ભારતનો અંતરીક્ષમાં હનુમાનકૂદકોઃ એક સાથે ૧૦૪ સેટેલાઇટ લોન્ચ

Thursday 16th February 2017 04:18 EST
 
 

શ્રીહરિકોટાઃ ભારતે એક સાથે ૧૦૪ સેટેલાઇટ લોન્ચ કરીને અંતરિક્ષ-વિજ્ઞાન ક્ષેત્રે હનુમાનકૂદકો માર્યો છે. ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (‘ઇસરો’)એ પીએસએલવી-સી-૩૭ રોકેટના માધ્યમથી આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. એક સાથે સૌથી વધુ સેટેલાઇટ લોન્ચ કરવાનો વિશ્વવિક્રમ અત્યાર સુધી રશિયાના નામે હતો. તેણે એક સાથે ૩૭ સેટેલાઇટ લોન્ચ કર્યા હતા. ‘ઇસરો’એ આ પૂર્વે જૂન ૨૦૧૫માં એક સાથે ૨૩ ઉપગ્રહ સફળતાપૂર્વક લોન્ચ કર્યા હતા.
આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં આવેલા સતીષ ધવન સ્પેસ સેન્ટર પરથી ૧૫ ફેબ્રુઆરીએ સવારે પીએસએલવી-સી-૩૭એ ૧૦૪ સેટેલાઇટ્સ સાથે ૩૯મી ઉડાન ભરી હતી. ટેઇક-ઓફ્ફની ૧૭ મિનિટે રોકેટે સેટેલાઇટ્સને એક પછી એક પૃથ્વીની પરિભ્રમણ કક્ષામાં મૂકવાની કામગીરી શરૂ કરી દીધી હતી. અંતરિક્ષમાં તરતા મૂકાયેલા ૧૦૪ ઉપગ્રહ પૈકી ૧૦૧ સેટેલાઇટ્સ તો અન્ય છ દેશોના હતા. જેમાં અમેરિકાના ૯૬ તેમજ ઇઝરાયલ, યુનાઇટેડ આરબ અમિરાત, નેધરલેન્ડ, સ્વિત્ઝર્લેન્ડ તેમજ કઝાખસ્તાનના એક-એક સેટેલાઇટનો સમાવેશ થાય છે.
પીએસએલવીએ સૌપ્રથમ પોતાના મુખ્ય પેલોડ સમાન ભારતમાં સ્વદેશી ધોરણે તૈયાર થયેલા કાર્ટોસેટ-૨ શ્રેણીના ઉપગ્રહને કક્ષામાં તરતો મૂક્યો હતો. આ ઉપગ્રહ પૃથ્વી નિરીક્ષણ માટેનો ઉપગ્રહ છે. પછી ‘ઇસરો’ દ્વારા જ તૈયાર થયેલા બે નેનો સેટેલાઇટ આઇએનએસ-૧એ અને આઇએનએસ-બી તરતા મૂકાયા હતા. વિદેશોના ૧૦૧ નેનો ઉપગ્રહોનું તો ૧૦ જ મિનિટમાં લોન્ચિંગ થયું હતું.
‘ઇસરો’ના ચેરમેન એ. એસ. કિરણકુમારે ૧૦૪ સેટેલાઇટ્સ એક જ ખેપમાં સફળતાપૂર્વક તરતા મૂકવા બદલ વિજ્ઞાનીઓને અભિનંદન આપ્યાં હતાં. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વિજ્ઞાનીઓને અભિનંદન આપ્યાં હતાં.

ચીનનો પડકાર મોટો!

૧૦૪ ઉપગ્રહોને એક સાથે અવકાશમાં તરતા મૂકીને ‘ઇસરો’એ ઇતિહાસ રચી દીધો છે. અંતરિક્ષમાં ભારતની એ અનેરી સિદ્ધિ છે. ‘ઇસરો’એ વિશ્વને દેખાડી દીધું છે કે ઉપગ્રહ પ્રક્ષેપણના બજારમાં ભારત ખૂબ જ ઝડપથી પોતાનું સ્થાન નક્કર બનાવી રહ્યું છે. જોકે ચીન ભારતને પડકાર આપી શકે એમ છે. બુધવારે ૧૦૧ વિદેશી ઉપગ્રહોના સફળ લોન્ચ સાથે ‘ઇસરો’એ અત્યાર સુધીમાં કુલ ૧૮૦ વિદેશી ઉપગ્રહો અંતરિક્ષમાં તરતા મૂક્યા છે.
અંતરિક્ષ બજારમાં ભારતનો મોટો પ્લસ પોઇન્ટ એ છે કે સેટેલાઇટને લોન્ચ કરવામાં આવતો ખર્ચ બહુ ઓછો છે. ચીન આ મામલે પણ ભારતને ટક્કર આપે છે. ભારત અંતરિક્ષમાં ઉપગ્રહોને તરતા મૂકવાના વ્યાપારમાં ચીનને ત્યારે જ ટક્કર આપી શકશે, જ્યારે તે વધુ વજનના ઉપગ્રહો અવકાશમાં તરતા મૂકતું થશે. અંતરિક્ષમાં કોર્મિશયલ લોન્ચિંગના બજારમાં નાના ઉપગ્રહો બહુ ઓછા લોન્ચ કરવામાં આવે છે. મોટા ઉપગ્રહો અવકાશમાં તરતા મૂકવામાં વધુ નાણાં મળે છે.

જો ભારત અને ચીનની અંતરિક્ષ વિજ્ઞાન અંગે સરખામણી કરવામાં આવે તો , ભારત કરતાં ચીન સ્પેસ મિશન પાછળ અઢી ગણો વધુ ખર્ચ કરે છે. આ ઉપરાંત ભારતની સરખામણીએ સેટેલાઈટ લોન્ચ કરવાની ચીનની ક્ષમતા ચાર ગણી વધુ છે. ભારત દર વર્ષે પાંચ ઉપગ્રહ મિશન હાથ ધરી શકે છે. જ્યારે ચીન વર્ષે ૨૦ ઉપગ્રહો લોન્ચ કરવાની ક્ષમતા ધરાવે છે.

‘ઇસરો’ની ભાવિ યોજના

‘ઇસરો’ આવનારા દિવસોમાં સૂર્ય, જ્યુપિટર (ગુરુ) અને વિનસ (શુક્ર) પર પોતાની હાજરી નોંધાવવાની તૈયારીમાં વ્યસ્ત છે. આ ઉપરાંત ચંદ્ર અને મંગળ પર બીજું સ્પેસક્રાફ્ટ રવાના કરવાની યોજના પણ છે.

અંતરિક્ષમાં ભારત...

• કેપ્ટન રાકેશ શર્મા ૩ એપ્રિલ ૧૯૮૪ના રોજ સોયુઝ ટી-૧૧માં અંતરિક્ષમાં પહોંચનારા પહેલા ભારતીય.
• કલ્પના ચાવલા ૧૯૯૭માં સ્પેસ શટલ કોલંબિયામાં અવકાશમાં જનારી પહેલી ભારતીય મહિલા.
• દેશનો પહેલો ઉપગ્રહ આર્યભટ્ટ ૧૯ એપ્રિલ ૧૯૭૫ના રોજ સોવિયત સંઘના રોકેટથી અવકાશમાં તરત મૂક્યો.
• ચંદ્રયાન-૧ દેશનું પહેલું ચંદ્ર મિશન હતું, જે ૨૨ ઓક્ટોબર ૨૦૦૮ના રોજ છોડાયું હતું.
• માર્સ ઓર્બિટર ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૪ના દિવસે મંગળની ભ્રમણકક્ષામાં દાખલ થયું હતું. પહેલા જ પ્રયાસે મંગળના સફળ મિશન પાર પાડનારો ભારત પહેલો દેશ.
• દેશનો પહેલો એક્સપેરિમેન્ટલ જિયો કોમ્યુનિકેશન્સ સેટેલાઈટ એપલ જૂન ૧૯૮૧માં મોકલાયો.
• ‘ઇસરો’એ એપ્રિલ ૨૦૧૦માં ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ પ્રણાલીના ઉપગ્રહોને અંતરિક્ષમાં સ્થાપિત કરવાની યોજના પર કામ શરૂ.

૫૮ વર્ષ પહેલાં પ્રથમ લોન્ચિંગઃ ભારતે પોતાનું પ્રથમ રોકેટ લોન્ચિંગ ૨૧ નવેમ્બર ૧૯૬૩માં હાથ ધર્યું હતું. તેને અમેરિકા પાસેથી ખરીદવામાં આવ્યું હતું. માત્ર લોન્ચિંગક્ષમતા પારખવા તેનો ઉપયોગ થયો હતો.
૫૪ વર્ષ પહેલા પ્રથમ રોકેટઃ ભારતમાં બનેલું પ્રથમ રોકેટ રોહિણી-૭૫ હતું. તેને ૨૦ નવેમ્બર ૧૯૬૭ના રોજ લોન્ચ કર્યું હતું. રોકેટ ટેકનોલોજી તૈયાર કરવાની શક્તિ પારખવા તેનું લોન્ચિંગ થયું હતું.
૪૨ વર્ષ પહેલાં પ્રથમ સેટેલાઈટઃ આર્યભટ્ટ ભારતનો પ્રથમ સેટેલાઈટ હતો. તે ૧૯ એપ્રિલ ૧૯૭૫ના રોજ લોન્ચ થયો હતો. ૩૬૦ કિલોના ઉપગ્રહને આર્યભટ્ટ નામ આપવામાં આવ્યું હતું.
૩૮ વર્ષ પહેલાં પ્રથમ RSSઃ ૭ જૂન ૧૯૭૯ના રોજ ‘ઇસરો’એ પ્રથમ રિમોટ સેન્સિંગ સેટેલાઈટ ભાસ્કર-૧ લોન્ચ કર્યો હતો. તે ઉપગ્રહની મદદથી જંગલ, પ્રાણી અને સમુદ્રની જાણકારી મેળવી શકાતી હતી.
૨૪ વર્ષ પહેલાં પ્રથમ PSLVઃ પોલર સેટેલાઇટ લોન્ચ વિહિકલ ‘ઇસરો’નું પ્રથમ ઓપરેશનલ લોન્ચ વ્હિકલ છે. ૨૦ સપ્ટેમ્બર ૧૯૯૩ના રોજ તેણે પ્રથમ ઉડાન ભરી હતી. જોકે પ્રથમ લોન્ચિંગ નિષ્ફળ રહ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter