નવી દિલ્હી: દેશના ફાઇનાન્સિયલ હબ મુંબઈમાં એક તરફ ઉદ્ધવ ઠાકરે સરકાર પર સંકટના વાદળો મંડરાયા છે ત્યારે બીજી તરફ કેન્દ્રીય એજન્સી સીબીઆઇએ પણ આર્થિક ગોટાળા સામે મોટો મોરચો માંડ્યો છે. સીબીઆઇએ 22 જૂને દીવાન હાઉસિંગ ફાઇનાન્સ (DHFL) સાથે સંકળાયેલા રૂ. 34,615 કરોડના ગોટાળામાં મુંબઈમાં એકસાથે 15 સ્થાનો પર દરોડા પાડીને તપાસ શરૂ કરી છે.
આ મામલો દેશનો સૌથી મોટા બેંક ગોટાળાનો છે. આ અગાઉ સૌથી મોટો મામલો ABG શિપયાર્ડનો હતો જેમાં સીબીઆઇએ રૂ. 23,000 કરોડની બેન્ક છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો. પીએનબી બેન્ક કૌભાંડ પણ રૂ. 14,000 કરોડનું હતું, જેમાં નીરવ મોદી અને મેહુલ ચોક્સી આરોપીઓ છે અને બન્ને દેશની બહાર ભાગી ગયા છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર વાધવાન બંધુઓ સહિતના પ્રમોટર્સના સ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા હતાં. સીબીઆઇએ આ કેસમાં કપિલ અને ધીરજ વાધવાન સામે કેસ પણ દાખલ કર્યો છે અને તેમના ઉપર બેન્ક સાથે છેતરપિંડી કરવાનો આરોપ મૂક્યો છે. નોંધનીય છે કે વાધવાન બંધુઓએ ડીએચએફએલની સ્થાપના કરી હતી. કેન્દ્રીય તપાસ એજન્સીએ કપિલ વાધવાન અને ધીરજ વાધવાન સામે યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાના નેતૃત્વ હેઠળની 17 બેન્કોના સમૂહ સાથે રૂ. 34,615 કરોડની છેતરપિંડી કરવાનો નવો કેસ દાખલ કર્યો છે.
અધિકારીઓ સાથે મળી હેરાફેરી
ચાર સપ્તાહ અગાઉ સીબીઆઇએ કપિલ અને ધીરજ વાધવાનને મુંબઈમાંથી પકડી લીધા હતાં. આ કેસ ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન લિમિટેડ (UPPCL)ના કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડના રૂ. 2,631.20 કરોડ ગેરકાયદેસર રીતે રોકાણ કરાવવા માટે કંપનીના અધિકારીઓ સાથે મળીને હેરાફેરી કરવાનો છે. આ અગાઉ DHFLના પ્રમોટર કપિલ વાધવાનની યસ બેન્કના રૂ. 5,050 કરોડના ગોટાળાના કેસમાં બે વર્ષ અગાઉ મે 2020માં ઈડી દ્વારા ધરપકડ કરાઇ હતી. આ કેસમાં વાધવાનને દિલ્હી હાઇ કોર્ટે જામીન આપ્યા છે.
રિઅલ એસ્ટેટ કંપનીઓ દ્વારા નાણાં ડાયવર્ટ કર્યા
DHFLએ કથિત રીતે 14,683 કરોડ રૂપિયા 9 રિઅલ એસ્ટેટ કંપનીઓ દ્વારા ડાયવર્ટ કર્યા હતા. આ 9 રિઅલ એસ્ટેટ કંપનીઓનું સંચાલન તત્કાલીન ચેરમેન કમ એમડી કપિલ વાધવાન, ડાયરેક્ટર ધીરજ વાધવાન અને બિઝનેસમેન સુધાકર શેટ્ટી દ્વારા કરાતું હતું તેમ સીબીઆઈએ આરોપ મૂક્યો છે.
9 રિયલ એસ્ટેટ કંપનીઓ પૈકી પાંચ શેટ્ટીના સહારા ગ્રૂપ અને અન્ય ચાર કંપનીઓ DHFLના 34,615 કરોડ રૂપિયાના કૌભાંડની તપાસ દરમિયાન સીબીઆઈની રડારમાં આવી હતી. યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ આરોપ મૂક્યો હતો કે એમરેલિસ, રિઅલ્ટર્સ, ગુલમર્ગ રિઅલ્ટર્સ અને સ્કાયલાર્ક બિલ્ડકોને 98.33 કરોડ રૂપિયા ચૂકવ્યા નથી. દર્શન ડેવલપર્સ અને સિગ્તિઆ કન્સ્ટ્રક્શનને રૂ. 3970 કરોડ રૂપિયા ચૂકવ્યા ન હતા. આ તમામ પાંચ કપંનીઓ સહારા ગ્રૂપ સાથે સંકળાયેલી હતી. ફરિયાદમાં વધુમાં આરોપ મૂકાયો હતો કેદર્શન ડેવલપર્સ અને સિગ્તિઆનો કન્ટ્રક્શન અંકુશ વાધવાન બંધુઓના હાથમાં હતો.