ભારતનો નકશો ખોટો દર્શાવનારને સાત વર્ષની જેલ અને રૂ. ૧૦૦ કરોડ સુધીના દંડની જોગવાઈ

Friday 06th May 2016 06:14 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતના નકશાનું ખોટું નિરૂપણ કરનારને મહત્તમ સાત વર્ષની જેલ રૂ. ૧૦૦ કરોડનો દંડ ભરવો પડશે. સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સમાં જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાનમાં અને અરૂણાચલ પ્રદેશને ચીનમાં દર્શાવવાના વધી રહેલા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે.

‘જિઓસ્પાશિયલ ઇન્ફરમેશન રેગ્યુલેશન બિલ ૨૦૧૬’ અનુસાર ભારતની કોઇ પણ ભૌગોલિક માહિતીનું પ્રકાશન, વિતરણ, હસ્તગત કે પ્રચાર કરતા પહેલાં સરકારી ઓથોરિટીની મંજૂરી લેવી પડશે. તાજેતરમાં જ ટ્વિટર પર જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાનના નકશામાં જ્યારે અરૂણાચલ પ્રદેશને ચીનના નકશામાં દર્શાવવામાં આવતા ભારત સરકારે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. જેના પગલે ટ્વિટરને પોતાની ભૂલ સુધારવાની ફરજ પડી હતી.

બિલમાં જણાવ્યા મુજબ કોઇપણ વ્યકિત આંતરરાષ્ટ્રીય સરહદો સહિત ભારતની ખોટી ભૌગોલિક માહિતીને ઇન્ટરનેટ પ્લેટફોર્મ કે ઓનલાઇન સર્વિસ કે પછી કોઇ પણ જાતના ઇલેક્ટ્રોનિક અથવા ભૌતિક માધ્યમમાં પ્રકાશન, વિતરણ કે પ્રચાર કરી શકશે નહીં. જો કોઇ વ્યકિત ખોટી માહિતીનું પ્રસાર કરશે તો તેને રૂ. ૧ કરોડથી લઇને રૂ. ૧૦૦ કરોડનો દંડ અને સાત વર્ષની સજા થશે.

સરકારે સિક્યુરિટી વેટિંગ ઓથોરિટીની રચના કરવાનો પણ પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ ઓથોરિટીમાં સંયુક્ત સચિવ કક્ષાના અધિકારી ઉપરાંત એક ટેકનિકલ નિષ્ણાત અને બીજા રાષ્ટ્રીય સુરક્ષા નિષ્ણાતની નિમણૂક કરવાનું સૂચન કરાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter