ભારતમાં AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા એનવિડિયા અને રિલાયન્સ વચ્ચે મહત્ત્વની ભાગીદારી

Sunday 03rd November 2024 06:44 EST
 
 

મુંબઇઃ અમેરિકાની કંપની એનવિડિયા કોર્પ. ગુજરાતમાં જામનગર ખાતે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક ગીગાવોટના નિર્માણાધીન ડેટા સેન્ટરને આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ (AI) પ્રોસેસર સપ્લાય કરશે.
એનવિડિયાના વડા જેનસેન હુઆંગ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી મુંબઈમાં યોજાયેલી AI સમિટમાં એક મંચ પર સાથે આવ્યા હતા અને બન્નેએ એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટે ભાગીદારીની જાહેરાત કરી હતી અને દેશભરમાં આ ટેક્નોલોજીનો પ્રસાર કરવાનો નિર્ધાર કર્યો હતો. આ સાથે એનવિડિયાએ ઈન્ફોસીસ, ટીસીએસ, ટેક મહિન્દ્રા અને વિપ્રો જેવી ભારતીય આઈટી કંપનીઓ સાથે પણ ભાગીદારી આગળ ધપાવવાની જાહેરાત કરી હતી.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું નવું મહત્વનું ડેટા સેન્ટર એનવિડિયાની લેટેસ્ટ બ્લેકવેલ એઆઈ ચિપ્સનો ઉપયોગ કરશે. હુઆંગે કહ્યું હતું કે આ ભાગીદારીના ભાગરૂપે રિલાયન્સ એપ્લિકેશન તૈયાર કરશે જેના મારફતે ગ્રાહકોને આ ચિપ્સનું વેચાણ કરશે. હુઆંગ મુંબઈની બે દિવસની મુલાકાતે આવ્યા હતા.
એનવિડિયા ભારતમાં છ લોકેશન્સ પર કાર્યરત્ છે. તે વિવિધ કંપનીઓ, ક્લાઉડ પ્રોવાઈડર્સ, સ્ટાર્ટઅપ્સ સાથે કામ કરે છે અને તેમને એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં મદદરૂપ થાય છે. તેમાં તે એનવિડિયાના સૌથી આધુનિક જીપીયુ, હાઈ પરફોર્મન્સ નેટવર્કિંગ, AI સોફ્ટવેર પ્લેટફોર્મ્સ અને ટૂલ્સનો ઉપયોગ કરે છે.
 એનવિડિયા એઆઈ સમિટ 2024 ખાતે મુકેશ અંબાણી અને હુઆંગ વચ્ચે AI અંગે ભારતની ક્ષમતાઓ અને આ ક્ષેત્રે વૈશ્વિક લીડર તરીકે તેની ઊભરતી ભૂમિકા અંગે ખાસ્સી ચર્ચા કરી હતી.
મુકેશ અંબાણીએ કહ્યું હતું કે રિલાયન્સ અને એનવિડિયા વચ્ચે ભાગીદારીનો ઉદ્દેશ દેશમાં મજબૂત AI ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવાનો છે, જેનાથી સ્થાનિક ક્ષમતા તો વધશે જ, એટલું જ નહીં, ભારતને વૈશ્વિક ઈન્ટેલિજન્સ માર્કેટમાં મહત્વના દેશ તરીકે પ્રસ્થાપિત કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter