ભારતનું મ્યાન્મારમાં કમાન્ડો ઓપરેશન

પાકિસ્તાનના પેટમાં ફાળ પડી છે

Wednesday 17th June 2015 05:58 EDT
 
 

નવી દિલ્હીઃ ઇંડિયન આર્મીએ પૂર્વોત્તર ભારતમાં સક્રિય આતંકવાદી જૂથોના સફાયા માટે કમાન્ડો ઓપરેશન મણિપુર-મ્યાન્માર સરહદી ક્ષેત્રમાં હાથ ધર્યું હતું, પણ આના પડઘા પડોશી દેશ પાકિસ્તાનમાં પડ્યા છે. ભારતીય કમાન્ડોએ ગયા સપ્તાહે અભૂતપૂર્વ લશ્કરી કાર્યવાહી દરમિયાન મ્યાન્મારની સરહદમાં પ્રવેશીને ઇશાન ભારતમાં કાર્યરત આતંકવાદીઓ અને તેમના બે કેમ્પનો સફાયો કરી નાખ્યો હતો.
ઇશાન ભારતના આતંકવાદી જૂથો માટેનું આશ્રયસ્થાન ગણાતા મ્યાન્મારમાં ભારત સરકારે પાર પાડેલા આ ઓપરેશનની વિશ્વભરમાં નોંધ લેવાઇ છે. ખાસ કરીને, આતંકવાદને પોષવા માટે બદનામ પડોશી દેશ પાકિસ્તાને ભારતના આ પગલાં સામે આકરા પ્રત્યાઘાત આપ્યા છે.
પાકિસ્તાને ભારતની લશ્કરી કાર્યવાહીને વખોડતો ઠરાવ સંસદમાં પસાર કર્યો છે. સાથોસાથ ચીમકી પણ ઉચ્ચારી છે કે ભારતે પાકિસ્તાનને મ્યાન્માર સમજવાની ભૂલ કરવી જોઇએ નહીં. પાકિસ્તાન આવી કોઇ પણ કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપવા માટે સક્ષમ છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય જવાનોના હુમલામાં ઠાર મરાયેલા આતંકવાદી તાજેતરમાં મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં લશ્કરી કાફલા પર થયેલા હુમલામાં સંડોવાયેલા હતા. આ આતંકી હુમલામાં ૧૮ ભારતીય જવાનો શહીદ થયા હતા. જ્યારે અનેકને ગંભીર ઇજા થઇ હતી.
હુમલાખોર આતંકવાદીઓ નાસીને મ્યાન્મારના જંગલમાં છુપાયા હતા. ભારત સરકારે યુદ્ધના ધોરણે કાર્યવાહી હાથ ધરી હતી અને હુમલાના ગણતરીના દિવસોમાં જ આતંકવાદીઓ સામે લશ્કરી કાર્યવાહી હાથ ધરી હતી.
આંતરરાષ્ટ્રીય સુરક્ષા નિષ્ણાતો માને છે કે આતંકવાદી હુમલા સામે ભારતે જે ઝડપથી વળતી કાર્યવાહી હાથ ધરી છે તે દર્શાવે છે કે આવા કૃત્યો સામે હવે તેનું વલણ બદલાઇ રહ્યું છે. આ કાર્યવાહીથી સંકેત મળે છે કે ભારત આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. મ્યાન્મારમાં થયેલી લશ્કરી કાર્યવાહીને નિષ્ણાતો પાકિસ્તાન માટે પણ ચેતવણીરૂપ ગણાવે છે.
પાકિસ્તાનની ધરતી પરથી ભારતવિરોધી આતંકી ષડયંત્રો ઘડાતા અને પોષાતા રહ્યા છે તે જગજાહેર છે. કદાચ આ જ શક્યતાએ પાકિસ્તાનને ભારત સામે આક્રમક પ્રતિક્રિયા આપવા ઉશ્કેર્યું છે.
પાકિસ્તાનના રાજનેતાઓએ ભારતના પગલાની ટીકા કરી છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રમુખ પરવેઝ મુશરર્ફે જલદ પ્રતિભાવ આપતા કહ્યું હતું કે અમે બંગડી નથી પહેરી, અમે અણુશક્તિ ધરાવીએ છીએ તે ભૂલવું જોઇએ નહીં. ભારતને ઇસ્લામાબાદ વિશે કોઈ ગેરસમજ ન હોવી જોઈએ. ભારત જો પાકિસ્તાનમાં આવી કોઈ પણ કાર્યવાહી કરવાનું સાહસ કરશે તો કારગિલ જેવો જવાબ મળશે. જ્યારથી નરેન્દ્ર મોદીએ ભારતનું સુકાન સંભાળ્યું છે ત્યારથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ વણસ્યા છે. ભારતનું વલણ બદલાઈ ગયું છે.
બીજી તરફ, ભારતના સંરક્ષણ પ્રધાન મનોહર પાર્રિકરે પાકિસ્તાનની પ્રતિક્રિયાના જવાબમાં કહ્યું છે કે જેઓ (ભારતથી) ડરી રહ્યા છે તેઓ જ પ્રતિભાવ આપી રહ્યા છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે છેડાયેલા આ શાબ્દિક યુદ્ધની નોંધ લેતા અમેરિકાએ પણ નિવેદન કર્યું છે કે ભારત અને પાકિસ્તાને શાંતિ અને સંયમનો માહોલ જાળવવો જોઇએ.
પાકિસ્તાન ગભરાયું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મ્યાનમારમાં ઓપરેશન કરવા માટે દાખવેલા હિંમતભર્યા વલણથી પાકિસ્તાન ગભરાયું છે. તેણે ગયા ગુરુવારે એક ઠરાવ પસાર કરીને વડા પ્રધાન મોદીએ બાંગ્લાદેશમાં પાકિસ્તાન વિરુદ્ધ કરેલી ટિપ્પણી અને હાલમાં ભારતીય રાજનેતા દ્વારા અપાતા નિવેદનોને વખોડ્યા છે. પાકિસ્તાની સંસદમાં રજૂ થયેલા આ ઠરાવમાં ભારતીય રાજનેતાઓનાં નિવેદનને ઉશ્કેરણીજનક અને શત્રુતાપૂર્ણ ગણાવાયાં હતાં.
ગૃહના નેતા રાજા ઝફર-ઉલ-હક દ્વારા રજૂ થયેલા ઠરાવમાં જણાવાયું હતું કે, ભારતના અપરિપક્વ પ્રયત્નો તદ્દન અસ્વીકાર્ય છે અને પાકિસ્તાન આધિપત્ય સ્થાપવાની વિચારસરણીને ફગાવે છે. પાકિસ્તાન કોઈ પણ ભોગે ભારતને પોતાની સરહદોનું ઉલ્લંઘન કરવાની અનુમતિ આપતો નથી.
ઉલ્લેખનીય છે કે, મ્યાનમાર ઓપરેશનની સફળતા બાદ ભારતના રાજ્યપ્રધાન રાજ્યવર્ધન સિંહ રાઠોડે પાકિસ્તાનમાં પણ આવાં ઓપરેશન થવાની ચીમકી ઉચ્ચારી હતી, જેનાથી ફફડેલા પાકિસ્તાનમાંથી પ્રતિક્રિયાઓનો ધોધ વહેવો શરૂ થયો હતો.
‘ડરેલાં લોકો પ્રતિક્રિયા આપે છે’
મ્યાનમારમાં ભારતીય સેનાનાં સફળ ઓપરેશન અંગે ગયા બુધવારે પાકિસ્તાને ટિપ્પણી કર્યા બાદ સંરક્ષણ પ્રધાન પાર્રિકરે જણાવ્યું હતું કે, જેઓ ભારતનાં નવાં વલણથી ડરી ગયા છે, તેમણે પ્રતિક્રિયાઓ આપવાની શરૂ કરી છે. જોકે સંરક્ષણ પ્રધાને તેમનાં નિવેદનમાં પાકિસ્તાનનો સીધો ઉલ્લેખ કરવાનું ટાળ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, 'વિચારવાની દિશા બદલાય છે ત્યારે ઘણીબધી ચીજોમાં ફેરફાર થાય છે. તમે ૨-૩ દિવસોમાં આ જોયું, ઉગ્રવાદીઓ વિરુદ્ધ એક સામાન્ય કાર્યવાહીએ દેશની સંપૂર્ણ સુરક્ષા પરિદૃશ્ય અંગેની વિચારસરણી બદલી નાખી.' જોકે તેમણે અભિયાનની વધુ વિગતો આપવા ઇન્કાર કર્યો હતો.
સફળ કમાન્ડો ઓપરેશન
ઇંડિયન આર્મી દ્વારા ગયા મંગળવારે વહેલી પરોઢે મ્યાન્મારમાં કરાયેલી કાર્યવાહીમાં ૧૦૦થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હોવાનું મનાય છે. અહેવાલ મુજબ, ૪૫ મિનિટ ચાલેલું આ ઓપરેશન એટલું સફળ રહ્યું હતું કે આતંકવાદીઓને બંદૂક ઉપાડવાનો પણ મોકો મળ્યો નહોતો. આ ઓપરેશનને અંજામ આપીને કોઈ પણ નુકસાન વગર ભારતીય જવાનો સ્વદેશ પરત આવી ગયા હતા.
બીજી તરફ, મ્યાનમારે બુધવારે આ ઘટના અંગે ભારતના દાવાને રદિયો આપતા કહ્યું હતું કે ઇંડિયન આર્મીએ મ્યાન્મારની સરહદમાં પ્રવેશીને આતંકવાદવિરોધી કોઇ કાર્યવાહી હાથ ધરી નથી. ભારતીય જવાનોએ પોતાના દેશની સરહદમાં સક્રિય આતંકવાદીઓ સામે આ ઓપરેશન કર્યું હતું. રાષ્ટ્રપતિ કચેરીએ ફેસબુક પર આ નિવેદનમાં એવું પણ જણાવાયું હતું કે મ્યાન્મારે ક્યારેય આતંકવાદી તત્વોને આશરો આપ્યો નથી.
