વિશ્વનો કોઇ પણ દેશ હોય બંધારણ હંમેશા સર્વોચ્ચ સ્થાને હોય છે. આ બંધારણ અંતર્ગત જ સમગ્ર દેશમાં કાયદો અને વ્યવસ્થા સંબંધિત બાબતોનું સંચાલન કરવામાં આવતું હોય છે. મોદી સરકારે ગત વર્ષ ૨૦૧૫થી ૨૬ નવેમ્બરના દિવસને સંવિધાન દિવસનાં રૂપમાં મનાવવાનું શરૂ કર્યું હતું. આ જાહેરાત કરતા તેમણે કહ્યું હતું કે સમાજમાં સંવિધાન પર ચર્ચા જરૂરી છે. આથી કારણે સંવિધાન અંગે લોકોમાં જાગૃતિ વધશે.
ભારતીય સંવિધાનઃ જાણવા જેવું
• ભારતના બંધારણને ઘડવામાં ૨ વર્ષ ૨૨ મહિના અને ૧૮ દિવસ લાગ્યા હતા.
• સંવિધાનનો મુસદ્દો તૈયાર કરવા માટે ૭૬૩૫માંથી ૨૪૭૩ સુધારા પર ચર્ચા કરવામાં આવી હતી.
• આ સમયમાં સંવિધાન સભાનાં સભ્યોએ દેશનાં સર્વોચ્ચ કાયદાને આખરી ઓપ આપવા ૧૬૬ બેઠકો કરી હતી.
• આટલા મોટા દેશનું બંધારણ હિન્દી અને અંગ્રેજીમાં હાથથી લખવામાં આવ્યું હતું. તેની મૂળ નકલ સંસદની લાયબ્રેરીમાં આજે પણ સચવાયેલી છે.
• આ લેખનકાર્ય પ્રેમબિહારી નારાયણ રાયજાદાએ કર્યું હતું.
• ભારતનું બંધારણ કોઈ પણ સાર્વભૌમ દેશનું સૌથી મોટું લખેલું બંધારણ છે.
• સ્વતંત્ર ભારતનાં પહેલા કાયદા પ્રધાન બી. આર. આંબેડકરને બંધારણનાં મુખ્ય ઘડવૈયા ગણવામાં આવે છે.
• ૬૭ વર્ષ પહેલાં ૧૯૪૯માં ૨૬ નવેમ્બરનાં રોજ દેશનું બંધારણ રચાઈને તૈયાર થયું હતું.
• ત્યારથી આજ સુધીમાં બંધારણમાં ૧૦૧ સુધારા કરવામાં આવ્યા છે.
• બંધારણ સભામાં પાસ થયા પછી તેની ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦થી અમલ કરવામાં આવ્યો હતો.
• બંધારણ અમલી બન્યા પહેલાં ભારતની શાસનવ્યવસ્થા અનેક અધિનિયમો હેઠળ ચાલતી હતી.
ભારતીય બંધારણઃ આંકડાઓમાં
• ૧૨ અનુસૂચિ • ૪૬૫ આર્ટિકલ • ૨૫ પાર્ટ
૧૦૧ સુધારા (છેલ્લો સુધારો GST ખરડાવાળો)
જ્યારે બંધારણ લાગુ થયું ત્યારે તેમાં ૨૨ પાર્ટ, ૮ અનુસૂચિ અને ૩૬૫ આર્ટિકલ્સ હતા. બંધારણ અમલી બન્યા પછી ૧૯૫૧થી તેમાં લગભગ ૨૦ અનુચ્છેદ, એક પાર્ટ (સાતમો) હટાવવામાં આવ્યા હતા. જ્યારે ૮૫ નવા અનુચ્છેદ, ૪ પાર્ટ અને ૪ અનુસૂચિ ઉમેરવામાં આવ્યા છે.
ભારતીય બંધારણઃ ક્યા દેશની કઇ જોગવાઇને સ્થાન
ભારતના સંવિધાનમાં કેટલાક દેશોના બંધારણ અને મહત્ત્વનાં કાયદાઓને સામલ કરવામાં આવ્યા છે. આ દેશોના બંધારણની ખાસ વાતો ઉપરાંત સુપ્રીમ કોર્ટનાં મોડલની કેટલીક જોગવાઈઓને પણ સામેલ કરવામાં આવેલ છે. આપણા બંધારણમાં આ દેશોનાં બંધારણની ઝલક પણ જોવા મળે છે.
• બ્રિટન એક નાગરિકતા અને સરકારનું સંસદીય સ્વરૂપ
• અમેરિકા સંઘીય વ્યવસ્થા અને મૌલિક અધિકાર
• ઓસ્ટ્રેલિયા દેશ અને રાજ્યો વચ્ચે વેપારની સ્વતંત્રતા
• ફ્રાન્સ સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ જેવા આદર્શ
• કેનેડા સરકારની અર્ધસંઘીય સિસ્ટમ, કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની વહેંચણી
• જર્મની (વીમર સંવિધાન) આકસ્મિક જોગવાઈઓ
• દક્ષિણ આફ્રિકા સંવિધાનમાં સુધારાની જોગવાઈ
• જાપાન કાયદાની યોગ્ય પ્રક્રિયાનો સિદ્ધાંત (સુપ્રીમ કોર્ટનું મોડેલ)
ભારતીય બંધારણ તારીખોમાં
• સંવિધાન સભાનાં સભ્યો પહેલી વાર ૯ ડિસેમ્બર, ૧૯૪૬માં મળ્યા હતા.
• ૨૯ ઓગસ્ટ, ૧૯૪૭માં ડો. આંબેડકરનાં નેતૃત્વમાં સંવિધાનની ડ્રાફ્ટ કમિટી રચવામાં આવી હતી.
• ૨૬ નવેમ્બર ૧૯૪૯નાં રોજ દેશનું સંવિધાન તૈયાર થઈ ગયું હતું. તે તારીખે જ સંવિધાન સભાએ આ મુસદ્દાનો સ્વીકાર કર્યો હતો.
• ૨૪ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ સંવિધાન સભાનાં ૨૮૪ સભ્યોએ તેનાં પર હસ્તાક્ષર કર્યાં હતા અને તેને લાગુ કરવા મંજૂરી આપી હતી.
• ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના જો દેશનું સંવિધાન અમલી બનાવવામાં આવ્યું હતું. દર વર્ષે આ તારીખે આપણે પ્રજાસત્તાક દિવસ મનાવીએ છીએ.