નાણાંપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા શુક્રવારે સંસદમાં વર્ષ 2024-25નો આર્થિક સરવે રજૂ કરાયો હતો જેમાં દેશનાં આર્થિક વિકાસનું ફુલગુલાબી ચિત્ર રજૂ કરા હતું. 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટેનો રોડમેપ રજૂ કરાયો હતો. નાણાકીય વર્ષ 2025-26માં એટલે કે 1 એપ્રિલ 2025થી 31 માર્ચ 2026 સુધીમાં ભારતનો GDP ગ્રોથ 6.3 ટકાથી 6.8 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કરાયું હતું. સરવેમાં એવી નોંધ છે કે એપ્રિલથી ડિસેમ્બરમાં રિટેલ મોંઘવારીનો દર 4.9 ટકાનાં દરે સીમિત રાખી શકાયો હતો. બજેટનાં એક દિવસ પહેલા રજૂ કરાતા આર્થિક સરવેમાં દેશની આર્થિક સ્થિતિનું સર્વાંગી ચિત્ર રજૂ કરાયું હતું અને ઈકોનોમીનાં લેખાંજોખાંને સ્થાન અપાયું હતું. ભારતનાં મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંથ નાગેશ્વર અને તેમની ટીમ દ્વારા ઇકોનોમિક સરવે તૈયાર કરાયો હતો. તેમાં આર્થિક સુધારા અને વિકાસનો રોડમેપ રજૂ કરાયો છે.