અમદાવાદઃ સૌર ઊર્જા પ્રોજેક્ટ્સ સ્થાપવા માટે વધુને વધુ કંપનીઓ આગળ આવી રહી હોવાથી દેશમાં સૌર ઊર્જા ઉત્પાદન ક્ષમતા માર્ચ ૨૦૧૭ સુધીમાં વધીને બમણી થઇ જશે. નેશનલ સોલાર એનર્જી ફેડરેશન ઓફ ઈન્ડિયાના (NSEFI) અંદાજ મુજબ એક વર્ષમાં સૌર ઊર્જા ઉત્પાદન વધીને ૧૦ હજાર મેગાવોટને સ્પર્શી શકે છે. અત્યારે દેશમાં ૫૧૨૯ મેગાવોટ સૌર ઊર્જાનું ઉત્પાદન થાય છે. આગામી સમયમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, તેલંગણ અને તામિલનાડુમાં મોટા પ્રોજેક્ટ્સ આકાર લેશે તેમ સંગઠનના ચેરમેન પ્રણવ મહેતાએ જણાવ્યું હતું.
વિશ્વમાં સોલર એનર્જીના ઉત્પાદનમાં ભારત ૧૧મા ક્રમે છે અને આગામી સમયમાં વધુ પ્રોજેક્ટ્સ કાર્યરત થવાથી ભારત વૈશ્વિક સ્તરે ટોચના પાંચ સૌર ઊર્જા ઉત્પાદન કરતા દેશોમાં સ્થાન મેળવશે. ૪૩ ગીગાવોટ સાથે ચીન મોખરાના સ્થાને છે જ્યારે ૩૮ ગીગાવોટ સાથે જર્મની બીજા ક્રમે હોવાનું મહેતાએ જણાવ્યું હતું. રિન્યુએબલ એનર્જી મંત્રાલયે દેશમાં ૨૧ રાજ્યોમાં ૩૩ સોલાર પાર્કને મંજૂરી આપી છે જેને પગલે વધુ ૧૯,૦૦૦ મેગાવોટની ક્ષમતાનો ઉમેરો થશે. સનએડિસન, એઝ્યોર પાવર ઈન્ડિયા અને અદાણી ગ્રૂપ સહિત ટોચના કોર્પોરેટ જૂથો દેશમાં સૌર ઊર્જા પ્રોજેક્ટ્સ સ્થાપવા યોજના ધરાવે છે. સરકાર રૂફ ટોપ સોલાર પાવર ઉત્પાદન પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
નવી સોલાર નીતિમાં રૂફ ટોપ સૌર ઊર્જાને પ્રોત્સાહન આપવા માટે રૂ. ૫ હજાર કરોડ ફાળવાયા છે. હરિયાણા, દિલ્હી અને તેલંગણે રૂફ ટોપ સોલાર પાવર જનરેશન માટે આકર્ષક નીતિ ઘડી છે જ્યારે ગુજરાત સરકારે તેમની નીતિમાં થોડો બદલાવ કરવાની જરૂર જણાય છે તેમ ઉદ્યોગના જાણકારોનું કહેવું છે.