અહેવાલ અનુસાર, મ્યાનમારની સરહદમાં ઘૂસીને ભારતીય સેના દ્વારા ઉગ્રવાદીઓ વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીની તૈયારી પાંચ દિવસ પહેલાં કરાઇ હતી. ઓપરેશન માટે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજિત ડોભાલે વડા પ્રધાન મોદી સાથે બાંગ્લાદેશ જવાનો કાર્યક્રમ રદ કરી નાખ્યો હતો, જ્યારે આર્મીના વડા દલબીર સિંહ સુહાગે પણ બ્રિટનનો પૂર્વનિર્ધારિત પ્રવાસ રદ કર્યો હતો.
ઓપરેશન મહત્ત્વની ગુપ્ત સૂચનાઓને આધારે સંપૂર્ણ સફળ રહ્યું હતું. એક અંદાજ મુજબ આ બંને કેમ્પમાં ૧૫૦ જેટલા ઉગ્રવાદીઓ હતા. બંને કેમ્પોને નષ્ટ કરાયા છે. ઉલ્લેખનીય છે કે ચોથી જૂનના રોજ મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં ઉગ્રવાદીઓએ કરેલા હુમલામાં ૧૮ જવાનો શહીદ થતાં ભારતે કાર્યવાહી કરી હતી.
કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન કિરણ રિજીજુના મતે, આ લશ્કરી ઓપરેશન દેશહિત માટે જરૂરી હતું. તો એક અન્ય કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરના મતે મુજબ, આ ઓપરેશન આતંકીઓ માટે સબક છે.
ઓપરેશન ઓલઆઉટ
‘ઓપરેશન ઓલઆઉટ’ નામના આ ઓપરેશનમાં પેરા કમાન્ડોની બે ટીમ એરફોર્સના ચોપર્સની મદદથી ઉગ્રવાદીઓનાં ઠેકાણાની નજીક, આંતરરાષ્ટ્રીય સરહદથી પાંચ કિલોમીટર અંદર, પહોંચી ગઇ હતી. ડ્રોન્સની મદદથી આતંકવાદીઓના ઠેકાણાં વિશે માહિતી એકઠી કરી હતી. મંગળવારે વહેલી પરોઢે ત્રણ વાગ્યે શરૂ થયેલું આ ઓપરેશન ફક્ત ૪૫ મિનિટ ચાલ્યું હતું, જેમાં ૧૦૦થી વધુ ઉગ્રવાદીઓ ઠાર કરાયા હતા.
આ સમગ્ર ઓપરેશનમાં મ્યાનમાર સેનાનો ફક્ત લોજિસ્ટિક્સ સપોર્ટ લેવાયો હતો. ભારતીય સેનાએ ૧૯૯૦માં મ્યાનમાર સરકાર સાથે આ પ્રકારનાં ઓપરેશન માટે કરેલી સંધિ અંતર્ગત જ આ કાર્યવાહીને અંજામ આપવામાં આવ્યો હતો.
ઉગ્રવાદને મદદ નહીં: ચીન
ચીનની સેના પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)એ એક નિવેદનમાં ભારતનાં પૂર્વોત્તર રાજ્યોમાં ઉગ્રવાદીઓને મદદ કરી રહ્યા હોવાના ભારતના આરોપો નકારી કાઢયા છે. ચીની અધિકારીઓએ જણાવ્યું હતું કે પીપલ્સ લિબરેશન આર્મીના અધિકારીઓ આતંકવાદી સંગઠન નેશનાલિસ્ટ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ-ખાપલાંગના નેતાઓ સાથે સંપર્કમાં હોવાના દાવા પાયાવિહોણા છે.
ભારતનો આરોપ છે કે, મણિપુરમાં થયેલા હુમલા માટે જવાબદાર એનએસસીએન-કેના આતંકીઓ પીએલએના નિર્દેશોનું પાલન કરી ભારત સાથેની યુદ્ધવિરામની સંધિ તોડી રહ્યા છે.
ટ્વિટર પર ઉજવણી
ભારતીય સેનાની સફળતાને પગલે સોશિયલ નેટર્વિંકગ સાઇટ ટ્વિટર પર બુધવારે જાણે ઉજવણીનો માહોલ સર્જાયો હતો. સરકાર અને સેનાનાં વખાણ કરતી ટ્વિટસનું ઘોડાપૂર આવ્યું હતું. #INDIANARMYROCKS ટોપ ટ્રેન્ડ્સમાં આવી ગયું હતું. સૂચના અને પ્રસારણ રાજ્યપ્રધાન રાજ્યવર્ધન સિંહ રાઠોડે આ અંગે ટ્વિટ કર્યું હતું, તેમણે તો #56inchRocks હેશટેગનો ઉપયોગ કરી
વડા પ્રધાન મોદીનાં વખાણ કર્યાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter