મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘હર ઘર તિરંગા’ અભિયાનને પ્રચંડ પ્રતિસાદ મળ્યો છે. આ અભિયાનને લીધે લોકલ ફોર વોકલ અને આત્મનિર્ભર ભારતની પહેલને પણ વેગ મળ્યો છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દેશભરમાં આશરે 30 કરોડથી વધુ રાષ્ટ્રધ્વજના વેચાણ દ્વારા કુલ 500 કરોડ રૂપિયાનો કારોબાર થયો છે.
આ પહેલ સાથે જ તિરંગા પ્રત્યે લોકોનું સમર્પણ અને નિષ્ઠા જોતાં દેશના મોખરના વેપારી સંગઠન કન્ફેડરેશન ઓફ ઇંડિયન ટ્રેડર્સ (‘કૈટ’)એ 15 ઓગસ્ટ 2022થી 15 સપ્ટેમ્બર 2023ના સમયગાળાને 'સ્વરાજ વર્ષ' તરીકે ઘોષિત કરવાની અપીલ કરી છે. ‘કૈટ’ના જણાવ્યા અનુસાર, લોકોની તિરંગાની માગણીને પૂરી કરવા માટે 20 દિવસના રેકોર્ડ સમયમાં 30 કરોડથી વધુ તિરંગાનું નિર્માણ કરાયું છે. તિરંગાનું વાર્ષિક વેચાણ અગાઉ 150 થી 200 કરોડ પર સિમિત હતું તે વડા પ્રધાનની અપીલ બાદ વધીને રૂ. 500 કરોડે પહોંચ્યું છે. વડા પ્રધાનની આ પહેલને કારણે ઝંડા બનાવનારાઓને પણ મોટા પાયે રોજગાર ઉપલબ્ધ થતાં લોકોએ આ પહેલને મોટા પાયે આવકારી છે.