર્થને ઇસ્ટ ઇંડિયા રેલવે કમિટી (હાલની ભારતીય રેલ)ના ચેરમેન તરીકે નિમવામાં આવ્યા હતા. એકવર્થ પોતે સારા અર્થશાસ્ત્રી હતા તેથી રેલવેમાં કેટલાક સુધારા કરવાનું નક્કી કર્યું હતું. વિલિયમ સહિત ૧૦ સભ્યો દ્વારા એકવર્થ કમિટી બનાવવામાં આવી હતી.

એકવર્થ કમિટીએ અભ્યાસના આધારે રેલવે તંત્ર સંદર્ભે કેટલીક ભલામણો સરકારને કરી હતી. આ ભલામણો લાગુ કરતા ભારતીય રેલવેમાં ધરખમ ફેરફાર થયો અને માળખાની પુનર્રચના થઈ. બજેટમાં મોટો ફાળો અને માળખાકીય પરિવર્તનને કારણે અલગથી બજેટ રજૂ કરવાનો મહત્ત્વનો નિર્ણય લેવાયો, જેથી ૧૯૨૪માં દેશનું પ્રથમ રેલ બજેટ રજૂ કરાયું. આ પ્રણાલી હજુ પણ ચાલી રહી છે. જોકે હવે યુનિયન બજેટની સરખામણીએ રેલવે બજેટ માત્ર ૪ ટકા જેટલું જ રજૂ થાય છે. તેથી જ રેલવેને ફરી યુનિયન બજેટમાં સમાવી લેવાની પણ માગ કરવામાં આવે છે.

રેલવે બજેટમાં નાણાકીય હિસાબકિતાબનું વાર્ષિક સરવૈયુ લોકસભાના માધ્યમથી દેશ સમક્ષ રજૂ કરાય છે. આઝાદી બાદ દેશના બંધારણની કલમ ૧૧૨ના નિયમ ૨૦૪ મુજબ દેશમાં બજેટના બે ભાગ પાડી રજૂ કરાય છે. જેમાં પહેલા રેલવે બજેટ અને પછી મુખ્ય બજેટનો સમાવેશ થાય છે. જ્યારે ત્યારબાદના કેન્દ્રીય બજેટમાં રેલવે સિવાયની સમગ્ર દેશની આર્થિક સ્થિતિનું ચિત્ર નાણા પ્રધાન દ્વારા રજૂ કરાય છે.

રેલ બજેટનું ટેલિવિઝન ઉપર પ્રથમ લાઇવ ટેલિકાસ્ટ ૨૪ માર્ચ, ૧૯૯૪માં તત્કાલિન રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવના સમયમાં થયું હતું. યાદવે સૌથી વધુ છ વખત રેલ બજેટ રજૂ કર્યું છે. વર્ષ ૨૦૦૦માં પશ્ચિમ બંગાળના તત્કાલિન મુખ્ય પ્રધાન મમતા બેનરજી પ્રથમ મહિલા રેલવે પ્રધાન બન્યા હતા. જ્યારે વર્ષ ૨૦૧૪માં સદાનંદ ગૌડાએ પ્રથમ વખત બુલેટ ટ્રેનની જાહેરાત કરી હતી.

ભારતીય રેલઃ ઉડતી નજરે
• ન્યૂ દિલ્હી-ભોપાલ શતાબ્દી એક્સપ્રેસ ૧૫૦ કિમીની ઝડપે દોડે છે. જે સૌથી ઝડપી ટ્રેન છે.
• ઉટીની નીલગિરિ મેટ્રુપલિયમ પેસેન્જર ટ્રેન ૧૦ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે. જે સૌથી ધીમી ટ્રેન છે.
• દેશનું સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન લખનૌનું છે. જ્યાં દિવસ દરમિયાન ૬૪ ટ્રેનની અવરજવર થાય છે. જોકે, મુંબઈની લોકલ ટ્રેનો તેને સમકક્ષ આવે છે.
• ભારતની સૌથી લાંબા રૂટની ટ્રેન વિવેક એક્સપ્રેસ અસમના દીબ્રુગઢથી કન્યાકુમારી વચ્ચે દોડે છે. જે ટ્રેન ૮૩ કલાકમાં ૩૭૧૫ કિમીનું અંતર કાપે છે.
• નાગપુરથી અંજીની વચ્ચેનો ૨.૮ કિમીનો સૌથી ટૂંકો રૂટ છે. સૌથી લાંબી નોન-સ્ટોપ ટ્રેન ત્રિવેન્દ્રમ રાજધાની ૬.૫ કલાકમાં ૩૨૮ કિમીનું અંતર કાપે છે.
• જ્યારે સૌથી ટૂંકું નામ ઓરિસાનું ‘ઇબ’ રેલવે સ્ટેશન ધરાવે છે. જ્યારે તામિલનાડુના ‘વેંકટનરસિમ્હારાજુવરીપેટા’ સ્ટેશન સૌથી લાંબુ નામ ધરાવે છે.
• હાવડા-અમૃતસર એક્સપ્રેસ બંને સ્ટેશન વચ્ચે સૌથી વધારે ૧૧૫ સ્ટોપેજ ધરાવે છે.

ભારતીય રેલઃ અમેઝિંગ ફેક્ટસ

• રેલવે દ્વારા જમ્મુ-કાશમીરમાં ચેનાબ નદી પર વિશ્નો સૌથી ઊંચો બ્રિજ બાંધવામાં આવ્યો છે, જેની ઊંચાઈ કુતૂબમિનાર કરતા પાંચ ગણી અને એફિલ ટાવરની સમકક્ષ છે.
• રેલવેનાં ટ્રેનચાલક (લોકો પાઇલટ)ને સોફ્ટવેર એન્જિનિયર કરતાં પણ વધુ એટલે કે સરેરાશ માસિક એક લાખ જેવો ઊંચો પગાર મળે છે.
• રેલવેના ઇતિહાસમાં લોકો પાઇલટે અકસ્માત કે કોઈ પણ સંજોગોમાં ટ્રેનનું સ્ટિયરિંગ છોડ્યું હોઈ તેવી ઘટના બની નથી.
• ભારતીય રેલની ઓફિશિયલ વેબસાઇટ દર મિનિટે સરેરાશ ૧૨ લાખ લોકો સર્ફ કરે છે. જે જાણીતી વેબસાઇટનાં યુઝર્સની વાર્ષિક સંખ્યા બરોબરી કરે છે.
• ભારતીય રેલમાં દરરોજ સરેરાશ ૨.૫ કરોડ લોકો મુસાફરી કરે છે. જે સંખ્યા ન્યૂ ઝિલેન્ડ કે ઓસ્ટ્રેલિયાની કુલ વસતી કરતાં પણ વધુ છે.
• પૃથ્વીની ચંદ્રના સાડા ત્રણ ચક્કર લાગે તેટલું અંતર ભારતીય રેલવે દરરોજ ૧૪,૦૦૦ ટ્રેન દ્વારા કાપવામાં આવે છે.
• વિશ્વનો સૌથી મોટું રૂટ રિલે લોકિંગ સિસ્ટમ ધરાવતું સ્ટેશન દિલ્હી ગિનેસ બુકમાં પણ સ્થાન ધરાવે છે.
• ૧૮૫૫માં બનાવવામાં આવેલું લોકોમોટિવ ‘ફેરી ક્વીન’ હાલ પણ કાર્યરત છે, જેનું આયુષ્ય ૧૬૦ વર્ષ પર પહોંચ્યું છે.
• ભારતીય રેલવેનાં ૭ હજારથી વધુ સ્ટેશન પરથી ૧૧ હજાર જેટલી ટ્રેન રોજ ૬૩,૦૨૮ કિમીના નેટવર્ક પર દોડતી રહે છે.
• પ્રથમ ટ્રેન ૧૮૫૩માં ૧૬મી એપ્રિલના રોજ બોમ્બે અને થાણે વચ્ચે શરૂ થઈ હતી.
• પ્રથમ પેસેન્જર ટ્રેન ૧૫મી ઓગસ્ટ, ૧૮૫૪ના રોજ હાવરાથી હુગલી વચ્ચે શરૂ થઈ હતી.
• પ્રથમ રેલવે બ્રિજ ડેપો વાઇડકટ મુંબઈ થાણે માર્ગ પર બન્યો હતો.
• પ્રથમ રેલવે ટર્નલ પારસિક ટર્નલ હતી.
• પ્રથમ ઘાટ પાળ અને ભોર ઘાટ પર બનાવાયો હતો.
• પ્રથમ અંડરગ્રાઉન્ડ રેલવે કોલકતા મેટ્રો બનાવાઈ હતી.
• પ્રથમ કમ્પ્યુટરાઇઝ્ડ રિઝર્વેશન સિસ્ટમ ૧૯૮૬માં નવી દિલ્હી ખાતે શરૂ કરાઈ હતી.
• પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેન ૩જી ફેબ્રુઆરી, ૧૯૨૫માં બોમ્બે વીટી અને કુર્લા સ્ટેશન વચ્ચે શરૂ કરાઈ હતી.
• પહાડી રસ્તા પર ૯૬ કિમીની ખતરનાક સફર કરતી ભારતીય રેલવેની ટ્રેને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે.
• જુલાઈ ૧૯૮૬માં ભારતીય રેલ મંત્રાલય દ્વારા મુસાફરોને તેમજ અન્યોને રેલવેની માહિતી પૂરી પાડવા માટે સીઆઈઆરએસની સ્થાપના કરાઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter